<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

આજી નદીમાં ગંદકી બે કાંઠેઃશુધ્‍ધિકરણના વહેણ વહેતા કરવા માટે ટપુભાઇની રજુઆત

જુની યોજના સંદર્ભેનવા મેયરને પૂર્વ ધારાસભ્‍યનો પત્ર

રાજકોટ, તા.૨: ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્‍ય શ્રી ટપુભાઇ લીંબાસિયાએ નવા મેયર શ્રી નેહલ શુકલને શુભેચ્‍છા પાઠવી આજી શુધ્‍ધિકરણ અંગે રજુઆત કરી છે.

શ્રી ટપુભાઇએ પત્રમાં જણાવ્‍યું છે કે  રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીની આજે એટલી ખરાબ પરિસ્‍થિતિ છે કે તેનું સંપુર્ણ વર્ણન કરવું અસ્‍થાને છે. નદીની હાલત જોઇને માથું શરમથી ઝુકી જાય છે.

ભારત સરકાર દ્વારા, દેશની નદીઓ ચોખ્‍ખી રહે તે માટે, નદીઓના શુદ્ધિકરણ માટેની યોજના બનાવી હતી. દેશભરમાંથી ૧૦૦ મોટી નદીઓની પસંદગી કરવામાં આવી હતી, તેમાં ગુજરાતમાં સાબરમતી અને આજી નદીનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. મારા ધારાસભ્‍યના કાર્યકાળ દરમ્‍યાન, રાજકોટની જનતાને હરવા-ફરવાનું સુંદર સ્‍થળ પ્રાપ્ત થાય તે આજી શુદ્ધિકરણની યોજના અંગે કેટલાક સુચનો સાથે, રાજકોટ મહાનગરપાલિકાના કમી‘રશ્રીને તા.૧૨/૦૬/૨૦૦૩ ના રોજ રૂબરૂ મળી, ચર્ચા કરી પત્ર પાઠવેલ હતો. કમીશનરશ્રી દ્વારા આજી શુદ્ધિકરણ યોજનાને અમલમાં મુકવા, ૯૭ કરોડના અંદાજીત ખર્ચ સાથે પ્‍લાન બનાવી આખી યોજના ભારત સરકારમાં રજુ કરવામાં આવી હતી. ત્‍યારબાદ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં પણ આજી શુદ્ધિકરણ યોજના માટે બજેટની ફાળવણી થતી હતી. પરંતુ કોઈ કારણસર આ યોજના અટકી ગયેલ છે.

રાજકોટ શહેરના આસ્‍થાના પ્રતિક એવા રામનાથ મહાદેવનું મંદિર નદી વચ્‍ચે આવેલ છે,  ગંદા પાણીની દુર્ગંધને કારણે ભાવિકો દુરથી જ મહાદેવના દર્શન  કરવામાં  મુશ્‍કેલી પડે છે. રામનાથ ઘાટ પાસે નદી સંપુર્ણ પુરાઈ ગઈ છે. ચુનારાવાડના પુલ પાસે, શહેરમાંથી બાંધકામનો નીકળતો ઘન કચરો ઠલવાય છે. નદીના પટમાં, છેક રોણકી સુધી નદીમાં ઝાડ-ઝાંખરા ઉભા છે. ચોમાસામાં નદીમાં પુર આવે ત્‍યારે આ બધા અવરોધને કારણે, પાણી નદી કાઠાના વિસ્‍તારમાં ફેલાવાની પુરી શકયતા છે.

આજી નદીના કાઠા વિસ્‍તારમાં વસવાટ કરતા વોર્ડ નં. ૩, ૪, ૫, ૬, ૭, ૧૫ અને ૧૬ એટલે કે નદીના બંને કાઠાનો વિસ્‍તાર આવી જાય છે. આ વિસ્‍તારની જનતા વર્ષોથી ઈચ્‍છી રહી છે કે, આજી નદીનું શુદ્ધિકરણ કરવામાં આવે તો, ગંદકી અને મચ્‍છરોના ત્રાસમાંથી મુક્‍તિ મળે. મારી આપશ્રી ને રજુઆત છે કે, કમિશનર દ્વારા વર્ષ ૨૦૦૩માં ભારત સરકારમાં રજુ કરેલ હતી, તેનો અભ્‍યાસ કરી, શકય તેટલો અમલ કરવા વિનંતી. શુદ્ધિકરણ યોજના લાંબા ગાળાનો પ્‍લાન છે પરંતુ આજી નદીમાં ગંદુ પાણી ઠલવાય રહ્યું છે તે બંધ થાય તથા ઝાડ-ઝાંખરા દુર થાય તેવી મારી લાગણી છે.  તેમ શ્રી ટપુભાઈ લીંબાસિયાએ  પત્રમાં જણાવ્‍યું છે. 

(2:17 PM IST)