તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ અપાશેઃ પરેશ પીપળીયા
સ્ટેન્ડીંગ કમીટીનું સુકાન સંભાળ્યા બાદ ચેરમેનનો પ્રજાલક્ષી કોલ

રાજકોટ તા. ર૮: રાજકોટ મહાનગરપાલિકાની સૌથી મહત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે વોર્ડ નં. ૬ના સિનિયર કોર્પોરેટર પરેશભાઈ આર. પીપળિયાની વરણી કરવામાં આવી છે. ભાજપે કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર સ્ટેન્ડિંગ કમિટિ અધ્યક્ષનું પદ શહેરના સામાકાંઠા વિસ્તારને ફાળવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
મુખ્ય પાંચ પદાધિકારીઓની વરણીમાં ભાજપે ત્રણેય ઝોન અને ચારેય વિધાનસભા બેઠકોનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે. નવનિયુક્ત ચેરમેન પરેશભાઈ પીપળિયાએ રાજકોટની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવાનો કોલ આપ્યો છે. ગત બોડીના બીજા અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન નયનાબેન પેઢડિયાને મેયરપદ અપાઈ સામાકાંઠા વિસ્તારને પ્રથમ નાગરિકનું સ્થાન મળ્યું હતું. હવે આ ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટિનું મહત્વપૂર્ણ પદ પણ સામાકાંઠા વિસ્તારના ફાળે જતા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ બની છે. જેમાં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની ભૂમિકા મહત્વની રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પરેશભાઈ પીપળિયા સતત બીજી વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. લેઉવા પટેલ સમાજમાંથી આવતા ૪૯ વર્ષીય પરેશભાઈ વિશે રાજકીય વર્તુળોમાં તેમની કોઠાસૂઝ અને સંગઠન ક્ષમતાની ચર્ચા થાય છે. ચેરમેન તરીકેની નિમણૂક બાદ તેમણે શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટિના ૧૨ સભ્યોમાં ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયા ઉપરાંત ભરતભાઈ લીંબાસિયા, નિલેશભાઈ હેરભા, સંજયભાઈ ચાવડા, અંજનાબેન મોરજરિયા, ધૈર્ય પારેખ, રાજેશભાઈ અઘેરા, માધવીબેન બદ્રકિયા, વર્ષાબેન પાંધી, ચંદાબેન વાળા, કૌશીકભાઈ ટાંક અને કિશનભાઈ ટીલવાની વરણી કરવામાં આવી છે. સમિતિમાં પુરુષ અને મહિલા સભ્યોને સ્થાન આપી સામાજિક સમતોલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
(3:56 PM IST)










