તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ડબલ રીક્ષા, ડબલ ડ્રાઇવર અને ડીસીબીનો ‘ડબલ ડોઝ' : ૩ લાખની વ્હીસ્કી સાથે બે રીક્ષા ચાલકો ઝડપાયા

રાજકોટ-ભાવનગર હાઇવે પર આર કે યુનિવર્સિટીના ગેઇટ પાસે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી : ઘાંચીવાડમાં દિલાવર ઉર્ફે જીણી મકરાણાએ બંને રીક્ષામાં દારૂ ભરી રામનાથપરા પહોંચાડવાનું કહયું હતું પરંતુ તે પહેલા જ રસ્તામાં ક્રાઇમ બ્રાંચે ‘ઓપરેશન' કરી નાખ્યું : ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.એસ.ચાવડાની રાહબરીમાં પીએસઆઇ વી.ડી.ડોડીયા, ડી.પી.ઝાલા અને ટીમની કામગીરી
રાજકોટ, તા., ૨૩ : રાજકોટ-ભાવનગર હાઇવે પર આર.કે.યુનિવર્સિટીના ગેઇટ પાસેથી ક્રાઇમ બ્રાંચે વહેલી સવારમાં બે-બે રીક્ષામાં ૩ લાખની કિંમતની દારૂની ૧૧પર બોટલ લઇને ખેપ મારતા બે શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. આ કેસમાં રામનાથપરાના શખ્સનું નામ ખુલતા પોલીસે તેને પકડવા ચક્રો ગતીમાન કર્યા હતા.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ વી.ડી.ડોડીયા, હેડ કોન્સ. ધારાભાઇ વાનરીયા, ગોપાલભાઇ બોળીયા સહિતના સ્ટાફે પેટ્રોલીંગમાં હતો ત્યારે ધારાભાઇ અને રાજેશભાઇ જળુને રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ તરફથી બે અલગ-અલગ વિદેશી દારૂ ભરેલી રીક્ષા રાજકોટ તરફ આવતી હોવાની બાતમીના આધારે ટીમે આર.કે.યુનિવર્સિટીના ગેઇટ પાસે વોચ ગોઠવી હતી. આ સમયે બે સીએનજી રીક્ષા આગળ-પાછળ નિકળતા તેને અટકાવી બંને ચાલકને પકડી લઇ પુછતાછ કરતા પોતાના નામ આકિબ ઇકબાલભાઇ બેલીમ (ઉ.વ.ર૮) રહે. જિલ્લા ગાર્ડન, સ્લમ કવાર્ટર, એકતા સોસાયટીના ગેઇટ પાસે કેનાલ રોડ) અને ઇદ્રીસખાન ઉર્ફે મયુર અયુબખાન જલવાણી (ઉ.વ.૩૯ રહે. હાથીખાના, રામનાથપરા જુની જેલ પાછળ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બંને રિક્ષાની તલાશી લેતા તેમાંથી ચંદીગઢના માર્કાવાળા પાર્ટી સ્પેશ્યલ ગોલ્ડ પ્રીમીયમ વ્હીસ્કી, રોયલ ચેલેન્જ વ્હીસ્કી, સુપર જયુબીલી ગોલ્ડ વ્હીસ્કી, ઓલ સીડીન્સ ગોલ્ડ કલેકશન વ્હીસ્કી મળી રૂા. ૩.૦૮ લાખની કિંમતની વ્હીસ્કીની ૧૧૫૨ બોટલ મળી આવતા દારૂ ઉપરાંત બે ફોન અને બે રીક્ષા મળી કુલ રૂા. પ.૧૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
બંને આરોપીની પુછતાછમાં આ દારૂનો જથ્થો ત્રંબા ગામેથી દિલાવર ઉર્ફે જીણી સલીમભાઇ મકરાણી (રહે. ઘાંચીવાડ, રામનાથપરા)એ રીક્ષામાં દારૂ ભરી આપી રામનાથપરામાં પહોંચાડવાનું કહયું હોવાની કેફીયત આપતા ક્રાઇમ બ્રાંચે ત્રણેય સામે ગુનો દાખલ કરી ફરાર દિલાવર ઉર્ફે જીણી માકરાણીની શોધખોળ શરૂ કરી છે. આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ. જાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.ડી.ડોડીયા તથા ડી.પી.ઝાલા તથા એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ જળુ, પ્રદીપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, ધારાભાઇ વાનરીયા, રાહુલભાઇ ગોહેલ, ગોપાલભાઇ બોળીયા, વિજુભા જાડેજા તથા પોલીસ કોન્સ. રાજેશભાઇ પટેલે કરી હતી.(૪.૧૧)
(3:44 PM IST)










