<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

દિવાનપરામાં મચ્છો માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો: ૧૯ ગુનાનો રીઢો ગુનેગાર યુપીનો વિવેક ચૌહાણ ઝડપાયો

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચના મુજબ પીઆઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની સૂચનાથી પીએસઆઇ વી.ડી. રાવલિયાની ટીમની કામગીરી: હેડકોન્સ. મુકેશભાઇ સબાડ તથા કોન્સ મનીષભાઇ ચાવડાની બાતમી

​રાજકોટ: શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના દિવનપરામ આવેલ શ્રી મચ્છોમાતાના મંદિરમાં થયેલી ચોરીના ગુનામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા સાંપડી છે. પોલીસે ત્વરિત અને અસરકારક કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ આ અનડિટેક્ટ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીને ચોરીમાં ગયેલ રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો છે.

​રાજકોટ શહેરમાં બનતા ઘરફોડ ચોરીના બનાવોને તાત્કાલિક ડીટેક્ટ કરવા અને ગુનેગારોને પકડી પાડવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બી.બસીયા દ્વારા ખાસ સુચનાઓ આપવામાં આવી હતી. આ સુચનાન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર તથા પોલીસ ઇન્સ્પેક્ટર સી.એચ.જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી વી.ડી.રાવલીયા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન હેડકોન્સ. મુકેશભાઇ સબાડ તથા કોન્સ મનીષભાઇ ચાવડાને મળેલી સંયુક્ત અને ચોક્કસ બાતમીના આધારે ચોરી કરનાર મજકુર ઇસમની અટકાયત કરવામાં આવી હતી.

​પોલીસ દ્વારા પકડવામાં આવેલ આરોપીનું નામ વિવેક બીરેન્દ્રસિંગ ચૌહાણ (ઉં.વ.૪૦) છે. તે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના તિલહરૂફારી તાલુકાના પીપપહાડી ગામનો વતની છે અને હાલ રાજકોટમાં કેસરી પુલ નીચે ઝુપડામાં રહીને છૂટક મજૂરીકામ કરે છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ ભારતીય ચલણી રૂ.૧૦૦ તથા રૂ.૨૦૦ના દરની નોટો મળી કુલ રૂ.૧૨,૫૦૦નો રોકડ મુદ્દામાલ કબ્જે કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​પકડાયેલ આરોપી વિવેક બીરેન્દ્રસિંગ ચૌહાણ અગાઉ પણ અનેક ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ રાજકોટ શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશન, માલવીયાનગર પોલીસ સ્ટેશન, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, થોરાળા પોલીસ સ્ટેશન, 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જામનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મળીને કુલ ૧૯ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

​આ કામગીરીમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.ચાવડા, પી.આઇ. એમ.એલ.ડામોર, પી.આઇ. સી.એચ.જાદવ, પી.એસ.આઇ. વી.ડી.રાવલીયા, એ.એસ.આઇ. સમીરભાઇ શેખ, પો.હેડ.કોન્સ. સાગરભાઇ માવદીયા, દીપકભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ, યજુવેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીલુભાઇ ગરચર, મનીષભાઇ ચાવડા અને અશ્વિનભાઇ પંપાણીયા રોકાયેલા હતા.

(6:07 PM IST)