તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 18th June 2026
રપ૦૦ કરોડના સાયબર કૌભાંડમાં પાંચ આરોપીઓની ‘‘ચાર્જશીટ'' બાદની જામીન અરજીને અદાલતે ફગાવી દીધી
ઓનલાઇન ગેમીંગ-ફીકસ ડીપોઝીટ-જી.એસ.ટી. કૌભાંડખોટા બેંક એકાઉન્ટ મારફત કરોડો છેતરપીંડી કર્યાનો ગંભીર ગુનો છે : જીલ્લા સરકારી વકીલની સફળ રજૂઆત

રાજકોટ, તા. ૧૮ : અત્રે રૂ.૨૫૦૦ કરોડના સાઈબર કૌભાંડના ૨૨-આરોપીઓમાંથી ૫-આરોપીઓએ ચાર્જશીટ બાદ રજુ કરેલ જામીન અરજીઓમાં ભોગ બનનારાઓને છેતરવા માટે વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાયેલ ગુનાહિત પધ્ધતિઓની ગંભીર નોંધ લઈ અધિક સેશન્સ જજ પી. જે. કાયસ્થ પાંચેય આરોપીઓની જામીન અરજીઓ રદ કરેલ છે.
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટમાં સાયબર ક્રાઈમ પો. સ્ટે. માં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓએ ઓનલાઈન ગેમીંગ અને મ્યુલ એકાઉન્ટ મારફત નિર્દોષ અને ભલા ભોળા નાગરીકો પાસેથી લાખો રૂપિયા મેળવી ૨૫૦૦ કરોડનું કૌભાંડ આચરનાર મુખ્ય ૧૦ આરોપીઓ વિરૂધ્ધ કોન્સટેબલે સરકાર તરફે જાતે ફરીયાદી બની ફરીયાદ નોંધેલ હતી. આ ફરીયાદમાં સાયબર ક્રાઈમ અંગેની પ્રાથમિક સર્ચ કર્યા બાદ દસ આરોપીઓએ કૌભાંડ કર્યા હોવાનુ જણાવેલ હતું. આ રીતે આ વિશેષ પ્રકારના કેસમાં ગુન્હો બનેલ હોવાનુ જણાતા પોલીસ પોતે ફરીયાદી બનેલ હતી.
આ દસ આરોપીઓ સામે ગુન્હો નોંધ્યા બાદ પોલીસ તપાસ દરમ્યાન જણાયેલ હતુ કે આ દસ આરોપીઓ સાથે અન્ય ૧૨ આરોપીઓ અસરકારક રીતે સંકળાયેલ છે અને તેઓ પણ નાનામોટા અંશે ૨૫૦૦ કરોડના કૌભાંડનાં સીધા લાભાર્થી છે. આ રીતે કુલ ૨૨-આરોપીઓ સામે પોલીસ તપાસ થયા બાદ ૧૦- આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવેલ જેમાંથી ૫-આરોપીઓએ ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજીઓ દાખલ કરેલ હતી.
આ ૫-આરોપીઓની ચાર્જશીટ બાદ રદ થયેલ રેગ્યુલર જામીન અરજીમાં આરોપી ઋષિત રૈયાણી, અદિલુદિન મહંમદ, હિરેન લીંબાસીયા, મનજીતસિંગ ચૌહાણ અને મયુરસિંહ વાઘેલાનાઓએ નિર્દોષ નાગરિકોને અયોગ્ય જગ્યાએ નાણા રોકાવી પોતાનુ મોટુ કમીશન મેળવી તેઓને નાણા પરત ન અપાવી કૌભાંડ કરેલ છે.
સફાઈ કામદાર જેવા સામાન્ય નાગરીકને લાખોની કમાણી થાશે તેવી લાલચ આપી તેમના ધંધાના રજીસ્ટ્રેશન માટે દસ્તાવેજો મેળવી તેઓની જાણ બહાર બેંકમાં ખાતા ખોલાવી તેઓની સહીના ખોટા નમુના રજુ કરી બનાવટી દસ્તાવેજો ઉભા કરેલ હોવાના આક્ષેપો હતા.
