<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

સાયબર ફ્રોડઃ ગોંડલ, મેટોડા, પડધરી, શાપરમાં વેપારી સહિત ૪ સાથે ૪.પ૦ લાખની ઠગાઇ

બેંક કર્મચારીની ઓળખ આપી ક્રેડીટ કાર્ડ સહિતના બહાને ફ્રોડ કર્યુઃ ગોંડલ સીટી, મેટાડા જીઆઇડીસી, પડધરી અને શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ જિલ્લામાં ઓન લાઇન સાયબર ફ્રોડના બનાવોમાં વધારો જોવા મળ્‍યો છે. ગોંડલમાં વેપારી અને મેટોડા જીઆઇડીસીમાં રહેતી યુવતીને બેંક કર્મચારીની ઓળખ આપી સાયબર ગઠીયાએ ૩.૪પ લાખ તેમજ પડધરીના અને શાપરના આઘેડના ખાતામાંથી ફોન હેક કરીને કે ગમે તે રીતે ગઠીયાઓએ ૧.૩૦ લાખ જેટલી રકમ ટ્રાન્‍સફર કરી ઠગાઇ કરતા ગોંડલ સીટી, મેટોડા જીઆઇડીસી, પડધરી અને શાપર પોલીસ મથકમાં ચાર ફરીયાદ નોંધાઇ છે.

ગોંડલના  પેલેસ રોડ પર રાધા કૃષ્‍ણનગરમાં રહેતાં વેપારી સુનીલભાઇ બાલુભાઇ લાલવાણી (ઉ.૪૯) ને અજાણ્‍યા સાયબર ગઠીયાઓએ વોટસએપ પર કોલ કરી બેંકના કસ્‍ટમર કેરના અધિકારી તરીકે ઓળખ આપી તેના હેલ્‍થ ઇન્‍સ્‍યુરન્‍સ ચાલુ હોય તે ચાલુ રાખવા ત્રણ મહિને પ૪૦૦ રૂપિયા ચાર્જ લાગશે તેમ કહી પ્‍લાન બંધ કરાવવા બેંકની એપ પર લોગીન કરાવવા કહ્યું હતું.

બાદમાં બેંકની ફ્રેઇક એ.પી. કે. ફાઇલ મોકલી તેમાં કેવાયસી પ્રોસેસ કરાવી ત્રણ અલગ-અલગ ક્રેડીટ કાર્ડમાંથી ટ્રાન્‍જેકશન કરી રૂા. ર.૪પ લાખની ઓનલાઇન ઠગાઇ કર્યાની ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

બીજા બનાવમાં મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ર પાસે ભાડેથી રહેતા મુળ ચુડાના ભુગુપુરના છાયાબેન બળદેવભાઇ કણઝારીયા (ઉ.ર૪) ને ફોન કરી બેંક કર્મચારીની ઓળખ આપી સાયબર ગઠીયાએ તમને તમારો એકાઉન્‍ટમાં રહેલ રૂપિયાનું વ્‍યાજ મળેલ છે. કહી ગુગલ-પે એપ પર ૩પ૯૯૭ કુપન મોકલયુ હતું.

તેમા પાસવર્ડ નાખી પે કરવાનું કહેતા છાયાબેન તે  પ્રમાણે કરતા ગઠીયાએ તેના એકાઉન્‍ટમાંથી રૂા. ૧,૦૦,૭૭૯ ઉપાડી લઇ છેતરપીંડી કરતા મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

ત્રીજા બનાવમાં પડધરીના ખામટા ગામે રહેતા મચ્‍છાભાઇ લાખાભાઇ સાનીયા (ઉ.વ.પ૦) નો મોબાઇલમાં સોશ્‍યલ મિડીયાના માધ્‍યમથી કે કોઇ ફ્રોડ હાઇડ એપ્‍લીકેશન દ્વારા ફોન હેક કરી અજાણ્‍યા સાયબર ગઠીયાએ અલગ-અલગ ટ્રાન્‍ઝેકશન કરી રૂા. ૬૬,૯૯૮ ઉપાડી લીધાની પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

ચોથા બનાવમાં શાપરમાં દરબારગઢ પાછળ અંજનેય વિલા સોસાયટીમાં રહેતાં દિનેશભાઇ પ્રવિણભાઇ જોષી (ઉ.૪૬) ને અજાણ્‍યા ફોન નંબર ધારકે કોલ કરી આઇસીઆઇસીઆઇ બેંકના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ક્રેડીટ કાર્ડ લીમીટ વધારવા બાબતે વાત કરી વોટસ-એપમાં એપ્‍લીકેશન મોકલી હતી. જેના આધારે ફોન હેક કરી ક્રેડીટ કાર્ડમાંથી અલગ-અલગ ટ્રાન્‍ઝેકશનથી રૂા. ૬૩,૩૭૦ ઉપાડી લઇ ઠગાઇ કર્યાની શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

(2:47 PM IST)