તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
સારથિ એજ્યુકેશનના એમ.ડી. ધવલ ઠેસિયા પીએચ.ડી. થયા
શિક્ષણક્ષેત્રે ૧૭ વર્ષના બહોળા અનુભવ સાથે સંશોધનમાં ઝળહળતી સિદ્ધિ તેમનું સંશોધનપત્ર વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ‘સ્પિંગર'ના પુસ્તકમાં પ્રકાશિત તથા ‘સ્કોપસ'માં સૂચિબદ્ધ થયું

રાજકોટઃ શિક્ષણ ક્ષેત્રમાં સતત નવીનતા અને સંશોધનનું મહત્વ વધી રહ્યું છે ત્યારે પીએચડી (‘‘ડોક્ટર ઓફ ફિલોસોફી'') જેવી ઉચ્ચ શૈક્ષણિક પદવી વ્યક્તિના જ્ઞાન અને સંશોધન ક્ષમતાનું પ્રતિબિંબ બને છે. શિક્ષણ ક્ષેત્રના ચોક્કસ વિષય પર ઊંડાણપૂર્વકનું મૂળ સંશોધન કરીને પીએચડી પ્રાપ્ત કરવી એ શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. આવીજ સિધ્ધિ શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન ક્ષેત્રે છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત રાજકોટના જાણીતા શૈક્ષણિક સલાહકાર તેમજ ‘સારથિ એજયુકેશન'ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ધવલ રમણિકલાલ ઠેસિયાએ મેનેજમેન્ટ વિષયમાં પીએચ.ડી. ની સર્વોચ્ચ પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે. તેમણે ઉદયપુર સ્થિત પેસિફિક યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી મેળવી છે. વર્ષ ૨૦૨૧ માં શરૂ થયેલી તેમની આ શૈક્ષણિક સફર પાંચ વર્ષની અથાક મહેનત, સતત અભ્યાસ અને સંશોધન પ્રત્યેની અડગ નિષ્ઠા બાદ સપ્ટેમ્બર ૨૦૨૬માં સંપન્ન થઈ છે.
લાંબા સમયથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સીધા સંપર્કમાં રહીને ઉચ્ચ શિક્ષણ તથા કારકિર્દી અંગે માર્ગદર્શન આપતા ડો. ધવલ ઠેસિયાએ પોતાના ૧૭ વર્ષના વ્યવહારુ અનુભવને હવે શાષાોક્ત સંશોધન સાથે સાંકળ્યો છે. તેમની આ સિદ્ધિ શિક્ષણક્ષેત્રમાં ‘સંશોધન-આધારિત માર્ગદર્શન'(Research-Driven Guidance) ના અભિગમને નવી ઊંચાઈ આપશે. તેમના મતે આજના યુગમાં શૈક્ષણિક માર્ગદર્શન માત્ર પ્રાથમિક માહિતી પૂરતું સીમિત ન રહેતાં ઊંડા અભ્યાસ, તથ્યો અને વિશ્લેષણ પર આધારિત હોવું જોઈએ.
ડો. ધવલ ઠેસિયાની આ સિદ્ધિને વધુ ગૌરવપૂર્ણ બનાવતી બાબત એ છે કે, ડો. નરેન્દ્રસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલું તેમનું ‘સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓમાં ડિજિટલ નાણાકીય સાક્ષરતાને પ્રભાવિત કરતા પરિબળો' શીર્ષક ધરાવતું સંશોધનપત્ર સ્પ્રિંગર નેચર દ્વારા પ્રકાશિત પુસ્તક શ્રેણી ‘લેક્ચર નોટ્સ ઇન નેટવર્ક્સ એન્ડ સિસ્ટમ્સ'(LNNS) ના ગ્રંથ ૧૮૭૨ માં સ્થાન પામ્યું છે જે વૈશ્વિક રિસર્ચ ડેટાબેઝ ‘સ્કોપસ'માં પણ સૂચિબદ્ધ થયેલ છે. આ સંશોધનપત્ર ૧૦મી આંતરરાષ્ટ્રીય પરિષદ (ICTCS 2025) અંતર્ગત પ્રકાશિત થયું છે. આજના આધુનિક સમયમાં ઓનલાઇન નાણાકીય વ્યવહારો, ઇન્ટરનેટ બેન્કિંગ, લોન-ધિરાણ અને રોકાણ જેવી ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે યુવા પેઢીમાં ડિજિટલ નાણાકીય સાક્ષરતાની અનિવાર્યતા પર કરવામાં આવેલું આ સંશોધન અત્યંત પ્રાસંગિક અને સમાજોપયોગી સાબિત થશે.
ડો. ધવલ ઠેસિયાએ છેલ્લા દોઢ દાયકાથી વધુ સમય દરમિયાન દેશ-વિદેશમાં ઉચ્ચ શિક્ષણની તકો, વિવિધ અભ્યાસક્રમો તથા પ્રવેશ પ્રક્રિયા અંગે હજારો વિદ્યાર્થીઓને દિશા બતાવી છે. ખાસ કરીને તબીબી શિક્ષણ (મેડિકલ) ક્ષેત્રે સ્નાતક (એમબીબીએસ) તેમજ અનુસ્નાતક(એમડી/એમએસ) અભ્યાસક્રમોમાં પ્રવેશ, શ્રેષ્ઠ કોલેજની પસંદગી અને નાણાકીય આયોજન બાબતે તેઓ વિશેષ માર્ગદર્શન પૂરું પાડે છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર #dhavalthesia નામે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ દ્વારા તેઓ કારકિર્દી અને સામાન્ય જ્ઞાનને લગતી ઉપયોગી માહિતી પીરસી રહ્યા છે જેના કારણે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા જેન-ઝી તેમને ખુબજ મોટી સંખ્યામાં તેમને ફોલો કરી રહ્યા છે.
વ્યવસાયિક જવાબદારીઓની સાથોસાથ પાંચ વર્ષ સુધી સતત પરિશ્રમ કરીને સંશોધન, ડેટા વિશ્લેષણ અને મહાનિબંધ (થીસીસ) લેખન પૂર્ણ કરી આ સિદ્ધિ મેળવવા બદલ ડો. ધવલ ઠેસિયા (મો. ૯૯૭૪૫૩૦૧૧૧) પર શિક્ષણ જગતના અગ્રણીઓ, શુભેચ્છકો, સ્નેહીજનો તથા સારથિ એજયુકેશન પરિવાર તરફથી શુભેચ્છાઓ અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
(2:59 PM IST)










