તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Monday, 21st September 2026
મોરબીથી દિકરીની ટેટની પરિક્ષા અપાવવા માટે રાજકોટ આવેલા વૃધ્ધ અરૂણભાઇ શાહનું માથું છુંદાઇ જતાં મોત
ગણપતિ વિસર્જનમાં ડીજે વગાડવા જઇ રહેલા ટ્રકની બ્રેક પારેવડી ચોકમાં ફેઇલ થતાં દુર્ઘટના દિકરીને પરિક્ષા કેન્દ્ર પર ઉતારી ઇલેક્ટ્રીકનો સામાન લેવા નીકળ્યા અને કાળ ભેટયોઃ બે રિક્ષા ઠોકરે ચડતાં તેના ચાલકો ભગવતીપરાના ઇરફાનભાઇ અને મેટોડાના પરેશભાઇને ઇજાઃ બી-ડિવીઝન પોલીસે ટ્રક ચાલકને સકંજામાં લીધો

ઘટના સ્થળે કાળમુખો ટ્રક, નીચે માથું છુંદાઇ ગયેલો મોરબીના વૃધ્ધ અરૂણભાઇ શાહનો નિષ્પ્રાણ દેહ, ઇન્સેટમાં તેમનો ફાઇલ ફોટો અને ઠોકરે ચડેલી રિક્ષાઓ તથા ઘાયલ થયેલા રિક્ષાના ચાલકો ઇરફાનભાઇ તથા પરેશભાઇ જોઇ શકાય છે (તસ્વીઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૧: રવિવારે શહેરના કુવાડવા રોડ પારેવડી ચોકમાં ગણપતિ વીસર્જનમાં ડીજે વગાડવા જઇ રહેલા આઇશર ટ્રકની બ્રેક ફેઇલ થતાં તેની ઠોકરે એક બાઇક અને બે રિક્ષા ચડી જતાં બાઇકચાલક મોરબીના વણિક વૃધ્ધનું માથું છુંદાઇ જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે બે રિક્ષાના ચાલકો ભગવતીપરા અને મેટોડાના યુવાનોને ઇજા થઇ હતી. મૃત્યુ પામનાર વૃધ્ધ દિકરીને ટેટની પરિક્ષા હોઇ પરિક્ષા કેન્દ્ર પર ઉતારી પોતાને ઇલેક્ટ્રીક કામ, આરઓ કામનો સામાન લેવાનો હોઇ તે લેવા નીકળ્યા ત્યારે કાળનો કોળીયો બની ગયા હતાં.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મોરબી ગ્રીન ચોક કંસારા શેરીની અંદર હીરા ભુવનની પાસે રહેતાં મોરબી હાઉસીંગ બોર્ડમાં રહેતાં મૃતક વણિક વૃધ્ધ અરૂણભાઇ ભગવાનજીભાઇ શાહ (ઉ.વ.૬૩)ના ભત્રીજા પારસભાઇ સુરેશભાઇ શાહ (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી જીજે૦૩વાય-૭૧૧૪ નંબરના ડીજેના સામાન સાથેના ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.
પારસભાઇ શાહે જણાવ્યું હતું કે મારા કાકા અરૂણભાઇ શાહ પોતાના પરિવાર સાથે મોરબી ગુ.હા. બોર્ડ ક્વાર્ટર નં. એમ-૧૨૫૨માં રહેતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરો ૧૬ વર્ષનો અને એક દિકરી ૨૧ વર્ષની છે. દિકરી રિધ્ધીને ટેટની પરિક્ષા રવિવારે રાજકોટ ખાતે આપવાની હોઇ મારા કાકા અરૂણભાઇ દિકરીને પોતાના પ્લેટીના બાઇક જીજે૦૩ઇડી-૬૨૨૮માં બેસાડી રાજકોટ આવ્યા હતાં. આ પછી સાંજે ચારેક વાગ્યે મને મારા ફઇના દિકરા અંકિતે ફોન કરી રાજકોટમાં અરૂણમામાને અકસ્માત નડયો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે તેવુ જણાવતાં હું રાજકોટ પહોંચ્યો હતો. પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મને કાકાનો મૃતદેહ જોવા મળ્યો હતો.
તપાસ કરતાં મને જાણવા મળ્યું હતું કે મારા કાકા તેમની દિકરીને પરિક્ષા કેન્દ્ર પર મુકી પોતે આરઓ પ્લાન્ટ, ઇલેક્ટ્રીકને લગતું કામ કરતાં હોઇ તેનો સામાન લેવા જવા નીકળ્યા હતાં. આ વખતે પારેવડી ચોકમાં તેમને બાઇક સીહત ડીજેનો સામાન ભરેલા ટ્રકના ચાલકે ઠોકરે ચડાવી દેતાં ગંભીર ઇજા થતાં તેમનું માથું છુંદાઇ જતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં બે અલગ અલગ રિક્ષા જીજે૦૩બીયુ-૦૫૪૪ અને જીજે૦૩બીએક્સ-૦૦૧૩ પણ ચડી જતાં તેમાં નુકસાની થઇ હતી અને તેના ચાલકો ભગવતીપરા સુખસાગર ચોકમાં રહેતાં ઇરફાનભાઇ અલીભાઇ તમીમી (ઉ.વ.૩૮) તથા મેટોડા કિસ્મત હોટલ પાસે રહેતાં પરેશભાઇ કેશવલાલ કુંડલ (ઉ.વ.૪૦)ને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.
મૃત્યુ પામનાર મારા કાકા અરૂણભાઇ શાહહ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં ચોથા હતાં. તેમને દિકરો, દિકરી બે સંતાન છે. તેમ વધુમાં પારસભાઇએ જણાવતાં બી-ડિવીઝન પીએસઆઇ કે. એસ. ભગોરાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પીઆઇ જી. આર. ચોૈહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવમાં પોલીસે તપાસ કરતાં એવુ જાણવા મળ્યું હતું કે ગણપતિ વિસર્જનમાં ડીજે વગાડવા માટે આઇશરનો ચાલક રેલનગરથી નીકળ્યો હતો. ભગવતીપરા પૂલ પાસે પહોંચતા જ બ્રેક ફેઇલ થઇ હતી અને પારેવડી ચોકમાં તેની ઠોકરે બાઇક અને બે રિક્ષા ચડી ગયા હતાં. જમાં મોરબીના બાઇકચાલક વૃધ્ધનું મૃત્યુ થયું હતું. પોલીસે આઇશર ચાલક નયનભાઇ બાલાભાઇ પરમાર (રહે. હંસરાજનગર)ને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
(11:29 AM IST)










