<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

૧૯ લાખની લૂંટનો ભેદ ઉકેલવા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મહેનત યથાવત

બી-ડિવીઝન, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૧ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ શોધવા અને પગેરૂ દબાવવા કવાયત કુવાડવા ચોકડી થઇ વાંકાનેર તરફ લૂંટારા ભાગ્‍યાનું અનુમાન

રાજકોટ તા. ૩૧: શહેરના ભાવનગર રોડ પર પટેલવાડી નજીક પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં ગઇકાલે સવારે બે શખ્‍સો આંગડીયા કર્મચારી અલ્‍કેશભાઇ ગીરીશભાઇ દવે (ઉ.વ.૪૬)ને પિસ્‍તોલ જેવું હથિયાર દેખાડી રૂા.૧૯ લાખની રોકડનો થેલો લૂંટી જનારા બે લૂંટારાને શોધવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. લૂંટારા છેલ્લે કુવાડવા ચોકડી થઇ વાંકાનેર તરફ ભાગી ગયાનું પ્રાથમિક તારણ સીસીટીવી ફૂટેજને આધારે કાઢવામાં આવ્‍યું હતું. જો કે હજુ સફળતા સાંપડે તેવી કડી હાથ આવી નથી. જાગનાથ પ્‍લોટમાં રહેતાં અલ્‍કેશભાઇ દવે  છેલ્લા ૨૦ વર્ષથી જયેશભાઇ ઓઝાની આંગડીયા પેઢીમાં નોકરી કરે છે. જયેશભાઇએ ત્રણેક વર્ષ પહેલા પ્રાઇમ આંગડીયા પેઢીની ફ્રેન્‍ચાઇઝી લીધી હતી. જે અલ્‍કેશભાઇ સંભાળે છે. પ્રાઇમ આંગડીયા પેઢીની રાજકોટમાં અલગ-અલગ દસ બ્રાંચો છે. હેડ ઓફિસ અમદાવાદના સીજી રોડ પર છે. જ્‍યારે રાજકોટની મુખ્‍ય ઓફીસ ગોંડલ રોડ પરના સમૃધ્‍ધી ભવન બિલ્‍ડિંગના ગ્રાઉન્‍ડ ફ્‌લોર પર છે. ગઇકાલે સવારે દસેક વાગ્‍યે તે ઘરેથી પૈસા ભરેલા બે થેલા લઇ નીકળ્‍યો હતો. એક થેલો ગોંડલ રોડ પરની હેડ ઓફિસમાં મુકી બીજા થેલા સાથે ભાવનગર રોડ પરની ઓફિસે પહોચ્‍યો હતો. જે થેલામાં રૂા.૧૯ લાખ હતી. સવારે સવા દસ પછી ઓફીસે પહોંચ્‍યો હતો. હજુ તો થેલો ટેબલ પર મુકયો હતો ત્‍યાં બે અજાણ્‍યા શખ્‍સો આવ્‍યા હતા. જેમાંથી એક શખ્‍સે મારે બે લાખ રૂપિયા ટ્રાન્‍સફર કરવા છે તેમ ગુજરાતી ભાષામાં કહ્યું હતું. આ પછી તેની નજીક આવી તે શખ્‍સે અચાનક તેનું ગળું દબાવી દીધું હતું. અલ્‍કેશભાઇએ પ્રતિકાર કરતા મોઢા ઉપર બે મુક્કા મારી દીધા હતા. તે સાથે જ બીજા શખ્‍સે પોતાની પાસે રહેલી બંદૂક દેખાડી ટેબલ પર રાખેલ રૂા.૧૯ લાખની રોકડ સાથેનો થેલો લઇ લીધો હતો. ત્‍યારબાદ બંને શખ્‍સો બહાર નીકળી ગયા હતા. તેણે પીછો કરી બૂમાબૂમ કરતા પાડોશી દુકાનદારો અશ્વિનભાઇ અને અશોકભાઇ દોડી આવ્‍યા હતા. જે દ્રશ્‍યો જોઇ એક શખ્‍સે બંદૂક કાઢી તેની તરફ તાંકતા તે પણ ડરીને ઓફિસમાં જતાં રહ્યા હતાં. લૂંટારાઓ જે રસ્‍તેથી ભાગ્‍યા તેના ફૂટેજ ચેક કરવા ટીમો કામે લાગી હતી. વાંકાનેર ચોકડીથી આગળ જતાં રહ્યાનું તારણ ફૂટેજ પરથી નીકળ્‍યું હતું. બી-ડિવીઝન, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૧ ટીમો તપાસ કરી રહી છે.

(3:28 PM IST)