આરોપી તરફે જુદા જુદા વકિલશ્રીએ જામીન અરજીના સમર્થનમાં રજુઆતઓ કરેલી હતી કે, સરકારશ્રીએ દાખલ કરેલ આ ફોજદારી કેસમાં આરોપી વિરૂધ્ધ બેંકમાંથી પૈસા ઉપાડેલ હોવાનુ, કોઈ થાપણદારને ડીપોઝીટ કરાવવા જણાવેલ હોવાનુ, બેંક એકાઉન્ટ ખોલાવવા માટે કોઈને સમજાવટ કે દબાણ કરેલ હોવાનું તમામ પોલીસ પેપર્સમાં જણાતુ નથી. આ કારણે તમામ આરોપીઓ વિરૂધ્ધનો કેસ અને તેઓ સામે રજુ થયેલ ચાર્જશીટ પાયાવિહીન અને ગેરકાનુની છે.
શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી એસ. કે. વોરોએ રજુઆત કરી જણાવેલ હતુ કે, આ કેસમાં નેશનલ પોર્ટલની વિગતો તપાસતા ઘણા બધા બેંક ખાતાઓ અંગે સંખ્યાબંધ ફરીયાદો થયેલ છે. આ વિગતોના આધારે ખાતાધારકોનો સંપર્ક કરતા તેઓને આ ખાતાઓ અંગે કોઈ માહિતી નથી તેમ જણાવેલ છે અથવા આ બેંક ખાતાઓ ખોલવા માટે તેઓને માસિક રૂા.૧૫,૦૦૦/- આપવામાં આવે છે અને તેમના આ ખાતાનો ઉપયોગ આરોપીઓ કરે છે. આ મુજબની વિગતો મળતા ફરીયાદ દાખલ કરતી વખતે ૧૦ આરોપીઓ મળી આવેલ જેઓની ધરપકડ કર્યા બાદ તેમની રીમાન્ડ દરમ્યાન અલગ અલગ વ્યકિતઓના આ બેંક ખાતાઓનો તેઓ કેવી રીતે ઉપયોગ કરે છે તે જણાવેલ. આ રીતે આરોપીઓએ જણાવેલ વિગતોના આધારે આ કૌભાંડ આચરવામાં બેંક કર્મચારીઓ પણ સામેલ હોવાનુ જણાયેલ હતુ જેમાં બેંક કર્મચારીઓએ પણ અલગ અલગ વ્યક્તિઓના નામે તેમની જાણ બહાર બેંક ખાતાઓ ખોલી આપી તેને ગુરકાનુની ઉપયોગ કરવામાં મદદગારી કરેલ છે. શ્રી સરકાર તરફે રજુઆતમાં વધુ જણાવેલ કે, સાઈબર ફ્રોડ જેવા ગુન્હાઓમાં કોઈ વ્યકિત સામે સીધો પુરાવો ન હોય શકે. આવા ગુન્હાઓમાં સરકારશ્રીએ ફક્ત તેટલુ જ બતાવવાનું હોય છે કે ગુન્હો આચરવામાં આવેલ છે.
બેંક ખાતાધારકોને આ બેંક ખાતાની જાણ નથી અથવા આ ખાતુ ખોલાવનાર તરીકે અન્ય વ્યકિત છે, તેટલો જ માત્ર મૌખિક પુરાવો આરોપીની જામીન અરજી રદ કરવા માટે આ તબકકે પુરતો છે. શ્રી સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજશ્રી પી.જે.કાયસ્થ ૨૨ આરોપીઓમાંથી ૫-આરોપીઓએ રજુ કરેલ જામીન અરજીઓ રદ કરેલ છે.
સાઈબર ફોડની આજસુધીની આ સૌથી મોટી રકમના કૌભાંડમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરાએ દલીલો કરેલ હતી.
(3:32 PM IST)










