તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
ડો.શૈલેષ બારમેડાએ પરિવાર સાથે હિમાલયનું‘હમ્પ્ટા પાસ'સર કર્યું
૧૪,૧૦૦ ફૂટની ઊંચાઇઃ બર્ફિલી પહાડી ઓની ૨૭ કિમીની પદયાત્રાઃ પાંચ દિવસનું જોખમી ટ્રેકિંગ પાર

રાજકોટ, તા.૧: હિમાલયમાં ૧૪,૧૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ Hampta Pass (હમ્પ્ટા પાસ) ના અત્યંત જોખમી નેશનલ ટ્રેક ને સફળતા પૂર્વક બારમેડા પરિવાર સર કર્યું છે.
યુથ હોસ્ટેલ દ્વારા આયોજિત ‘‘હમ્પ્ટા પાસ'' ટ્રેકિંગમાં બારમેડા પરિવારના ચારેય સભ્યો.. ડો. શૈલેશ બારમેડા, શ્રીમતી શીલા બારમેડા, રમ્ય બારમેડા અને ડૉ. રીવા બારમેડા એક સાથે જોડાયા હતા. શારીરિક ક્ષમતાની કસોટી કરતા આ અત્યંત મુશ્કેલ ટ્રેક માટે પરિવાર દ્વારા છેલ્લા બે મહિનાથી તૈયારી કરેલ, જે આખરે સફળ થઈ.
શેઓબાગ બેઝ કેમ્પ થી હમ્પ્ટા પાસ અને પાછા વળતા છત્રુ સુધીની પાંચ દિવસ ની અત્યંત કઠિન સાહસિક યાત્રામાં અનેક મુશ્કેલીઓ આવી... વરસાદ, બરફ પર ચાલવાનું, કાતિલ ઠંડી, તીવ્ર પવન, હવામાં ઓક્સિજનની કમી, ખભા પર વજનદાર રક્સેક અને ખાસ તો બાકીની દુનિયા સાથેનો સંપર્કનો અભાવ. આવી સ્થિતિમાં સાથેના અન્ય થોડા ટ્રેકર્સને અધવચ્ચેથી પરત પણ ફરવું પડ્યું હતું.હિમાલયના આવા પહાડી મુશ્કેલ ટ્રેકિંગમાં ૧ કિલોમીટર ચાલતા ૧ થી ૨ કલાક જેટલો સમય લાગે છે. કુલ ૨૭ કિલોમીટરની સફર.. સતત પાંચ દિવસ અત્યંત મુશ્કેલ હવામાન ની સામે ઝઝૂમવાનું.. અહીં મુશ્કેલ સ્થિતિ ત્યારે સર્જાય જ્યારે કોઈ ગંભીર ઇજા કે શારીરિક તકલીફની સ્થિતિમાં પ્રાથમિક સારવાર સિવાય તાત્કાલિક કંઈ જ ઉપલબ્ધ થતું નથી. અદભૂત કુદરતી સૌંદર્યનો ખજાનો માણવા માટે હમ્પ્ટા પાસની ૧૪,૧૦૦ ફૂટની ઊંચાઈની અવિસ્મરણીય સાહસ યાત્રા કરવી જ પડે... YHAI ગ્રુપના ૧૭ સભ્યો સાથે ડો. શૈલેશ બારમેડા પરિવારની આ યાત્રા સિદ્ધિ હિંમત, સંકલ્પ, એકતા અને કુદરત પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની આ સફળતા અનેક પરિવારો અને યુવાનોને સાહસિક પ્રવળત્તિઓ તેમજ ડિજિટલ જીવનશૈલી માંથી થોડો વિરામ લઈ કુદરત સાથે જોડાવા માટે પ્રેરણા આપે છે. આ ગૌરવપૂર્ણ સાહસ યાત્રા માટે મિત્રો, તોહીજનો દ્વારા અભિનંદન વર્ષા થઈ રહી છે.
(3:19 PM IST)










