તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
‘હિટ એન્ડ રન'માં ઘાયલ થયેલા શાપરના દેવશીભાઇ વેગડાનું દિકરાના લગ્નના પાંચ દિવસ અગાઉ મૃત્યુ
૯મીએ સોમનાથ ખાતે સમુહમાં લગ્ન યોજાયા હોઇ ફી ભરીને આવતાં હતાં ચોકી વડાલ પાસે અજાણ્યો વાહનચાલક બાઇકને ઠોકર મારી ભાગી ગયોઃ પંચાવન વર્ર્ષિય પ્રોૈઢે રાજકોટમાં દમ તોડયોઃ એક તરફ લગ્નની ખુશીનો માહોલ, બીજી તરફ મોભીની વિદાયથી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૪: વાહન અકસ્માતની વધુ એક ઘટનામાં એક પરિવારના મોભીનું મૃત્યુ થયુ છે. જેમાં શાપર વેરાવળના એક પ્રોૈઢનું જુનાગઢના ચોકી વડાલ નજીક હિટ એન્ડ રનમાં મૃત્યુ થયું છે. આગામી ૯મીએ દિકરાના સોમનાથ ખાતે સમુહમાં લગ્ન લેવાયા હોઇ તેની ફી ભરીને આ પ્રોૈઢ બાઇક પર પરત શાપર આવતાં હતાં ત્યારે રસ્તામાં અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. સારવારમાં તેમણે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. એક તરફ દિકરાના લગ્નની ખુશીનો માહોલ હતો ત્યારે જ મોભીની વિદાયથી પરિવાર પર વજ્રઘાત થયો છે.
જાણવા મળ્યા મુજબ કોટડા સાંગાણીના શાપર ગામે ગોવિંદનગરમાં રહેતાં દેવશીભાઇ ખીમાભાઇ વેગડા (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢ તા. ૨૭/૪ના રોજ મોટરસાઇકલ હંકારીને જતાં હતાં ત્યારે જુનાગઢના ચોકી વડાલ પાસે અજાણ્યો વાહનનો ચાલક તેને ઠોકરે લઇ ભાગી જતાં તેઓ પોતાના વાહન સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ તાલુકા પોલીસને જાણ કરી હતી.
સગાએ જણાવેલી વધુ માહિતી અનુસાર મૃત્યુ પામનાર દેવશીભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જે પૈકી એક દિકરાના આગામી ૯મી તારીખે લગ્ન લેવાયા છે. આ લગ્ન સોમનાથ ખાતે સમુહ લગ્નોત્સવમાં રાખવામાં આવ્યા હોઇ તેઓ ૨૭/૪ના રોજ સોમનાથ ખાને ફી ભરવા માટે ગયા હતાં. ત્યાંથી પરત પોતાનું ટુવ્હીલર હંકારીને શાપર આવતાં હતાં તે વખતે ચોકી વડાલ ખાતે અજાણ્યો વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. દિકરાના લગ્નને પાંચ દિવસની વાર છે ત્યારે જ પિતાએ અંતિમ શ્વાસ લઇ લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ તાલુકા પોલીસને કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:49 AM IST)










