તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
રાજકોટ રહી નોકરી કરતાં સુત્રાપાડાના ૨૬ વર્ષના ધવલ વાઢેરનું શ્વાસ રૂંધાતાં મૃત્યુ
ખોરાકના કણ અન્નનળીમાં ફસાતાં બનાવઃ કેદારનાથ જવા માટે ફીટનેસ સર્ટી કઢાવવા જાય એ પહેલા પરલોકનું તેડુઃ પરિવારે આધારસ્તંભ ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૩૦: શહેરના ગોકુલધામ ગુરૂપ્રસાદ ચોકમાં અક્ષરધામ સોસાયટીમાં ફઇના દિકરા સહિતની સાથે રહી ડીઝાઇનર તરીકે નોકરી કરતાં સુત્રાપાડાના ૨૬ વર્ષિય યુવાનનું શ્વાસ નળીમાં ખોરાક ફસાઇ જતાં શ્વાસ રૂંધાઇ જવાને કારણે મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ મુળ સુત્રાપાડાનો વતની ધવલભાઇ બાબુભાઇ વાઢેર-આહિર (ઉ.વ.૨૬) નામનો યુવાન રાજકોટ તેના ફઇના દિકરા અભયભાઇ સહિતની સાથે ગુરૂપ્રસાદ ચોક અક્ષરધામ સોસાયટીમાં રહેતો હતો અને સોનાના દાગીના બનાવતી કંપનીમાં ડીઝાઇનર તરીકે નોકરી કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા અપરિણીત હતો. પિતા હયાત ન હોઇ પોતે પરિવારનો આધારસ્તંભ હતો. આગામી દિવસોમાં ધવલભાઇ અને કંપનીમાં સાથે કામ કરતાં મિત્રો સહિતને કેદારનાથ જવાનું હોઇ તેના માટે હોસ્પિટલમાંથી ફીટનેસ સર્ટીફિકેટ ગઇકાલે કઢાવવા જવાનું હતું.
ધવલભાઇએ આ માટે રજા રાખી હતી અને બપોર પછી તેને હોસ્પિટલે બીજા મિત્રો સાથે જવાનું હતું. સવારે તે નાસ્તો કરીને રૂમ પર સુઇ ગયા બાદ બપોરે મિત્રએ હોસ્પિટલે સર્ટી કઢાવવા જવા માટે ફોન કરતાં ફોન રિસીવ ન થતાં રૂબરૂ જઇ તપાસ કરતાં તે બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ. ટી. પરમારે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોસ્ટમોર્ટમ થતાં એવુ તારણ નીકળ્યું હતું કે ધવલભાઇ સવારે નાસ્તો કરીને સુતો હતો બાદમાં ખોરાક અન્નનળીમાં ફસાઇ જવાથી શ્વાસ રૂંધાઇ જતાં મૃત્યુ નિપજ્યું હોઇ શકે છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી હતી.
(11:50 AM IST)










