તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
બૂટલેગર યાકુબ મોટાણીએ રાજકોટ મોકલેલો ૩.૧૩ લાખનો દારૂ ડીસીબીએ પકડી લીધો
પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવની સુચના અંતર્ગત પીએસઆઇ વી. ડી. ડોડીયા અને ટીમની કામગીરીઃ ધારાભાઇ વાનરીયા, જયરાજસિંહ કોટીલા, રાહુલભાઇ રાઠોડની બાતમીઃ બે લિટર, ૭૫૦ એમએલ, ૧૮૦એમએલની માત્રામાં વ્હીસ્કી-જામુન વોડકાની બોટલો-ચપલા કબ્જે : વાપીમાં મુંબઇ-અમદાવાદ હાઇવે પરની હોટેલ પાસેથી દારૂ ભરી આપ્યો હતોઃ રાજકોટ પહોંચતા વ્હોટ્સએપ કોલ કરે તેને આપવાનો હતોઃ કોઠારીયા રણુજા મંદિર સામે ચાલક પ્રવિણ પાટડીયા આઇસર લઇને ઉભો હતો ત્યાં પોલીસ ત્રાટકી

રાજકોટ તા. ૨૭: દારૂ-જૂગારની પ્રવૃતિ ડામવા ડીસીબી, પીસીબીની ટીમો તથા પોલીસ સ્ટેશનનોની ટીમો દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. વધુ એક વખત ડીસીબીની ટીમે કોઠારીયા રોડ પર વોચ રાખી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક પકડી લઇ ચાલક રણુજા મંદિર સામે રહેતાં શખ્સને પકડી લીધો છે. તેની પુછતાછમાં આ દારૂનો જથ્થો નામચીન બુટલેગા યાુકબ મુસા મોટાણીનો હોવાનું ખુલતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. દારૂની હેરાફેરી ડામવા અને આવા કેસ શોધી કાઢવા સુચના મળી હોઇ ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ધારાભાઇ વાનરીયા, હેડકોન્સ. જયરાજસિંહ કોટીલા અને રાહુલભાઇ ગોહેલને બાતમી મળી હતી કે કોઠારીયા રોડ રણુજા મંદિરની પાસે રોડ પર બાગેશ્વર બાલાજી મંદિરની સામે સાકેત બંગલોઝના ગેઇટ નજીક નંદનવન એપાર્ટમેન્ટ પાસે એક આઇસર જીજે૦૩બીવી-૮૧૪૫ લઇને એક શખ્સ આવ્યો છે અને તેમાં દારૂના બોક્સ ભરેલા છે. આ બાતમી પરથી ટીમ ત્યાં પહોંચતા બાતમી મુજબનો આઇસર ટ્રક મળી આવ્યો હતો. ટ્રકની ડ્રાઇવર સીટ પર એક શખ્સ બેઠેલો જોવા મળ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રવિણ દિલીપભાઈ પાટડીયા (ઉં.વ. ૨૯, રહે. નંદનવન એપાર્ટમેન્ટ-૫, કોઠારીયા રોડ રણુજા મંદિર સામે) હોવાનું જણાવ્યું હતું. ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા સફેદ કલરના પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા હતા, જે ખોલીને જોતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટરિયા મળી આવ્યા હતા.
પોલીસે દરોડા દરમિયાન આઇસર ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૫૩૦ બોટલો અને ક્વાર્ટરિયા કબજે કર્યા હતા. જેમાં ૨ લીટરની પ્લાસ્ટિક બોટલ પેકિંગવાળી રોયલ ચેલેન્જ પ્રીમીયમ વ્હીસ્કીની ૩૦ બોટલ કિંમત ૧૪,૮૭૦, રોયલ સ્ટગ ક્લાસિક વ્હીસ્કીની ૩૦ બોટલ કિમત રૂા. ૧૪,૮૭૦ અને ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની ૩૦ બોટલ કિમત રૂા. ૧૫,૦૯૦ મળી આવી હતી. આ ઉપરાંત ૧૮૦ એમએલના નાના ચપલા રોયલ ચેલેન્જ વ્હીસ્કીના ૪૮૦ નંગ કિમત રૂા. ૭૯,૨૦૦, આઇકોનીક વ્હાઇટ ઇન્ટરનેશનલ વ્હીસ્કીના ૪૮૦ નંગ કિંમત ૪૦,૮૦૦ અને અરાબેલ્લા જામુન વોડકાના ૪૮૦ નંગ ચપલા કિંમત ૩૬,૪૦૦ મળી આવ્યા હતા. પોલીસે કુલ ૩,૧૩,૩૨૦ની કિંમતનો વિદેશી દારૂ તથા રૂા. ૧૦,૦૦,૦૦૦ ની કિંમતની આઇસર ટ્રક અને આરોપીના ખિસ્સામાંથી મળેલ ૧૦,૦૦૦ ની કિંમતના ગણી કુલ રૂા.૧૩,૨૩,૩૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલા આઇસર ડ્રાઇવર પ્રવિણ પાટડીયાની પોલીસે કડક પૂછપરછ કરતા તેણે આ વિદેશી દારૂનો જથ્થો તેને મુંબઈ-અમદાવાદ હાઇવે પર વાપી નજીક આવેલી સહયોગ હોટેલથી થોડે આગળ યાકુબ મુસાભાઈ મોટાણી નામના શખ્સે ભરી આપ્યો હોવાનું કબુલ્યું હતું. રાજકોટ પહોંચીને કોઠારીયા રોડ સાઇબાબા સર્કલ પાસે પહોંચ્યા બાદ તેને વોટ્સએપ કોલ દ્વારા આગળ કયાં માલ પહોંચાડવો તેની સુચના યાકુબ આપવાનો હતો.પરંતુ તે પહેલા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે યાકુબ મુસા મોટાણી રાજકોટ પોલીસના ચોપડે નામી બુટલેગરની છાપ ધરાવે છે. તેને શોધી કાઢવા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, અમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇઅમિતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા, હેડકોનસ. દીપકભાઇ ચોૈહાણ, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, સંજયભાઇ રૂપાપરા, ધારાભાઇ વાનરીયા, રાહુલભાઇ ગોહેલે આ કામગીરી કરી હતી.
(3:05 PM IST)










