તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
રમેશભાઈ ટીલાળાના પ્રયાસોથી છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ-દક્ષિણમાં વિકાસ કાર્યોને મળી નવી ગતિ
વર્ષ ૨૩-૨૪માં ૧૩૮ લાખ, વર્ષ ૨૪-૨૫માં ૧૪૪ લાખ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૮૪ લાખથી વધુના વિકાસકામો હાથ ધરાયા

રાજકોટ : દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં પ્રજાની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખી વિકાસલક્ષી કાર્યોને સતત પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત મળતી સરકારી ગ્રાન્ટનો આયોજનબદ્ધ અને પારદર્શક ઉપયોગ કરીને વિસ્તારના વિવિધ વિકાસકાર્યોને આગળ વધારવામાં આવ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.
વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન રાજ્ય સરકાર તરફથી મળેલી રૂ. ૧.૫૦ કરોડની ગ્રાન્ટમાંથી કુલ ૫૬ વિકાસલક્ષી કામો માટે રૂ. ૧,૩૮,૧૮,૯૬૨ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. માર્ગ, જાહેર સુવિધાઓ તથા સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ વિવિધ કામો માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન પણ રૂ. ૧.૫૦ કરોડની ગ્રાન્ટ સામે કુલ ૩૪ વિકાસલક્ષી કામો માટે રૂ. ૧,૪૩,૯૧,૨૦૦ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ઉપરાંત એક કામ તકનિકી મંજૂરીની પ્રક્રિયામાં હોવાથી કુલ ઉપયોગ રૂ. ૧,૪૪,૯૧,૨૦૦ સુધી પહોંચ્યો હતો. ઉપલબ્ધ ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરીને વધુમાં વધુ જનહિતના કાર્યો પૂર્ણ થાય તે માટે સતત આયોજન કરવામાં આવ્યું હતુ.
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ધારાસભ્ય ગ્રાન્ટમાં વધારો થતાં રૂ. ૨.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૪૯ વિકાસલક્ષી કામો માટે રૂ. ૮૪,૬૩,૮૬૬ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જયારે કેટલાક કામો તકનિકી મંજૂરીની પ્રક્રિયામાં છે. આગામી સમયમાં બાકીની ગ્રાન્ટમાંથી વિસ્તારની જરૂરિયાતોને અનુરૂપ વધુ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને જળસંચય સંબંધિત કાર્યોને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ઉપલબ્ધ ગ્રાન્ટ અંતર્ગત જળસંચયના કાર્યો માટે ફાળવણી કરવામાં આવી છે અને આગામી સમયમાં નવા જળસંચયના વિકાસકાર્યો માટે પણ આયોજન કરવામાં આવશે. સાથે જ નિયમિત ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ માર્ગ, જાહેર સુવિધાઓ, સામાજિક માળખાકીય સુવિધાઓ તથા પ્રજાની જરૂરિયાતોને અનુરૂપ અન્ય વિકાસકાર્યોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ-દક્ષિણના દરેક વિસ્તાર સુધી વિકાસનો લાભ પહોંચે, લોકોની રોજિદી જરૂરિયાતોને અનુરૂપ સુવિધાઓ ઉપલબ્ધ બને અને સરકારની ગ્રાન્ટનો એક-એક રૂપિયો જનહિતમાં ઉપયોગ થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. વિકાસ માત્ર આંકડાઓ સુધી સીમિત ન રહે, પરંતુ તેનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળે તે દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ પ્રજાના સૂચનો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધુ વિકાસલક્ષી કામોને ગતિ આપવામાં આવશે.' ધારાસભ્યશ્રીના વિકાસલક્ષી અભિગમને કારણે રાજકોટ-દક્ષિણ વિસ્તારમાં સતત નવા કાર્યોને મંજૂરી મળી રહી છે અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સુવ્યવસ્થિત આયોજન સાથે કામગીરી આગળ વધી રહી હોવાનું યાદીમાં જણાવાયું છે.
(2:29 PM IST)










