News of Saturday, 19th September 2026
ફૂલનો કચરો જાહેરમાં ન નાખવાઃ રસ્તા પરનાં અનધિકળત દબાણો દૂર કરોઃ તુષાર સુમેરા
‘સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રામનાથપરા ફૂલ બજારમાં સફાઈ કામગીરીનું મ્યુનિ.કમિશનર દ્વારા નિરીક્ષણ

રાજકોટ ,તા.૧૯: મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત શહેરના તમામ ૧૮ વોર્ડમાં વિવિધ સ્થળોએ સઘન અને વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના અનુસંધાને આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રામનાથપરા વિસ્તારમાં આવેલા ફૂલ બજારની મુલાકાત લઈ સ્વચ્છતા કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ફૂલ બજાર વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ધંધાર્થીઓને ફૂલોનો કચરો જાહેરમાં નહીં નાખવા તેમજ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત રસ્તા પર થયેલાં અનધિકળત દબાણો દૂર કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી હાથ ધરવાના નિર્દેશ આપ્યા હતા.
રાજકોટ શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. આ કામગીરીમાં શહેરીજનો અને ધંધાર્થીઓનો સહયોગ મળી રહે તે માટે મહાનગરપાલિકાએ જાહેર સ્થળોએ કચરો નહીં નાખવા અને સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરી છે.
(3:01 PM IST)










