News of Thursday, 30th July 2026
રેલનગરના ડિમ્પલબેન પોબારૂનું ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મોતઃ ડોક્ટરની બેદરકારીનો આરોપ
પુત્ર યશેષભાઇએ કહ્યું-૨૮મીએ મારા મમ્મીને ઓપરેશન માટે કરણપરાની બાલાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં: ઓપરેશનની ૭૦ હજાર ફી ચુકવી હતીઃ ઓપરેશન બાદ તબિયત બગડતાં બીજી હોસ્પિટલમાં ખસેડાયાઃ જ્યાં મૃત્યુ થયું: ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું મૃતકના પુત્રનો આક્ષેપ-મહિલા તબિબને સર્જનને બોલાવી મદદ લેવાની હતી, પરંતુ વિડીયો કોલથી તેમની પાસેથી માહિતી મેળવી ઓપરેશન કર્યુઃ બેદરકારીને કારણે આંતરડુ છુટુ પડી કોથળીમાં ચોંટી જતાં લોહીના ગઠ્ઠા જામવાનું શરૂ થઇ ગયું હતું: મહિલા તબિબે ઓલમ્પસ હોસ્પિટલની ફી પણ પોતે ચુકવી દેશે તેમ કહ્યું

રાજકોટ તા. ૩૦: શહેરના રેલનગરમાં રહેતાં રઘુવંશી પરિવારના ૪૭ વર્ષના મહિલાને કરણપરામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે દાખલ કરાયા બાદ ઓપરેશન થયા પછી તેમની તબિયત બગડતાં ત્યાંથી વિદ્યાનગર રોડની હોસ્પિટલમાં રીફર કરી દેવામાં આવતાં અહિ તેમનું મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મૃતકના પુત્ર સહિતના સ્વજનોએ કરણપરામાં આવેલી બાલાજી હોસ્પિટલના ગાયનેકોલોજી મહિલા ડોક્ટરની ભયંકર બેદરકારીને કારણે મૃત્યુ થયાનો આક્ષેપ કરતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
જાણવા મળ્યા મુજબ રેલનગરમાં આવેલા પેસિફિક સ્ટાર એપાર્ટમેન્ટમાં ૧૦મા માળે ફલેટ નં. ૧૦૦૧ ખાતે રહેતાં ડીમ્પલબેન ધર્મેન્દ્રભાઇ પોબારૂ (ઉ.વ.૪૭)નું ગર્ભાશયનું ઓપરેશન તા. ૨૮/૭ના રોજ એસટી બસ સ્ટેશન પાછળની બાલાજી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા બાદ તબિયત બગડતા ૨૯/૭ના રોજ વિદ્યાનગર મેઇન રોડ પરની ઓલમ્પસ હોસ્પિટલ ખાતે રીફર કરાયા બાદ અહિ રાત્રીના ૧૧:૨૦ વાગ્યે તેમનું મૃત્યુ થતાં આ અંગેની જાણ હોસ્પિટલ મારફત એ-ડિવીઝન પોલીસને કરવામાં આવતાં એએસઆઇ રાણાભાઇ કુગશીયાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પરંતુ પરિવારજનોએ બાલાજી હોસ્પિટલમાં ઓપરેશન કરનાર મહિલા તબિબની બેદરકારીનો આક્ષેપ કરતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.
મૃત્યુ પામનાર ડીમ્પલબેનને સંતાનમાં ૨૫ વર્ષનો પુત્ર યશેષ છે. જે બેંકમાં ફરજ બજાવે છે. જ્યારે તેમના પતિ ધર્મેન્દ્રભાઇ હસમુખભાઇ પોબારૂ વિડીયોગ્રાફીનું કામ કરે છે. દિકરા યશેષ અને ભત્રીજા શીવાંગ પોબારૂ સહિતે વિગતો આપતાં જણાવ્યું હતું કે અમારા સ્વજન ડીમ્પલબેનને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવાનું હોઇ બસ સ્ટેશન પાછળ આવેલી ડો. કવિતાબેન લાડાણીની હોસ્પિટલમાં તા. ૨૫-૨૬ના રોજ બતાવવા લઇ જવાતાં ત્યાં તપાસ કરાયા બાદ ઓપરેશનની ફી રૂા. ૭૦ હજાર નક્કી કરાઇ હતી. ઓપરેશનની તારીખ ૨૮મી નક્કી થઇ હતી.
આ પછી અમે ૨૮મીએ અમારા સ્વજન ડીમ્પલબેનને સવારે બાલાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતાં. જ્યાં તેમને ટોપી સુંઘાણી ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન થઇ ગયાના લગભગ બાવીસ કલાક સુધી તેઓ ભાનમાં આવ્યા નહોતાં. આ પછી અમને કહેવાયું હતું કે દર્દી ડીમ્પલબેનની હાલત બગડી છે અને તેમને ઓલમ્પસ હોસ્પિટલમાં લઇ જવા પડશે. એમને લોહીનું ગંઠાણ થવા માંડયું છે તેમ અમને કહેવાયું હતું. આથી અમે ૨૯મીએ સવારે ઓલમ્પસ હોસ્પિટલમાં અમારા સ્વજનને દાખલ કર્યા હતાં. અહિ નિદાન થયું હતું કે ફેફસાની નળીમાં લોહીનું ગંઠણ થઇ ગયું છે. અહિ સારવાર દરમિયાન રાતે સવા અગીયાર આસપાસ અમારા સ્વજનનું મૃત્યુ થયું હતું.
ભત્રીજા શીવાંગભાઇએ જણાવ્યું હતું કે બાલાજી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે મારા કાકી ડીમ્પલબેનનું મૃત્યુ થયું છે. મહિલા તબિબને ઓપરેશન વખતે સર્જનની હાજરી રાખવાની હોય છે. પણ તેમણે સર્જનને રૂબરૂ બોલાવાવને બદલે મોબાઇલમાં વિડીયો કોલથી વાત કરી ઓપરેશન કર્યુ હતું અને આ કારણે ભુલ રહી ગઇ હતી. આંતરડુ છુટુ પડી ગર્ભાશયની કોથળીમાં ચોંટી જતાં લોહીની ગાંઠો થવા માંડી હતી અને તેના કારણે મારા કાકીની તબિયત બગડતાં અમને ઓલમ્પસમાં તેમને લઇ જવા કહેવાયું હતું. જ્યાં રાત્રીના તેમનું મૃત્યુ થયા બાદ બાલાજી હોસ્પિટલના તબિબે પોતાની ભુલ હોઇ અમને આ હોસ્પિટલની ફી પણ પોતે ચુકવશે તેમ કહી અમને ફી ચુકવવા દીધી નહોતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ અમે કાયદેસરની કાર્યવાહી કરાવશું. તેમ વધુમાં જણાવાયું હતું. આ બનાવથી પોબારૂ પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(2:31 PM IST)










