<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા

હવામાન વિશ્લેષક નિતેષ વડાવીયાના જણાવ્યા મુજબ ગુજરાતને આ સિસ્ટમની અસર થવાની શક્યતા નથી; સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહી હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું

રાજકોટ : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મોટું માવઠું થશે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી હતી. એટલું જ નહીં, ક્યારેક અરબ સાગરમાં તો ક્યારેક બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાની અને બંને સમુદ્રમાં એકસાથે વાવાઝોડાં સક્રિય થવાની અટકળોએ પણ લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી હતી. જોકે, ચાલુ માસ દરમિયાન ગુજરાતમાં મોટા માવઠાની શક્યતા અંગે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા દાવાઓને લઈને હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં એક શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય બની રહી છે, પરંતુ તેની ગુજરાત પર અસર થવાની શક્યતા નથી.
હવામાન વિશ્લેષક નિતેષ વડાવીયાના જણાવ્યા મુજબ, પૂર્વ-મધ્ય અને નજીકની દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું છે. 25 ઓક્ટોબર, 2026ના રોજ આ સિસ્ટમ આશરે 15.3 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 91.2 ડિગ્રી પૂર્વ રેખાંશ નજીક સ્થિત હતી. છેલ્લા છ કલાક દરમિયાન આ સિસ્ટમ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણપૂર્વ તરફ આગળ વધી હતી. આ સિસ્ટમ શ્રી વિજયા પુરમથી આશરે 440 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમ અને વિશાખાપટ્ટનમથી આશરે 980 કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતી.
હવામાનની આગાહી મુજબ, 26 ઓક્ટોબર સુધીમાં આ ડિપ્રેશન વધુ મજબૂત બનીને વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. ત્યારબાદ તેની તીવ્રતામાં ક્રમશઃ વધારો થઈ શકે છે. અનુમાન મુજબ, 28 ઓક્ટોબરની આસપાસ આ સિસ્ટમ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે.
આ વાવાઝોડું વધુ તીવ્ર બને તો તેની સાથે કલાકના 115થી 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને પવનના ઝાટકા 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અનુમાન મુજબ, વાવાઝોડું આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠા નજીકથી પસાર થઈ શકે છે. આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે.
જોકે, આ સમગ્ર હવામાન સિસ્ટમ ગુજરાતથી દૂર બંગાળની ખાડીમાં સક્રિય હોવાથી ગુજરાતને તેની સીધી અસર થવાની શક્યતા નથી. તેથી ગુજરાતમાં મોટા માવઠા અને વાવાઝોડાં અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગભરાવાની જરૂર નથી. હવામાનની આગાહીમાં ફેરફાર થઈ શકે છે, તેથી સત્તાવાર આગાહીઓ પર નજર રાખવી જરૂરી છે.
નિતેષ વડાવીયાએ લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, વાવાઝોડા જેવી મજબૂત હવામાન સિસ્ટમ સર્જાય ત્યારે હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓને અનુસરવી જોઈએ. સોશિયલ મીડિયા પર ફરતા દરેક સંદેશને સાચો માનીને ભયભીત થવાને બદલે અધિકૃત માહિતીના આધારે જ નિર્ણય લેવો હિતાવહ છે.

(4:56 PM IST)