<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

બેડી ચોકડીએ કોલસી ભરેલા ટ્રક સાથે બીજો ટ્રક અથડાતાં ધરમશીભાઇનું મોત

જામદેવળીયાના યુવાન પડાણા ગામેથી કોલસી ભરીન તાપી સોનગઢ જઇ રહ્યા હતાં: બી-ડિવીઝન પોલીસે અકસ્‍માત સર્જનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધ્‍યો અકસ્‍માત ગ્રસ્‍ત ટ્રક અને ઘટના સ્‍થળે પોલીસ સ્‍ટાફ જોઇ શકાય છે. તસ્‍વીર ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી

રાજકોટ તા. ૩૦: બેડી ચોકડીએ જામદેવળીયા ગામના યુવાનના એક ટ્રક સાથે બીજો ટ્રક અથડાતાં જામદેવળીયાના ટ્રકચાલક યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે. ટ્રકમાં કોલસી ભરીને તેઓ વાપી તરફ જઇ રહ્યા હતાં. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મૃત્‍યુ પામનાર ધરમશીભાઇ પંડત (ઉ.વ.૩૫)ના મિત્ર દેવભૂમિ દ્વારકાના કલ્‍યાણપુર તાબેના જામદેવળીયાના દેવાભાઇ દેવશીભાઇ આંબલીયા (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી ટ્રક નં. જીજે૧૨બીવાય-૫૪૮૨ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

દેવાભાઇ આંબલીયા-આહિર ટ્રાન્‍સપોર્ટનો ધંધો કરે છે. પોતે ટ્રક ન. જીજે૨૪વી-૯૮૮૭ ધરાવે છે. આ ટ્રક તેણે મિત્ર ધરમશીભાઇ શામરાભાઇ પંડતને ભાગમાં ચલાવવા આપ્‍યો હતો. તા. ૨૯/૯ના રાતે સાડા અગીયારેક વાગ્‍યે પોતે ઘરે હતાં ત્‍યારે ધરમશીભાઇએ ફોન કરી પોતે ધ્રો પહોંચ્‍યા હોવાનું અને ટ્રકમાં ફાસ્‍ટ ટેગમાં બેલેન્‍સ ન હોઇ બેલેન્‍સ નાંખી આપવાની વાત કરી હતી. તે પડાણા ગામથી ટ્રકમાં કોલસી ભરીને તાપીના સોનગઢ ગામે ખાલી કરવા જવા નીકળ્‍યા હતાં. બાદ મોડી રાતે દોઢેક વાગ્‍યે તેમને કોઇને ફોન આવ્‍યો હતો અને જાણ કરી હતી કે રાજકોટ બેડી ચોકડીએ તમારા ટ્રક નં. જીજે૨૪વી-૯૮૮૭ને અન્‍ય એક ટ્રક સાથે અકસ્‍માત નડયો છે. તમારા ટ્રકના ચાલક મૃત્‍યુ પામ્‍યા છે.

આથી દેવાભાઇએ તરત ધરમશીભાઇના ફોનમાં  ફોન કરતાં ત્‍યાં હાજર કોઇએ ફોન ઉપાડયો હતો અને ઘટનાની જાણ કરી હતી. બાદમાં તેઓ અને ધરમશીભાઇના ભાઇ બાલાભાઇ સહિતના કાર લઇ રાજકોટ આવવા નીકળ્‍યા હતાં. આ દરમિયાન ધરમશીભાઇના કોૈટુંબીક ભાઇનો ફોન આવ્‍યો હતો અને ધરમશીભાઇના મૃતદેહને સિવિલ હોસ્‍પિટલે લઇ ગયાનું જણાવતાં અમે હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. તપાસ કરતાં અમારા ટ્રક સાથે બીજો ટ્રક જીજે૧૨બીવાય-૫૪૮૨ અથડાયો હતો. તેના ચાલકની બેદરકારીને કારણે મારા ટ્રકના ચાલક ધરમશીભાઇનું મૃત્‍યુ થયું હતું. તેમ વધુમાં દેવાભાઇએ કહેતાં બી-ડિવીઝન પીએસઆઇ એચ. એન. જેઠવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:13 PM IST)