<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

મારા રૂપિયા દેવાના છે કે નહિ?...લાલબહાદુર સોસાયટીના ક્રિપાલસિંહ જાડેજા પર મિત્ર વિનીતનો હુમલોઃ ખૂનની ધમકી

ચાર વર્ષ પહેલા ક્રિપાલસિંહ જેમાં ડીરેકટર હતાં તે ક્રાઉડ પાવર કંપનીમાં વિનીતે ૧૫ લાખનું રોકાણ કર્યુ હતું: પણ માલિક દુબઈ ભાગી જતાં હવે વિનીત મિત્ર ક્રિપાલસિંહ પાસે આ પૈસાની ઉઘરાણી કરતો હતો સી.પી. ઓફિસે લઇ જવાનું કહી શાષાીમેદાન પાસે લાવી વાહન રોકાવી ફરીથી માર માર્યોઃ ભક્‍તિનગરમાં ફરિયાદ

 

 

રાજકોટ તા. ૧૪: શહેરના ઢેબર રોડ પર આવેલી લાલ બહાદુર સોસાયટીમાં રહેતાં અને જમીન-મકાન લે-વેચનો ધંધો કરતાં યુવાન પર ભક્‍તિનગર સર્કલ પાસે પૈસાની લેતી દેતી મામલે તેના જ મિત્રએ હુમલો કરી માર મારતાં અને ધમકી આપતાં ફરિયાદ થઇ છે. ચાર વર્ષ પહેલા આ યુવાન મારફત મિત્રએ ક્રાઉડ પાવર નામની કંપનીમાં પંદર લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. પણ કંપનીનો માલિક નાણા ઉસેડી દુબઇ ભાગી જતાં હવે રોકાણ કરનારે જમીન મકાનના ધંધાર્થી એવા મિત્ર પાસે પોતાના નાણાની ઉઘરાણી ચાલુ કરી હતી. આ અંગેની વાત કરવા બોલાવી મારામારી કરાઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ અટીકા લાલબહાદુર સોસાયટી-૨ બ્‍લોક નં. બી-૨૭-એ ખાતે રહેતાં અને જમીન મકાન લે વેંચનો ધંધો કરતાં ક્રિપાલસિંહ મનહરસિંહ જાડેજા (ઉ.વ. ૩૦) નામના યુવાન રાતે સાડા બારેક વાગ્‍યે ભક્‍તિનગર સર્કલ પાસે હતાં ત્‍યારે તેના જ મિત્ર વિનીત વિનાયકભાઇ ભટ્ટે ઝઘડો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં તેની ફરિયાદ પરથી ગુનો દાખલ કરાયો છે.

ફરિયાદની વિગત મુજબ આશરે ચાર વર્ષ પહેલાં ક્રિપાલસિંહ જાડેજા ક્રાઉડ પાવર નામની કંપનીમાં ડાયરેક્‍ટર તરીકે નોકરી કરતા હતા. તે સમયે ક્રિપાલસિંહની સલાહથી તેના મિત્ર વિનિત ભટ્ટે આ કંપનીમાં રૂ. ૧૫ લાખનું રોકાણ કર્યું હતું. પણ કંપનીનો માલિક કળણાલ પાટડીયા તમામ નાણાં લઈને દુબઈ ભાગી ગયો હતો. આથી વિનિત ભટ્ટે પોતાના ૧૫ લાખ રૂપિયાની ઉઘરાણી મિત્ર ક્રિપાલસિંહ પાસે અવારનવાર કરી હતી. ક્રિપાલસિંહે સગવડ થાય તેમ ધીરે-ધીરે પૈસા  ચુકવશે તેમ કહ્યું હતું.

દરમિયાન રવિવારે મોડી રાતે આશરે સાડા બાર વાગ્‍યે વિનિતએ ક્રિપાલસિંહને ફોન કરીને ભક્‍તિનગર સર્કલ પાસે અંજુ પાન પાસે મળવા બોલાવ્‍યા હતા. ક્રિપાલસિંહ ત્‍યાં પહોંચતા વિનીતે ઉશ્‍કેરાઈને ઝઘડો શરૂ કર્યો હતો અને હવે રૂપિયા પાછા આપવાના છે કે નહિ તેમ પુછી ગાળાગાળી અને મારા મારી ચાલુ કરી દીધી હતી. આ વખતે વિનીતે ડાબા કાનના ભાગે બે ઝાપટો મારી દીધી હતી. ત્‍યારબાદ વિનિતે તું હવે સી.પી. ઓફિસે મારી સાથે આવ તેમ કહેતાં ક્રિપાલસિંહે તેને પોતાના સ્‍કૂટરમાં પાછળ બેસાડી દીધો હતો અને બંને સી.પી. ઓફિસે જવા નીકળ્‍યા હતાં.

આ દરમિયાન શાષાી મેદાન રાજકુમાર કોલેજ પાસે પહોંચતા વિનિતએ સ્‍કૂટર ઊભું રખાવી ક્રિપાલસિંહને નીચે ઉતારી  ફરીથી ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો અને જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ગંભીર ધમકી આપી હતી. આ પછી વિનીતે હવે મને ભક્‍તિનગર સર્કલે પાછો મુકી જા તેમ કહેતાં ક્રિપાલસિંહ તેને ત્‍યાં ઉતારવા ગયેલ અને ઘરે જઇ સુઇ ગયા હતાં. સવારે ઉઠીને જતાં ડાબા કાનમાંથી લોહી નીકળતું હોઇ બે અલગ અલગ ખાનગી હોસ્‍પિટલે ગયેલ. પરંતુ ત્‍યાં ડોક્‍ટર ન હોઇ સિવિલમાં સારવાર લીધી હતી. પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:27 PM IST)