તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
નાકરાવાડીના મેળામાં ડખ્ખોઃ કણકોટ પાટીયાના સુરેશની આંખમાં મીર્ચી સ્પ્રે છાંટી છરી ઝીંકી મોઢા પર મુક્કા માર્યા
જેની સાથે જુનુ મનદુઃખ ચાલતું હતું તે વિજય સહિતના શખ્સોએ અચાનક ધસી આવી હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૩: કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાછળ ગઇકાલે એક દિવસીય રામાપીરનો મેળો યોજાયો હોઇ તેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતાં. આ વચ્ચે મેળામાં ડખ્ખો થઇ જતાં કણકોટ પાટીયે રહેતાં યુવાન પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. તેની આંખમાં મીર્ચી સ્પ્રે છાંટી બાદમાં મોઢા પર મુક્કા મારી છરીથી પણ ઘાયલ કરાયો હતો. માથાકુટને પગલે દોડધામ મચી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ નાકરાવાડી ખાતે યોજાયેલા મેળામાં રાજકોટ તેમજ આસપાસના ગામોમાંથી લોકો અહિ આવ્યા હતાં. આ વચ્ચે કણકોટ પાટીયે રહેતો યુવાન પણ અહિ મેળામાં આવ્યો હોઇ તેના પર જુના મનદુઃખનો ખાર રાખી હુમલો કરાયો હતો. અગાઉ રેલનગર આસ્થા ચોકમાં રહેતો અને હાલ કાલાવડ રોડ કણકોટના પાટીયે રહેતો સુરેશ કેશુભાઇ ઉકેડીયા (ઉ.વ.૨૫) રાતે એકાદ વાગ્યે નાકરાવાડી ગામે યોજાયેલા મેળામાં હતો ત્યારે આ વિસ્તારના વિજય સહિતના શખ્સોએ અચાનક ધસી આવી હુમલો કર્યો હતો. તે લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
સુરેશ સાત બહેનનો એક જ ભાઇ છે અને બહેનોથી નાનો છે. તે છુટક કામ કરે છે. તેના કહેવા મુજબ તે રાતે છોકરાઓ સાથે નાકરવાડીના મેળામાં ગયો હતો. અગાઉ એકાદ વર્ષ પહેલા વિજય સાથે બોલાચાલી થતાં તેણે વિજયને લાફો મારી લીધો હતો. આ કારણે મનદુઃખ ચાલતુ હતું. પોતે મેળામાં હતો અને છોકરાઓ સાથે નાસ્તો કરી રહ્યો હતો ત્યારે અચાનક વિજય સહિતના શખ્સો ધસી આવ્યા હતાં અને આંખમાં મીર્ચી સ્પ્રે છાંટી મોઢા પર મુક્કા માર્યા હતાં. ઢીકાપાટુનો બેફામ માર મારી પડખામાં છરીનો ઘા પણ ઝીંકી દેવાયો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. સુરેશ સારવાર હેઠળ હોઇ પોલીસે તેણે કરેલા આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(2:29 PM IST)










