તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
જનઆરોગ્ય માટે જોખમી મચ્છર ઉત્પતી સ્થાનો બદલ સુરતમાં દંડમાં ધરખમ વધારોઃ રાજકોટમાં હજુ નજીવો દંડ
ગતટર્મની સ્ટેન્ડિંગ કમીટીએ દરખાસ્ત નામંજુર કરેલ, શાસકોના વલણ અંગે ગણગણાટ : મચ્છર બ્રીડિંગ તો સુરતમાં રહેણાંક માટે રૂા.૨,૫૦૦ અને કોમર્શિયલ માટે રૂા.૫,૦૦૦ સુધીનો દંડઃ જયારે રાજકોટમાં હજુ રૂા.૧૦૦થી રૂા.૨,૦૦૦ સુધી જ વસૂલાતઃ દંડની રકમમાં મોટો તફાવત ચર્ચામાં

રાજકોટ,તા.૩૦: ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું જોખમ વધતા રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ મચ્છરના બ્રીડીંગ સ્થળો સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ વચ્ચે સુરત મહાનગરપાલિકાએ જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપતા મચ્છરના બ્રીડીંગ મળી આવે તો દંડની રકમમાં ધરખમ વધારો કર્યો છે. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકામાં હજુ પણ જૂના અને તુલનાત્મક રીતે ખૂબ ઓછા દંડનો અમલ થતાં પ્રશ્નો ઊભા થયા છે.
માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકા દ્વારા રહેણાંક મિલકતમાં મચ્છરનું બ્રીડીંગ મળી આવે તો રૂા.૨,૫૦૦ સુધીનો દંડ અને કોમર્શિયલ મિલકતમાં રૂા.૫,૦૦૦ સુધીનો દંડ વસૂલવાનો વધારો કરવામાં આવ્યો છે. કડક દંડની નીતિને કારણે લોકોમાં પણ જાગળતિ વધી છે અને પોતાના રહેણાંક તેમજ વ્યવસાયિક સ્થળોને સ્વચ્છ રાખવા તરફ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકામાં હાલ રહેણાંક મિલકતમાં મચ્છરનું બ્રીડીંગ મળી આવે તો માત્ર રૂા.૧૦૦થી રૂા.૨૦૦ સુધીનો દંડ અને કોમર્શિયલ મિલકતમાં રૂા.૨૦૦થી રૂા.૨,૦૦૦ સુધીનો દંડ વસૂલવામાં આવે છે. જાહેર આરોગ્યના ગંભીર મુદ્દે આટલો ઓછો દંડ અસરકારક નિવારક સાબિત થશે કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ગત ટર્મ દરમિયાન મચ્છરના બ્રીડીંગ માટે દંડની રકમ વધારવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવી હતી. જોકે તે સમયે સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્તને મંજૂરી આપી નહોતી. આ નિર્ણય બાદ શાસક પક્ષના વલણ અંગે પણ ચર્ચા જાગી હતી અને જાહેર આરોગ્ય જેવા સંવેદનશીલ મુદ્દે કડક નિર્ણય ન લેવાતા અનેક સવાલો ઉભા થયા હતા.
આરોગ્ય નિષ્ણાતોના મતે, માત્ર ફોગિંગ કે દવાઓનો છંટકાવ પૂરતો નથી. જ્યાં મચ્છરનું બ્રીડીંગ થાય છે ત્યાં કડક દંડ અને નિયમોનું કડક પાલન કરાવવાથી જ અસરકારક નિયંત્રણ શકય બને છે. સુરતની જેમ રાજકોટમાં પણ દંડની રકમમાં વધારો કરીને કડક અમલવારી કરવામાં આવે તો મચ્છરજન્ય રોગોનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળી શકે.
હાલ ચોમાસાની મોસમ વચ્ચે રાજકોટમાં પણ મચ્છરજન્ય રોગોના કેસોને ધ્યાનમાં રાખીને દંડની જોગવાઈ વધુ કડક બનાવવાની માંગ ઉઠી રહી છે. હવે નવી સ્ટેન્ડિંગ કમિટી આ મુદ્દે શું નિર્ણય લે છે અને દંડની રકમમાં વધારો કરે છે કે નહીં, તેના પર નાગરિકોની નજર મંડાઈ છે.(૨.૨૧)

(3:16 PM IST)










