<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

અમને શિસ્તના પાઠ ભણાવશો નહીં, અમે કોંગ્રેસ માટે લોહી રેડ્યું છેઃ શિક્ષણ સમિતિમાં નબળા ઉમેદવાર મૂકવા પાછળ ભાજપ સાથે ગઠબંધન

શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા ઉપર આકરા પ્રહારો : એડવોકેટ વિજયસિંહ જાડેજા અને એડવોકેટ કમલેશ કોઠીવાર જણાવે છે કે, અમને સસ્પેન્ડ કરવાની તમારી કોઈ લાયકાત અને સત્તા નથી, પહેલા બંધારણ વાંચી લોઃ કોંગ્રેસ કોઈ પ્રાઈવેટ લિમીટેડ કંપની નથી, પેપર ટાઈગર બની પીપુડી વગાડવાથી નેતા ન બનાય

રાજકોટ,તા.૩: રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા દ્વારા ગત તા.૩૦-૦૯-૨૦૨૬ના રોજ એડવોકેટ વિજયસિંહ જાડેજા (મો.૯૦૩૩૭ ૧૧૧૧૧)  અને એડવોકેટ કમલેશ કોઠીવાર(મો.૯૯૦૪૫ ૦૦૦૦૧) ને સસ્પેન્ડ કર્યાનો એક લેટર મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, તેના અનુસંધાને આજે એડવોકેટ વિજયસિહ જાડેજા અને એડવોકેટ કમલેશ કોઠીવાર દ્વારા રાજદિપસિંહ જાડેજા ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

એડવોકેટ વિજયસિંહ જાડેજા અને એડવોકેટ કમલેશ કોઠીવારે જણાવ્યું હતુ઼ કે રાજદીપસિંહે તેમના કાર્યકાળ દરમ્યાન કમલેશ કોઠીવારને કોંગ્રેસમાં કોઈપણ હોદ્દા ઉપર નિમણૂંક જ આપી નથી અને હાલમાં મારી પાસે કોંગ્રેસનો કોઈ ઓફીશીયલી હોદ્દો પણ નથી તો મને રાજદીપસિંહ સસ્પેન્ડ કેવી રીતે કરી શકે? આ એક મોટો પ્રશ્ન છે. જ્યારે વિજયસિંહ જાડેજા વોર્ડ નંબર ૧૩ કોંગ્રેસ પ્રમુખ છે. પરંતુ કોંગ્રેસના બંધારણ મુજબ તેમને સસ્પેન્ડ કરવાની સત્તા માત્ર પ્રદેશ પ્રમુખ પાસે છે, શહેર પ્રમુખ પાસે નહીં અને કોઈપણ હોદ્દેદારને સસ્પેન્ડ કરતા પહેલા તેને શો કોઝ નોટીસ પાઠવી ખુલાસો પૂછવો પડે, પછી જો તે સંતોષકારક જવાબ ન આપે તો પ્રદેશ પ્રમુખ સસ્પેન્ડ કરી શકે. એટલે રાજદીપસિહને અમે કહેવા માંગીએ છીએ કે તમે શહેર પ્રમુખ છો તો પહેલા કોંગ્રેસનું બંધારણ વાંચી લેજો.

બંને આગેવાનો જણાવે છે કે તમે કાલ સવારે કોંગ્રેસમાં આવ્યા હશો, મારી તો આ ત્રીજી પેઢી કોંગ્રેસમાં છે. મારા દાદા પણ વર્ષો સુધી કોંગ્રેસમાં હતા અને હું પણ છેલ્લા ૨૫ વર્ષથી કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે કામ કરું છું અને અમારું જાહેર જીવન ખુલ્લી કિતાબ સમાન છે. કોઈ બે નંબરનો ધંધો અમે કરતા નથી. અમને સસ્પેન્ડ કરવા તમારે પહેલા અમારી જેમ વફાદારી અને નિષ્ઠાપૂર્વક આખી જિદગી કોંગ્રેસ માટે સમર્પિત કરવી પડે.

