<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી નદીના કાંઠે દારૂની ભઠ્ઠી પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો ૭૨,૧૦૦ના મુદ્દામાલ સાથે રાજ અને સંજય ઉર્ફે ચકો પકડાયા

પીઆઇ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની સૂચનાની પીએસઆઈ ડી.પી. ઝાલાની ટીમનો દરોડો: યશવંતભાઈ ભગત, રાજદીપભાઇ પટગીર અને અમિતભાઇ ટૂંડિયાની બાતમી

​રાજકોટ: શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર નેસ્તનાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કામગીરી કરીને ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.

પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત તથા પો.હેડ કોન્સ. રાજદીપભાઇ પટગીર અને અમિતભાઇ ઢુંઢિયાને ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી મફતીયાપરા સાગર પાનથી આગળ નદી કાંઠે દરોડો પાડી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પરથી બે શખ્સને પકડી પાડ્યા હતા.  

​પકડાયેલા આરોપીઓમાં રાજ જીવણભાઇ ભુસડીયા (ઉ.વ.૩૨, રહે. લાખાજીરાજ ઉદ્યોગનગર નવા થોરાળા) અને સંજય ઉર્ફે ચકો પોપટભાઇ સોલંકી (ઉ.વ.૨૦, રહે. કુબલીયા પરા)નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ૪૦૦ની કિંમતના ૪ એલ્યુમીનીયમના તપેલા, ૧૦૦ની ૪ ડીસો, ૪ રબ્બરની નળીઓ, ૨૦૦ની કિંમતના ૪ પ્લાસ્ટીકના કેન, ૧,૪૦૦ની કિંમતના ૧૪ પતરાના બેરલ, ૧૦,૦૦૦ની કિંમતનો ૪૦૦ લીટર ગરમ આથો, ૫૦,૦૦૦ની કિંમતનો ૨૦૦૦ લીટર ઠંડો આથો અને ૧૦,૦૦૦ની કિંમતનો ૫૦ લીટર પીવાનો દેશી દારૂ એમ મળીને કુલ ૭૨,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  

​આ  કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) બી.બી.બસીયાની સૂચના તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.પી.ઝાલાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, પો.હેડ કોન્સ. અમિતભાઇ ઢુંઢિયા, કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર, રાજદીપભાઇ પટગીર તેમજ પો.કોન્સ. અરવિંદકુમાર ફતેપરા, મહાવીરસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર અને પોપટભાઇ ગમારાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

(8:34 PM IST)