News of Monday, 26th October 2026
સાથે મળી ચોરીઓ કરતી મા-દિકરીને ક્રાઇમ બ્રાંચે દબોચી
માલવીયાનગર વિસ્તારમાં બનેલા ચેઇન ચોરીનો ભેદ ઉકેલ્યોઃ માતા અગાઉ ૧૩ ગુનામાં અને દિકરી બેગુનામાં સામેલ : વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, કોન્સ. સંજયભાઇ ખાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખાની બાતમીથી પીએસઆઇ એમ. એસ. રાણાની ટીમ દ્વારા કામગીરી

રાજકોટ તા. ૨૬: શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી સોનાના ચેઇનની ચોરીનો અણઉકેલાયેલ ગુનો ઉકેલીને ક્રાઇમ બ્રાન્ચે માતા-પુત્રીને પકડી લીધા છે. આ બંને સાથે મળીને ચોરીઓ કરતી હતી. માતા અગાઉ ૧૩ ગુનામાં અને દિકરી અગાઉ ૨ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી છે. તેની પાસેથી રૂ. ૧.૯૦ લાખનો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ વગેરે અન-ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એમ.રાણાની ટીમ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઈ દાફડા, કોન્સ. સંજયભાઈ ખાખરીયા તથા ધર્મેશભાઈ ખાંડેખાને મળેલ સંયુક્ત ચોક્કસ હકીકત આધારે ચોરીના એક સોનાના ચેન સાથે બે મહિલા આરોપીઓને પકડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહીથી રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે પકડી પાડેલી મહિલા આરોપીઓમાં નિકિતાબેન અલ્પેશભાઈ સાવલીયા (બચુભાઈ સોલંકીની પુત્રી, ઉં.વ. ૪૨, રહે. લક્ષ્મીવાડી મેઈન રોડ, પાયલ કોમ્પ્લેક્ષની પાછળ, ગોવિંદપરા શેરી નંબર-૦૧, રાજકોટ) અને તેની પુત્રી વૈશાલીબેન અલ્પેશભાઈ સાવલીયા, ઉ.વ. ૨૩, રહે. લક્ષ્મીવાડી મેઈન રોડ, પાયલ કોમ્પ્લેક્ષની પાછળ, ગોવિંદપરા શેરી નંબર-૦૧, રાજકોટ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૬.૯૩૦ ગ્રામ વજન ધરાવતો સોનાનો ચેઇન રૂ. ૧,૫૦,૦૦૦નો અને એક એક્ટિવા જીજે૦૩ક્યુજી-૧૭૭૪, કિંમત રૂ. ૪૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી નિકિતાબેન અગાઉ રાજકોટ શહેર ગાંધીગ્રામ, લોધિકા, માલવીયાનગર, ઉના, ભક્તિનગર, બી ડીવિઝન, ડીસીબી, સુરત શહેર ખટોદરા, બોટાદ, ભાવનગર નીલમબાગ અને અમરેલીના રાજુલા પોલીસ સ્ટેશનમાં ચોરી, પ્રોહિબિશન અને જુગાર ધારા હેઠળના ૧૩ જેટલા ગુનાઓમાં જોડાઈ ચૂકેલી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જ્યારે બીજી આરોપી વૈશાલીબેન પણ અગાઉ ગીર સોમનાથના ઉના અને સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એમ.રાણા, એ.એસ.આઇ. સંજયભાઈ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમા, લાલજીભાઈ હાડગા, સુભાષભાઈ ઘોધારી, ધર્મેન્દ્રભાઈ કુંચાલા, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ખાબરીયા, ધર્મેશભાઈ ખાંડેબા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન વિરડા અને ત્રિપદાબેન ભટ્ટ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.
(3:35 PM IST)










