તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 22nd October 2026
ડીસીપી ઝોન-૨ રીડર શાખાના એએસઆઇ કેતનગીરી ગોસ્વામીનું હૃદય ધબકારા ચુકી ગયું: પોલીસબેડામાં શોક
ત્રણ બહેનના એક જ ભાઇ હતાં: સરળ મળતાવડા સ્વભાવને કારણે પોલીસબેડામાં ખુબ ચાહના ધરાવતાં હતાં: બપોરે ત્રણ કલાકે તેમના નિવાસ સ્થાને ગાર્ડ ઓફ ઓનર અપાયું

રાજકોટ તા. ૨૨: શહેર પોલીસમાં ફરજ બજાવતાં એએસઆઇનું હૃદય ધબકારા ચુકી જવાને કારણે અવસાન થતાં પરિવારજનો અને પોલીસ બેડામાં શોક છવાઇ ગયો છે. ડીસીપી ઝોન-૨ રીડર શાખામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં કેતનગીરી મનસુખગીરી ગોસ્વામી (ઉ.વ.૫૧) સવારે સાતેક વાગ્યે ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
કેતનગીરી ગોસ્વામી રૈયા હીલ ડ્રીમ સીટીમાં રહેતાં હતાં અને રાજકોટ શહેર પોલીસમાં હાલમાં ડીસીપી ઝોન-૨ રીડર શાખામાં ફરજ બજાવતાં હતાં. તેઓ ત્રણ બહેનના એકના એક વચેટ ભાઇ હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે. કેતનગીરી ગોસ્વામીએ પોલીસમાં ભરતી થયા બાદ સોૈ પ્રથમ પ્ર.નગર પોલીસમાં ફરજ બજાવી હતી. બાદમાં મહિલા કોલેજ ચોકી, હેડક્વાર્ટરમાં ફરજ બજાવી હતી. છેલ્લા દસ વર્ષથી રીડર શાખામાં ફરજ પર હતાં.
સવારે તેઓ ઘરે હતાં ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી મિત્રો, પરિવારજનો, પોલીસ અધિકારીઓ હોસ્પિટલે પહોંચ્યા હતાં. તેઓ પોતાના સરળ મળતાવડા સ્વભાવને કારણે મોટુ મિત્ર વર્તુળ ધરાવતાં હતાં અને પોલીસબેડામાં પણ ખુબ જ ચાહના ધરાવતાં હતાં. આ બનાવથી ગોસ્વામી પરિવાર અને પોલીસબેડામાં ગમગીની વ્યાપી ગઇ છે. પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પુરી થયા બાદ મૃતદેહને તેમના નિવાસ સ્થાન ડ્રીમ સીટી ખાતે લઇ જવાયો હતો. અહિ બપોરે ત્રણ કલાકે ગાર્ડ ઓનર અપાયું હતું.
(3:43 PM IST)










