News of Wednesday, 21st October 2026
ડો. યાજ્ઞિક રોડથી માલવીયા ચોક સુધી બપોરે
ટ્રાફિક જામ થતાં અનેક વાહનચાલકો હેરાન થયા ટ્રાફિક સેન્સના અભાવે અમુક ચાલકો ગમે ત્યાં વાહન ઘુસાડી આગળ નીકળી જવાનો પ્રયાસ કરે છેઃ તેના કારણે સર્જાય છે જામઃ પોલીસે મહત્વના માર્ગો પર ખાસ ધ્યાન આપવું જરૂરી

રાજકોટઃ શહેરના ડો. યાજ્ઞિક રોડથી રામકૃષ્ણ આશ્રમ અને ત્યાંથી લઇ છેક માલવીયા ચોક સુધી બપોરે ટ્રાફિકજામ થઇ જતાં અનેક વાહનચાલકો હેરાન પરેરાન થઇ ગયા હતાં. ઘણીવાર અમુક વાહનચાલકોની ઉતાવળ અને ટ્રાફિક સેન્સના અભાવને કારણે શહેરમાં ઠેકઠેકાણે જામ થઇ જતાં હોય છે. આને કારણે ક્યારેક તો એમ્બ્યુલન્સ, ૧૦૮ પણ ફસાઇ જતી હોય છે. ગમે ત્યાં વાહન ઘુસાડી ગમે તેમ કરીને આગળ નીકળી જવાની અમુક વાહનચાલકોની ઉતાવળને કારણે આવા જામ થાય છે અને ક્યારેક નાના અકસ્માત સર્જાતા બોલાચાલી પણ થઇ જતી હોય છે. આજે બપોરે પણ ડો. યાજ્ઞિક રોડ જાગનાથ પોલીસ ચોકીથી લઇ માલવીયા ચોક સુધી કોઇ કારણોસર ટ્રાફિકજામ થઇ જતાં અનેક વાહનચાલકો હેરાન થયા હતાં. કોઇ વાહનવાળાએ માલવીયા ચોક નજીક આડેધડ વાહન ઘુસાડી દેતાં તેની પાછળ અને આસપાસના બીજા રસ્તાઓ પર બીજા વાહનો અટવાઇ જતાં આ જામ સર્જાયાનું લોકો કહેતાં હતાં. પોલીસે આવા રસ્તાઓ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. જેના કારણે જામ ન સર્જાય. તસ્વીરમાં ટ્રાફિકજામના દ્રશ્ય જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:33 PM IST)










