તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Saturday, 16th May 2026
જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી ૨૫મીએઃ પૂર્વ દિને રવિવારે ઉમેદવારી
કલેકટરની અધ્યક્ષતામાં સામાન્ય સભાઃ પ્રમુખ પદ માટે ઝાપડિયા, બાંભવા, પીપળિયાના નામ મોખરે : તાલુકા પંચાયતોમાં ૨૩મીએ ચૂંટણી

રાજકોટ, તા.૧૬ : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના સુકાનીઓની ચૂંટણી માટે વિકાસ કમિશનરે તારીખ નક્કી કરી તે અંગે સ્થાનિક તંત્રને સૂચના આપી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખની ચૂંટણી તારીખ ૨૫ મીએ તથા જિલ્લાના તાલુકાઓની પંચાયતોની ચૂંટણી તારીખ ૨૩મી થશે. ચૂંટણીની જાહેરાત થતા રાજકીય ગરમાવો વધ્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે તારીખ ૨૪ રવિવારે સવારે ૧૧ થી ૨:૦૦ વાગ્યા સુધીનો ઉમેદવારી કરવાનો સમય છે. રવિવારે ઉમેદવારી પત્ર સ્વીકારાતા હોય તેવું કદાચ પ્રથમ વખત બનશે. બીજા દિવસે તારીખ ૨૫ સોમવારે બપોરે ૧૨:૦૦ વાગે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થશે. આ સામાન્ય સભાનું અધ્યક્ષ પદ જિલ્લા કલેકટર સંભાળશે. ભાજપની બહુમતી હોવાથી બંને પદ માટે ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ તેવા સ્પષ્ટ સંકેતો છે.
જિલ્લા પંચાયતનું આગામી અઢી વર્ષ પ્રમુખ પદ બક્ષીપંચ અનામત છે. જેમાં મુખ્યત્વે કોળી સમાજના દેવેન્દ્રભાઈ ઝાપડિયા અને વિકલ્પે અમરશીભાઈ ચૌહાણ તથા ભરવાડ સમાજમાંથી સામંતભાઈ બાંભવાનું નામ ચાલે છે. ઉપરાંત ચુવાળિયા કોળી સમાજના સંજય પીપળીયા તેમજ ખાંટ રાજપુત સમાજના દિલીપ સરવૈયાનું નામ ચર્ચામાં છે. આહીર સમાજના અર્જુન ખાટરિયાને કોંગ્રેસી મૂળનો મુદ્દો નડે છે છતાં નામ ચર્ચામાં રહ્યું છે. ભાજપ હાઈકમાન્ડ ફોર્મ ભરવાના દિવસે જ સવારે નામ જાહેર કરે તેવું આધારભૂત વર્તુળો જણાવે છે. જો પ્રમુખ પદ કોળી સમાજને અપાય તો ઉપપ્રમુખ પદ અથવા કારોબારી અધ્યક્ષ પદ પાટીદાર સમાજને અપાશે. ત્રણ મુખ્ય પદ પૈકી એક મહિલાને મળે તેવી પ્રબળ શકયતા છે. જ્ઞાતિ ભૂગોળ વગેરે સમીકરણો ધ્યાન રાખી નિર્ણય થશે. નવા પ્રમુખ નવેસરથી સામાન્ય સભા બોલાવી સમિતિઓની રચના કરાવશે. સમિતિઓની રચનામાં રચના થયા બાદ જે તે સમિતિની બેઠકમાં તેના અધ્યક્ષની વિધિવત ચૂંટણી થશે. જિલ્લા પંચાયતમાં વિજેતા પાંચ વર્ષમાં ભાજપના ભુપત બોદર અને પ્રવિણાબેન રંગાણી પ્રમુખ તરીકે રહ્યા હતા. અત્યારે ત્રણ ચાર નામો ચર્ચાની એરણે છે.
(3:55 PM IST)










