<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

અહિ દિવાલ ન બને કહી ડખ્‍ખોઃ ઢાંઢણીમાં જમીન ફરતે બનાવેલી દિવાલ તોડી નાંખી

રાજકોટના વિજયભાઇકંટેસરીયાના ફુવાએ ખરીદેલી જમીન ફરતે દિવાલ બનાવતાં કામ અટકાવી ડખ્‍ખો કર્યોઃ વિજય, રાજુ, મુન્‍નો, મનસુખ કડવાણી સામે ગુનો

રાજકોટ તા. ૩: રાજકોટના પ્રોૈઢ પર ત્રંબા નજીક ઢાંઢણી ગામે તેમના ફુવાએ ખરીદેલી જમીન ફરતે દિવાલ બનાવવા મામલે ઢાંઢણી ગામના ચાર જણાએ અહિ ચાલવાનો રસ્‍તો છે, દિવાલ કરી શકો નહિ તેમ કહી બોલાચાલી કરી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસને જાણ કરતાં ઘરમેળે સમાધાન થઇ ગયુ હતું. પરંતુ આ પછી આ લોકોએ અત્‍યારે ભલે દિવાલ બનાવતાં પછી પાડી દેશું તેમ કહ્યા બાદ ખરેખર દિવાલ પાડી નાંખતા ફરિયાદ થઇ છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે રાજકોટ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર સ્‍કાય ડાયમંડ બિલ્‍ડીંગની સામે ઓપેરા હાઇટ્‍સ ફલેટ નં. ૪૦૩માં રહેતાં વિજયભાઇ હીરાભાઇ કંટેસરીયા (ઉ.વ.૫૩)ની ફરિયાદ પરથી રાજકોટના ત્રંબા નજીકના ઢાંઢણી ગામે રહેતાં વિજય પોપટભાઇ કડવાણી, રાજુ બીજલભાઇ કડવાણી, મુન્‍નો લવાભાઇ કડવાણી અને મનસુખ પોપટભાઇ કડવાણી  સામે ગુનો નોંધ્‍યો છે.

વિજયભાઇ વડાલીયા ફૂડમાં નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યા મુજબ કૌટુંબિક ફુવા નવનીતભાઈ ગોકળભાઈ વડાલીયાએ આશરે ત્રણ મહિના પહેલા ઢાંઢણી ગામ ખાતે જમીન ખરીદી હતી. ગઈ તારીખ ૧/૧૦ ના રોજ સવારના આશરે દસેક વાગ્‍યે તેઓ જમીનની ફરતે દિવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતાં. ત્‍યારે વિજયભાઈ કડવાણી, રાજુભાઈ કડવાણી, મુન્નો કડવાણી અને મનસુખ  કડવાણી નામના ચાર શખ્‍સોએ આવીને અહીંથી ચાલવાનો રસ્‍તો છે, તમે દીવાલ બનાવી શકશો નહિ તેમ કહી બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. તે સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ ઘરમેળે સમાધાન થતાં દિવાલનું ચણતર કામ આગળ ધપાવવામાં આવ્‍યું હતું.

ત્‍યારબાદ આરોપીઓએ અત્‍યારે ભલે દિવાલ બનાવી લેતા, પછી પાડી નાંખશું તેવી વાતો કરી હતી. ફરિયાદી વિજયભાઈ જ્‍યારે જમીન જોવા માટે ગયા ત્‍યારે જમીન ફરતે બનાવેલી દિવાલમાંથી આશરે ૨૦ ફૂટ જેટલી દિવાલ તોડી પાડેલી જોવા મળી હતી. આ ચારેય શખ્‍સોએ ભેગા મળી દીવાલ તોડી પાડી આશરે ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦નુ નુકસાન થયાનું જણાયું હતું. આથી પોલીસને જાણ કરી હતી. પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. એએચ. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:57 AM IST)