તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Thursday, 5th November 2026
જૂના માર્કેટ યાર્ડમાં પાણીનો પોકાર : ખેડૂતો-વેપારીઓ માટે નળ જોડાણની માંગ
૧૮૦ ગામોના ખેડૂતોની અવરજવર ધરાવતા યાર્ડમાં પાણીની સમસ્યા : લાલપરીના કૂવામાંથી પાણી પુરવઠામાં વિક્ષેપ થતાં મહાપાલિકાને અરજી

રાજકોટ , તા. પ : રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં પાણીની સમસ્યા ઊભી થતાં મહાનગરપાલિકા સમક્ષ નળ જોડાણ આપવાની માંગણી કરવામાં આવી છે. દરરોજ સેંકડો ખેડૂતો અને વેપારીઓની અવરજવર ધરાવતા આ યાર્ડમાં પાણીની સુવિધા સુનિ?તિ કરવા માટે મહાપાલિકાને અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મહાનગરપાલિકાના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, જૂના માર્કેટ યાર્ડમાં અત્યાર સુધી લાલપરીના કૂવામાંથી પાણી પૂરું પાડવામાં આવતું હતું. જોકે, આ વ્યવસ્થામાં વિક્ષેપ સર્જાતાં હવે મહાનગરપાલિકાનું નળ જોડાણ મેળવવા માટે અરજી કરવામાં આવી છે. આ અરજી મહાનગરપાલિકા કચેરીમાં ઇનવર્ડ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેના પર નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.
રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતો, વેપારીઓ અને મજૂરો સહિત મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આથી પાણી જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ રહે તે જરૂરી છે. બીજી તરફ રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા નવા બેડી માર્કેટ યાર્ડને રાજ્ય સરકાર દ્વારા સીધું નર્મદા લાઇનમાંથી પાણીનું જોડાણ આપવામાં આવ્યું હોવાથી ત્યાં પાણીની જરૂરિયાત સંતોષવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ માર્કેટ યાર્ડના બોર્ડમાં મહાનગરપાલિકાના એક કોર્પોરેટરનું પ્રતિનિધિત્વ રહેતું હતું. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ કરીને કોર્પોરેટરને યાર્ડના બોર્ડમાં ડિરેક્ટર તરીકે મોકલવામાં આવતા હતા. જોકે, મુખ્ય માર્કેટ યાર્ડ બેડી ખાતે સ્થળાંતરિત થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રતિનિધિ તરીકે બેડી ગ્રામ પંચાયતના સભ્યનો સમાવેશ કરવામાં આવે છે.
અગાઉ મહાનગરપાલિકાના કોર્પોરેટર બોર્ડમાં હોવાથી યાર્ડને લગતા નાના-મોટા પ્ર‘ોના ઉકેલમાં મદદ મળતી હતી. હવે જૂના માર્કેટ યાર્ડની પાણીની સમસ્યા અંગે મહાનગરપાલિકા કેટલા સમયમાં નિર્ણય લે છે તેના પર ખેડૂતો અને વેપારીઓની નજર રહેશે.
(4:39 PM IST)










