<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્‍ત સૂધારણા કાર્યક્રમ જાહેરઃ ર૭ નવેમ્‍બરે સંકલિત યાદી પ્રસિધ્‍ધ થશે

૧-૧-ર૦ર૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર પણ નામ ઉમેરવા અરજી કરી શકશે ર૭ નવેમ્‍બરથી ર૬ ડીસેમ્‍બર હકક-દાવા-વાંધા અરજી સ્‍વીકારાશેઃ ૧૮ જાન્‍યુઆરીએ ફાઇનલ મતદાર યાદી જાહેર થશે

રાજકોટ તા. ૧૬: ભારતના ચૂંટણી પંચની સૂચના બાદ ગુજરાતના મુખ્‍ય ચૂંટણી અધિકારીએ રાજકોટ સહિત રાજયભરમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્‍ત સૂધારણા-ર૦ર૭ કાર્યક્રમ જાહેર કર્યો છે.

આ કાર્યક્રમની તારીખમાં ર૭ નવેમ્‍બરે સંકલિત મતદાર યાદીના મુસદાની પ્રસિધ્‍ધિ થશે, ર૭ નવેમ્‍બરથી ર૬ ડીસેમ્‍બર સુધી હકક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે, ત્‍યારબાદ ૧૧ જાન્‍યુઆરી સૂધીમાં આવેલ વાંધા અરજીઓનો નિકાલ થશે, અને ૧૮ જાન્‍યુઆરી-ર૦ર૭ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્‍ધિ થશે.

અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, ૧-૧-ર૦ર૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદાર યાદીમાં નામ ઉમેરી શકાશે, આ ઉપરાંત ૧-૧-ર૦ર૭, ૧-૪-ર૦ર૭, ૧-૭-ર૦ર૭ અને ૧-૧૦-ર૦ર૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર સંભવિત મતદારો અગાઉથી અરજી કરી શકશે.

મતદારો નામ ઉમેરવા ફોર્મ નંબર ૬, વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો ફોર્મ-૬એ, નામ દાખલ કરવા પર વાંધો અથવા નામ રદ્દ કરવા માટે ફોર્મ નંબર-૭, અને સરનામું બદલવા, વિગતો સૂધારવા, ઓળખપત્ર કાર્ડ બદલવા વિગેરે માટે ફોર્મ નં. ૮ ભરી શકશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે જે તે વિસ્‍તારના બૂથ લેવલ ઓફિસર અથવા જીલ્લા ચૂંટણી અધીકારીનો સંપર્ક કરવા અપીલ કરાઇ છે

(4:00 PM IST)