<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

રાજકોટ શહેરમાં દિવાળી દરમિયાન રાત્રે ૮થી ૧૦ કલાક સુધી ફટાકડા ફોડી શકાશે

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ફટાકડા ફોડવા તેમજ ખરીદ-વેચાણ અંગે જાહેરનામું

રાજકોટ: દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાના કારણે આગ કે અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી જળવાય રહે, તે માટે ફટાકડા ફોડવા તેમજ ખરીદ-વેચાણ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિર્દેશોને ધ્યાને લઈને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ફક્ત ગ્રીન ફાયર ક્રેકર્સનો ઉપયોગ કરવા બાબતે નિયંત્રણ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જે નીચે મુજબ છે.

પ્રતિબંધિત કૃત્યો: ૧. સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમીશન ઉત્પન્ન કરે છે, તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.

૨. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા (Joint Firecrackers, Series Crackers or Laris) પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકેલો છે.

૩. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલા ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. તેમજ વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધિત હોય, જેથી કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.

૪. તમામ ઈ-કોમર્સ વેબસાઈટોને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.

૫. ફટાકડા બનાવવા માટે બેરિયમના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મૂકેલો છે.

૬. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે Petroleum and Explosive Safety Organization (PESO) સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર ધરાવતા સ્થળથી ૦૪ મીટરની દૂરી સુધીમાં 125 dB(A) અથવા 145 dB(C) પી.કે.થી ઓછો અવાજ પેદા કરે તેવા જ ફટાકડાનું વેચાણ/વાપરી શકાશે. Petroleum and Explosive Safety Organization (PESO) દ્વારા આવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર PESOની સૂચના પ્રમાણે માર્કિંગ હોવું જરૂરી છે.

૭. દિવાળી, દેવદિવાળી તથા અન્ય તહેવાર દરમિયાન રાત્રે ૦૮ કલાકથી ૧૦ કલાક સુધી ફટાકડા ફોડી શકાશે તેમજ નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે ૧૧:૫૫ કલાકથી ૧૨:૩૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે.

૮. સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલી તમામ કોર્ટ-કચેરીઓ, હોસ્પિટલો, શાળાઓ, કોલેજો - શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો તથા એરપોર્ટની નજીક ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

૯. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટન (ચાઈનીઝ તુક્કલ, આતશબાજી બલૂન)નું ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં.

૧૦. લોકોને અગવડ ઊભી ન થાય, કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય, તે માટે રાજકોટ શહેરના બજારો, શેરીઓ, જાહેર રસ્તાઓ, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પંપ, સી.એન.જી. પંપ, એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોડાઉન તથા હવાઈ મથકની નજીક કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

૧૧. દિવાળીના તહેવાર દરમિયાન પ્રદૂષણનું પ્રમાણ વધે નહીં, તે માટે માત્ર PESO દ્વારા અધિકૃત બનાવટવાળા GREEN FIRE CRACKERSનો જ વેચાણ તથા ઉપયોગ કરી શકાશે.

આ જાહેરનામું તા. ૨૯/૧૦/૨૦૨૬થી તા. ૨૫/૧૧/૨૦૨૬ સુધી રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં અમલી રહેશે. જેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જણાવાયુ છે.

(6:38 PM IST)