તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
એટીએમમાં લોડ કરવાની રકમમાંથી કસ્ટોડીયન જામનગરના કાર્તિકે રૂા. ૫ લાખ બઠ્ઠાવી લીધા!
એરપોર્ટ ફાટક પાસે આવેલી સીએમએસ કંપની સરકારી-ખાનગી બેંકોમાંથી રૂપિયા મેળવી એટીએમમાં લોડ કરવાનું કામ કરે છેઃ તેના મેનેજર લક્ષમણપ્રસાદ શર્માની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ : કંપનીએ કડક ઉઘરાણી કરતાં ૧.૨૦ લાખ જમા કરાવી દીધાઃ બાકીના ન ચુકવતાં ફરિયાદ

રાજકોટ તા. ૨: શહેરમાં એટીએમમાં કેશ લોડિંગનું કામ કરતી ખાનગી કંપનીના જ એક કર્મચારી દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવાનો બનાવ પોલીસ ચોપડે ચડયો છે. સામે આવ્યો છે. રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી સીએસી ઇન્ફો સિસ્ટમ લિમીટેડ કંપનીના બ્રાન્ચ મેનેજરે પોતાના જ કસ્ટોડિયન કર્મચારી જામનગર રહેતાં મુળસ કોડીનારના શખ્સ વિરૂધ્ધ રૂ. ૩,૬૦,૦૦૦ની ઉચાપત-વિશ્વાસઘાત કરવા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે એરપોર્ટ રોડ સખીયાનગરમાં જયગીત સોસાયટી-૧માં રહેતાં અને એરપોર્ટ ફાટક નજીક આવેલી સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતાં લક્ષ્મણપ્રસાદ મનીરામ શર્માની ફરિયાદ પરથી જામનગર માધવવિલા સોસાયટી બ્લોક નં. ૯૯માં રહેતાં મુળ કોડીનાર મારૂતિનગર સોસાયટીના કાર્તિક પ્રદિપભાઇ વ્યાસ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે આ કંપની વિવિધ સરકારી અને પ્રાઇવેટ બેંકોમાંથી રોકડા રૂપિયા મેળવીને શહેરના અલગ-અલગ એટીએમ મશીનોમાં કેશ લોડ કરવાનું કામ કરે છે. કંપનીમાં કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા કાર્તિક પ્રદિપભાઈ વ્યાસ (રહે. જામનગર)ને એટીએમ મશીનોમાં પૈસા જમા કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગત તારીખ ૮/૬ના રોજ કાર્તિક વ્યાસ સવારના સમયે એટીએમ લોડિંગ માટે ગાડીના સ્ટાફ સાથે નીકળ્યો હતો. બપોરના આશરે દોઢ વાગ્યાની આસપાસ કંપનીના અન્ય કર્મચારીઓ દ્વારા ઓડિટ ચેક કરવામાં આવતા માલુમ પડ્યું હતું કે બજરંગવાડી મેઈન રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ મશીનમાં કોમ્પ્યુટર સિસ્ટમ મુજબ રૂ. ૨૦,૦૦,૦૦૦ લોડ થયેલા બતાવતા હતા. પરંતુ વાસ્તવિક ઓડિટ રિપોર્ટમાં રૂ. ૫,૦૦,૦૦૦ની મોટી ઘટ સામે આવી હતી.
એટીએમમાં મોટી રકમની ઘટ જણાતા બ્રાન્ચ મેનેજર અને અન્ય સ્ટાફ દ્વારા તાત્કાલિક કસ્ટોડિયન કાર્તિક વ્યાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મશીનમાં પૈસા કેમ ઓછા નાખ્યા તે અંગે પૂછતા કાર્તિકે પહેલા એવો ગોળ-ગોળ જવાબ આપ્યો હતો કે ભુલથી બીજા એટીએમ મશીનમાં વધારે પૈસા નખાઈ ગયા હશે. પણ, કંપનીએ તાત્કાલિક તેના રૂટ પરના તમામ એટીએમ મશીનોનું ઓડિટ કરાવતા અન્ય કોઈ મશીનમાં વધારે પૈસા જમા થયા નહોતા. ત્યારબાદ કાર્તિકે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને તે ફરાર થઈ ગયો હતો.
આ પછી કંપની દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા અને કાનૂની કાર્યવાહીનો ડર લાગતા, આરોપી કાર્તિક વ્યાસે ગત તારીખ ૨૩/૬ના રોજ રૂ. ૧,૪૦,૦૦૦ કંપનીમાં પરત જમા કરાવી દીધા હતા. પરંતુ બાકી રહેતા રૂ. ૩,૬૦,૦૦૦ની રકમ તેણે પોતાના અંગત ફાયદા માટે ઓળવી જઈ કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોઇ ફરિયાદ નોંધાવાઇ હતી. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. જે. જોષીએ ગુનો દાખલી કરી વધુ તપાસ હાથ ધરી છે
(11:58 AM IST)










