તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
કંસારા બજારની દુકાન અને દિવાનપરાના મકાનમાં થયેલી ચોરીઓના ભેદ ખુલ્યાઃ ૭ની ટોળકી ઝડપાઇ
દુકાનની ૪.૭૯ લાખની અને મકાનની ૩૬ હજારની ચોરીના ભેદ કલાકોમાં ઉકલાઇ ગયાઃ દિવસે રેકી કરી રાતે પગપાળા જઇ હાથફેરો કર્યો હતો : અર્જુન ઉર્ફે ગોધરો, પૃથ્વી ઉર્ફે જીગર, કરણ ઉર્ફે તાંત્રીક, દિનેશ ઉર્ફે દીનો અને ત્રણ સગીરોને રામનાથપરામાંથી દબોચ્યાઃ ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. આર. ચાવડા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ અને ટીમની કામગીરી : કનુભાઇ બસીયા અને ધર્મેશભાઇ પરમારની બાતમી

રાજકોટ તા. ૪: શહેરમાં કંસારા બજારની પાછળની શેરીમાં આવેલીં મારૂતિનગર-૧માં રહેતાં વેપારી સચીનભાઇ રસિકલાલ શેઠ-કંસારા (ઉ.વ.૪૫)ની ત્રિભુવનદાસ દામોદરદાસ શેઠ નામની દૂકાનમાં થયેલી ૪.૭૯ લાખની ચોરીનો ભેદ એ-ડિવીઝન પોલીસે કલાકોમાં ઉકેલી ત્રણ સગીર સહિત ૭ની ટોળકીને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ટોળકીએ દિવાનપરામાં એક મકાનમાં પણ જુના પિત્તળના વાસણોની ચોરી પણ કબુલી છે. મોજશોખ પુરા કરવા આ ટોળકી દિવસે રેકી કરી રાતે ચોરી કરવા નીકળતી હતી.
વેપારી સચીનભાની બે માળની દુકાન ત્રણેક દિવસ બંધ રહી હોઇ તે દરમિયાન તસ્કરો ગઢની રાંગ તરફથી ઉપરના માળે થઇ નીચે પહોંચી રોકડ, ચાંદીના વાસણો, ભંગાર સહિતની માલમત્તા ચોરી ગયા હતાં. મનપાની કચરા ગાડીવાળાએ ચાર તસ્કરોને ભાગતા પણ જોયા હતાં. આ ગુનાનો ભેદ એ-ડિવીઝન પોલીસે ઉકેલી અર્જુન ઉર્ફે ગોધરો પ્રતાપભાઇ બાંભણીયા (ઉ.વ.૨૦-રહે. કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે), પૃથ્વી ઉર્ફે જીગર ઉર્ફે જીગો સંજયભાઇ ધાંધલપરીયા (ઉ.વ.૧૯-રહે. દેવપરા સિંદુરીયા ખાણ પાસે), દિનેશ ઉર્ફે દિનો બાબુભાઇ બરસાડીયા (ઉ.વ.૩૦-રહે. કુબલીયાપરા-૨) અને કરણ ઉર્ફે તાંત્રીક તુલસીભાઇ વહાણેકીયા (ઉ.વ.૧૯-રહે. કુબલીયાપરા) અને અન્ય ત્રણ સગીરો મળી ૭ને પકડી લઇ રૂા. ૧,૮૦,૦૦૦ના ચાંદીના ચમચી-લોટીઓ, ચાંદીનો છુટક ભંગાર રૂા. ૯૫૦૦૦નો, જર્મન સિલ્વરના ધુપેલીયા, નાની વાટકીઓ, હીંચકાના સળીયા, બાજોટનો પાયો, જુનવાણી તાંબાના સિક્કા, જર્મન સિલ્વરના જુના વાટકા, ડીસ, કીટલી, પિત્તળનો ત્રાસ સહિત રૂા. ૪,૭૯,૨૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ સાતેયની પુછતાછમાં અન્ય એક ચોરીનો ભેદ પણ ખુલ્યો હતો. આ ટોળકીએ દિવાનપરા મેઇન રોડ પર વિશ્વકર્મા મંદિર સામેના જુના રહેણાંક મકાનમાંથી પણ પિત્તળના વાસણો જેમાં મોટી ગોરી-૪, નાની ગોરી-૯ નંગ, તપેલીઓ, ત્રાસળી, લોટા, બોઘેણી, છાલીયા, ગ્લાસ, કમડળ, કીટલી, વાટકીઓ, બોઝારૂ, ડીશ, લોયુ, જારો સહિત રૂા. ૩૬ હજારનું ૪૫ કિલો પિત્તળ ચોરી લીધાનું કબુલતાં આ મુદ્દામાલ પણ કબ્જે લેવાયો છે. મોજશોખ પુરા કરવા માટે આ ચારેય ત્રણ સગીરોનો સાથ લઇ ટોળકી બનાવી હતી. દિવસે બંધ મકાન-દુકાનની રેકી કરી રાતે પગપાળા જે તે સ્થળે પહોંચી ચોરી કરી લેતાં હોવાનું કબુલ્યું હતું. અર્જુન ઉર્ફે ગોધરો અગાઉ પણ ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કનુભાઇ બસીયા, ધર્મેશભાઇ પરમારની બાતમી પરથી રામનાથપરા જુની જેલ નજીક ભાણજીદાદાના પૂલ પાસેથી તસ્કરોને પકડી લેવાયા હતાં. અહિ આ બધા ચોરી કરેલા માલનો ભાગ પાડી નિકાલ કરવા માટે ભેગા થયા હતાં. પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. આર. ચાવડા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્સ. કનુભાઇ બસીયા, ધર્મેશભાઇ પરમાર, મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા, કરણભાઇ વિરસોડીયા, કોન્સ. તેજસભાઇ ડેરએ આ કામગીરી કરી હતી.
(3:11 PM IST)










