તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
રાઇડ્સમાં ખોટા સ્ટંટ કરવા નહિ, કિંમતી દાગીના ઘરે રાખીને આવવું...સોશિયલ મિડીયામાં સુચનો સાથેનો પોલીસનો વિડીયો
વિરાસતથી વિકાસ લોકમેળામાં લોકો મોજથી મ્હાલી શકે એ માટે પોલીસ રહેશે સતત તૈનાત : અસામાજીક તત્વોને ચેતવણી-લોકોને હેરાન કરશો તો સીન વીંખાઇ જશે

રાજકોટઃ આજથી રેસકોર્ષ મેદાન ખાતે જન્માષ્ટમી તહેવાર નિમીતે વિરાસતથી વિકાસ લોકમેળાનો રંગારંગ આરંભ થયો છે. લોકો મનભરીને મેળાની મોજ માણી શકે અને કોઇપણ જાતના ભય વગર મેળામાં મ્હાલી શકે તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. દરમિયાન શહેર પોલીસે લોકોને મેળામાં શું શું ધ્યાન રાખવું, શું કરવું શું ન કરવું તે સહિતના મહત્વના સુચનો આપતો એક વિડીયો સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો છે. જેમાં અસામાજીક તત્વોને પણ ચેતવણી આવી છે. સવા મિનીટના આ વિડીયોને સોશિયલ મિડીયા પર પોસ્ટ કરાયો છે. સોૈરાષ્ટ્રના સોૈથી મોટા એવા લોકમેળાનો આજથી આરંભ થઇ ગયો છે. જેમાં ૧૭૦૦થી વધુનો પોલીસ બંદોબસ્ત ફાળવાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ અધિકારીઓ-કર્મચારીઓ મેળાની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.
આ વચ્ચે શહેર પોલીસે સોશિયલ મિડીયામાં વિડીયો પોસ્ટ કરી સુચનાઓ આપી છે. જેમાં જણાવ્યું છે કે મહિલાઓની છેડતી, બાળકોના વિખુટા પડવાની ઘટનાને લઇ તત્કાલ પોલીસનો સંપર્ક કરવો. મેળામાં ફરતી વખતે જરૂરીયાત મુજબ ઓછી રોકડ રાખવી, કિંમતી દાગીના ઘરે રાખીને આવવું. મેળામાં બીનવારસુ બેગ, સામાન નજરે ચડે તો તુરંત પોલીસને જાણ કરવી. વાહનો પોલીસ દ્વારા નક્કી કરાયેલા ૧૪ ફ્રી પાર્કિંગના સ્થળો જ પાર્ક કરવા-નડતરરૂપ ન રાખવા. શંકાસ્પદ વર્તુણકવાળા શખ્સોની તુરંત પોલીસને માહિતી આપવી. રાઇડસમાં બેસતી વખતે સંચાલકોની સુચનાનું પાલન કરવું, ચાલુ રાઇડ્સમાં સેલ્ફી, વિડીયો ઉતારવાના સ્ટંટ કરવા નહિ આ સહિતની સુચનાઓ વિડીયોમાં અપાઇ છે. તેમજ લુખ્ખા અસામાજીક તત્વો જો મેળામાં ઘુસી લોકોને પરેશાન કરશે તો તેના સીન વીંખી નાંખવા પણ પોલીસ તૈયાર છે તેવી ચેતવણી અપાઇ છે. (તસ્વીઃ અશોક બગથરીયા)
(3:11 PM IST)










