<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

૧૯મીએ હોટેલમાંથી બેભાન મળેલા તાલાલાના યુવાનનું મૃત્‍યુઃ પીએસઆઇની પરિક્ષા આપી હતી

કાલાવડ રોડ જડ્ડુસ નજીક હોટેલમાંથી સારવાર માટે ખસેડાયેલઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૦: શહેરના કાલાવડ રોડ પર જડ્ડુસ ફૂડ ફિલ્‍ડ રેસ્‍ટોરન્‍ટ નજીક આવેલી હોટેલમાંથી અગીયાર દિવસ પહેલા બેભાન હાલતમાં મળેલા મુળ તાલાલા પંથકના યુવાનને સારવાર માટે દાખલ કરાયેલ. જેનું મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. મોતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી હતી. આ યુવાને થોડા સમય પહેલા પીએસઆઇની પરિક્ષા આપી હતી. જો કે તેમાં સફળતા મળી નહોતી.

જાણવા મળ્‍યા મુજબ મુળ તાલાલા પંથકનો વતની પરેશભાઇ ભગવાનભાઇ સોલંકી (ઉ.વ.૩૦) નામનો યુવાન તા. ૧૯/૧૦ના રોજ કાલાવડ રોડ જડ્ડુસ રેસ્‍ટોરન્‍ટ નજીક આવેલી નોવા સાઇન હોટેલના રૂમમાંથી   બેભાન હાલતમાં મળી આવતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. જે તે વખતે તાલુકા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી તેના સગા સંબંધીને જાણ કરાઇ હતી. સારવાર દરમિયાન પરેશભાઇનું ગત મોડી રાતે મૃત્‍યુ થતાં એએસઆઇ નિલેષભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર પરેશભાઇ સોલંકી બે ભાઇમાં નાનો હતો. તેના મોટા ભાઇ શિક્ષક છે. પરેશભાઇએ તાજેતરમાં પીએસઆઇની પરિક્ષા આપી હતી. પણ તેમાં ઉર્તિણ થયા નહોતાં. બાદમાં તે ઘરેથી નીકળ્‍યા બાદ ગાંધીનગર ગયેલ, ત્‍યાંથી રાજકોટ ક્‍યારે આવી ગયેલ તેની પરિવારજનોને ખબર નહોતી. રૂમમાં તેણે કંઇ પી લેતાં બેભાન થઇ ગયેલ કે અન્‍ય કારણે? તે બહાર આવ્‍યું નથી. તબિબે પોસ્‍ટમોર્ટમ વખતે વિસેરા લઇ પરિક્ષણમાં મોકલ્‍યા છે.

(2:18 PM IST)