તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 14th July 2026
મારામારીના ગુનામાં ૧૫ વર્ષથી ફરાર ગાંધીગ્રામનો ધર્મેશ અમદાવાદથી ઝડપાયોઃ મુંબઇ રહી નોકરી કરતો હતો
પ્ર.નગર પોલીસમાં ૨૦૧૧માં નોંધાયેલા ગુનામાં અગાઉ પાંચ શખ્સો પકડાયા ત્યારે આ છઠ્ઠો ભાગી ગયો'તો : અમદાવાદ આવી રહ્યાની બાતમીથી પેરોલ ફરલોના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમે પકડી લીધો

રાજકોટ તા. ૧૪: શહેર પોલીસ દ્વારા નાસતા-ફરતા અને પેરોલ જમ્પ થયેલા ગુનેગારોને પકડી પાડવા માટે આદરેલી ખાસ ઝુંબેશ અંતર્ગત રાજકોટ પેરોલ ફરર્લો સ્ક્વોડને એક મોટી સફળતા મળી છે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૧૧માં એટલે કે પંદર વર્ષ પહેલા નોંધાયેલા મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ફરાર શખ્સને અમદાવાદથી ઝડપી લેવાયો છે. જે તે વખતે આ શખ્સ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો હતો. હાલ તે મુંબઇ રહેતો હતો અને અમદાવાદ આવ્યાની બાતમી મળતાં પકડી લેવાયો હતો. જે તે વખતે પોલીસે પાંચને પકડી લીધા ત્યારે આ ફરાર થઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પેરોલ ફરલો સ્કવોડની ટીમ અલગ અલગ ગુનાઓમાં ફરાર આરોપીઓને શોધવા સતત ઝુંબેશ ચલાવી રહી છે. તે અંતર્ગત પીઆઇ કે.કે. ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. ઘાસુરા અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ સતત વોચમાં હતી. પોલીસની ટીમને પોતાના ખાનગી બાતમીદારો અને આધુનિક ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી ચોક્કસ કડીઓ મળી હતી કે પંદર વર્ષ પહેલાના ગુનામાં ફરાર આરોપી અમદાવાદમાં આવ્યો છે.
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે અમદાવાદ શહેરના પંચ કુવા દરવાજા પાસે આવેલ ખાડિયા ચાર રસ્તા નજીકની હોટલ પાસેથી તેને હસ્તગત કરીે કાયદેસરની કાર્યવાહી અર્થે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી છે. પકડાયેલા આ શખ્સનું નામ ધર્મેશ હરિヘંદ્રભાઇ ભુછડા (ઉ.વ.૪૭) છે અને હાલ તે મુંબઇ મીરા રોડ ગ્રીષ્મા ઇન્કલેવ એફ-૩૦૩ ખાતે રહે છે અને નોકરી કરે છે. તે અમદાવાદ કામ અર્થે આવ્યો ત્યારે પોલીસે દબોચી લીધો હતો.
આરોપી ધર્મેશ ભૂછડા સામે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૧માં સેકન્ડ પાર્ટ ગુના રજિસ્ટર નંબર ૧૦૫/૨૦૧૧ અંતર્ગત આઇપીસીની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. મારામારી-ધાકધમકીના એ ગુનામાં જે તે વખતે પ્ર.નગર પોલીસે અલ્તાફ મહેબૂબભાઇ, સલિમ બચુભાઇ, ઇમરાન યુસુફભાઇ, મુસ્તુફા મહેબૂબભાઇ સહિત પાંચને પકડી લીધા હતાં. તેમજ એક સગીર સામે પણ કાર્યવાહી કરાઇ હતી. ત્યારથી ધર્મેશ સતત ફરાર રહેતો હતો.
પંદર વર્ષ પછી તેને એમ હતું કે હવે આ કેસ પુરો થઇ ગયો હશે. પણ તે આ કેસમાં ફરાર હોઇ પોલીસે અમદાવાદ આવ્યાની બાતમી પરથી પકડી લીધો હતો. પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહિલ, હેડકોન્સ. સીરાજભાઇ ચાનીયા, રાજદીપસિંહ ચૌહાણ, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ શાંતુબેન મુળીયા અને ડ્રાઇવર કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(2:35 PM IST)