એડવોકેટ શ્રી જાડેજા અને શ્રી કોઠીવાર જણાવે છે કે હું કહું તેજ સાચું અને હું કહું તેમજ કરવાનું તેવું વલણ શહેર પ્રમુખનું રહ્યું છે. શહેર પ્રમુખની વાણી અને વર્તનથી કાર્યકર્તાઓ નારાજ છે. અમે કહીએ છીએ કે કોંગ્રેસ કોઈ તમારી પ્રાઈવેટ લિમીટેડ કંપની નથી કે તમે કહો તેમ કાર્ય કરો. કોંગ્રેસ અમારા જેવા કાર્યકરોથી બનેલી અને લોકશાહી ઢબે સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. પ્રમુખપદ એક વ્યવસ્થાનો ભાગ છે, બધા સમાન હોય છે અને સ્વાભિમાન વહાલું જ હોય છે એટલે પ્રમુખપદનો રૃઆબ બતાવવો નહીં.

બંને આગેવાનો જણાવે છે કે શિક્ષણ સમિતિની નિમણૂકમાં ભાજપ સાથે તમારું સેટિગનું ભોપાળું અમારા દ્વારા મીડિયામાં ખુલ્લું પાડતા તમે સસ્પેન્ડની પીપુડી વગાડી રહ્યા છો. શિસ્તની વાત તમને શોભતી નથી કારણ કે ભૂતકાળમાં તમે કેટલાય આગેવાનોને તમારી અને તમારા અંગત લોકોની કોર્પોરેશનની ટીકીટ લેવા માટે ખુલ્લેઆમ એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસના નામે ધમકાવતા જોયા છે, ત્યારે તમારી શિસ્ત કયાં ગઈ હતી? એટલે શિસ્તની પીપુડી અમારી પાસે વગાડશો નહીં.

એડવોકેટ વિજયસિહ જાડેજા અને એડવોકેટ કમલેશ કોઠીવાર જણાવે છે કે હા અમે ખુલ્લે આમ કહીએ છીએ કે તમે ભાજપના કહેવાથી શિક્ષણ મુદ્દે સાવ અજાણ અને સરળ અને નવ પાસ ઉમેદવાર આપેલ છે કારણ કે જો અમારા જેવા મજબુત અને શિક્ષણના જાણકાર ઉમેદવાર આવે તો શહેર પ્રમુખનું ભાજપ સાથેનું અને મેયર સાથેનું સેટિગ ખુલ્લું પડી જાય. અમે મેયર સમક્ષ ઉમેદવારી પત્ર લેવા ગયા ત્યારબાદ વીસ મીનીટમાં કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ત્યારે શહેર પ્રમુખે પુછ્યું કે તમે ઉમેદવારી પત્ર લેવા ગયા હતા તો અમે સામે સવાલ કરેલ કે તમને કોને કહ્યું ત્યારે રાજદીપસિહે જવાબ આપેલ કે મને મેયરશ્રીનો ફોન આવેલ હતો, આ જવાબથી જ તમારું ભાજપ સાથેનું સેટિગ ખુલ્લું પડી ગયું હતું.

બંને આગેવાનો જણાવે છે કે શહેર પ્રમુખને ૨૦૨૭માં વિધાનસભા ૬૮ લડવાના અભરખા જાગ્યા હોવાથી વોર્ડ નં.૧૬ ના કોર્પોરેટરને વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. તેવી જ રીતે શિક્ષણ સમિતિના સભ્ય પણ વિધાનસભા ૬૮માંથી લઈને ભવિષ્યમાં બન્ને હોદ્દેદારોને પોતાની ચૂંટણીમાં દોડાવી તેના વિસ્તારમાં મત અંકે કરવા થાય તેવો મલિન ઈરાદો અને અંગત સ્વાર્થ પણ શહેર પ્રમુખનો છે. જે તે વિધાનસભાના એક બે વ્યકિતને પદ આપી દેવાથી ધારાસભ્ય નથી બનાતું, તેના માટે અથાગ મહેનત અને લોક સંપર્ક જરૃરી છે.

અમે બન્ને આગેવાનોએ કોંગ્રેસ માટે લોહી રેડ્યું છે, રાત દિવસ મહેનત કરેલ છે. અમને ચાહનારો વર્ગ બહોળો છે, તેઓ અમારા સમર્થનમાં અને તમારી વિરુદ્ધમાં આવનારા સમયમાં તબક્કાવાર રાજીનામા આપશે. આવનારા દિવસોમાં શહેર કોંગ્રેસના આગેવાનોને સાથે લઈ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજદીપસિહને હાંકી કાઢવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)

(3:29 PM IST)