News of Sunday, 4th October 2026
ક્રાઇમ બ્રાન્ચનો રૈયારોડ અલકાપુરીમાં મંદિર નજીક દરોડો: સ્વિફ્ટ કારમાંથી રૂ. ૨.૫૨ લાખથી વધુનો વિદેશી દારૂ મળ્યો: ચાલકની શોધખોળ : જુઓ વિડિયો
કુલ રૂ. ૫.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો: પોલીસ ઇન્સપેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની સૂચનાથી પીએસઆઇ ડી.પી. ઝાલા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂ અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન ઝુંબેશ ચલાવીને રૈયા રોડ પર અલકાપુરીમાં મંદિર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી સ્વિફ્ટ કાર અને દારૂની બોટલો મળીને કુલ રૂ. ૫,૫૨,૪૬૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જાણવા મળ્યા મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાનન હેડકોન્સ. પુષ્પરાજસિહ ગોહિલ, કરણભાઇ કોઠીવાળ, અમિતભાઇ ટુંડીયા તથા પો.કોન્સ. અરવિંદકુમાર ફતેપરાને મળેલ ચોક્કસ બાતમીના આધારે રાજકોટના રૈયારોડ પર આવેલ ખોડીયાર હોટલ પાછળ, અલકાપુરી શેરી નં. ૦૧/૧૨ ના ખૂણે અંકલેશ્વર મહાદેવ મંદિરના ગેટ બાજુ જાહેર રોડ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં પાર્ક કરેલી મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર. નં. GJ-01-WD-8294ની તલાશી લેતાં તેમાંથી ગેરકાયદેસર રાખવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી રૂ. ૨,૫૨,૪૬૮ની કિંમતની નાની-મોટી વિદેશી દારૂની કુલ ૧૦૩૬ શીલપેક બોટલો (ચપલા) જપ્ત કરી છે. જેમાં ઓલ સીઝન્સ ગોલ્ડન કલેક્શન વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ની ૨૪૦ બોટલ કિંમત રૂ. ૪૫,૬૦૦/-, ઓલ સીઝન્સ ગોલ્ડન કલેક્શન વ્હીસ્કી ૩૭૫ એમ.એલ. ની ૧૨૪ બોટલ કિંમત રૂ. ૬૨,૬૨૮/-, અને રોયલ સ્ટેગ એક્ઝિક્યુટિવ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ની ૬૭૨ બોટલ કિંમત રૂ. ૧,૪૪,૨૪૦ ની બોટલો તેમજ રૂ. ૩,૦૦,૦૦૦ની કિંમતની સ્વિફ્ટ કારનો સમાવેશ થાય છે. આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કારના અજાણ્યા ચાલક સામે તપાસ શરૂ કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે.
આ સફળ કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) બી.બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાધવની સૂચનાથી કરવામાં આવી હતી. દરોડાની પ્રત્યક્ષ કામગીરીમાં પી.એસ.આઇ. ડી.પી. ઝાલા તથા એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, પો.હેડ કોન્સ. પુષ્પરાજસિંહ ગોહિલ, કરણભાઇ કોઠીવાળ, અમિતભાઇ ટુંડીયા, રાજદીપભાઇ પટગીર તેમજ પો.કોન્સ. અરવિંદકુમાર ફતેપરા, કિશનભાઇ પાંભર, મહાવીરસિંહ જાડેજા, પોપટભાઇ ગમારા અને રઘુવીરસિંહ જાડેજા જોડાયા હતા.
(2:42 PM IST)










