તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
કેરીનો રસ લઇને એક્ટીવા પર ઘરે જઇ રહેલું દંપતિ કારની ઠોકરે ખંડીતઃ નીશાબેનનું મોતઃ ભાવેશભાઇ અને પુત્રને ઇજા
રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા-કાળીપાટ વચ્ચે રાતે જીવલેણ અકસ્માતઃ બાંભણીયા પરિવારમાં કલ્પાંત : આજીડેમ પોલીસે મૃત્યુ પામનારના સસરા ધીરૂભાઇ બાંભણીયાની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો દાખલ કરાયો

રાજકોટ તા. ૨૬: વધુ એક જીવલેણ અકસ્માતમાં એક પરિવારનો માળો વેરવિખેર થયો છે. રાજકોટના ત્રંબા ગામે રહેતાં પતિ-પત્નિ ગઇકાલે ભીમ અગીયારસ હોઇ એક્ટીવા પર બેસી પોતાના પાંચ વર્ષના પુત્રને સાથે લઇ કેરીનો રેસ લેવા નીકળ્યું હતું. રસ લઇને પરત ઘરી જતી વખતે રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા-કાળીપાટ વચ્ચે તેનુ એક્ટીવા કારની ઠોકરે ચડી જતાં દંપતિ ખંડીત થયું હતું. પત્નિનું મોત થયું હતું અને પતિ, પુત્રને ઇજા થઇ હતી. આ બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ ત્રંબા ગામના ગઢકા રોડ પર આવેલી ગોલ્ડ કોઈન સોસાયટીમાં રહેતા અને કારખાનામાં નોકરી કરતાં ભાવેશભાઇ ધીરૂભાઇ બાંભણીયા-કોળી (ઉ.વ.૩૪) ગુરૂવારે ભીમ અગીયારસ હોઇ જેથી ઘરેથી એક્ટીવા જીજે૦૩પીકે-૧૩૧૯ લઇને તેમાં પત્નિ નીશાબેન બાંભણીયા (ઉ.વ.૩૨) અને પુત્ર કાનો (ઉ.વ.૩)ને બેસાડી ત્રંબા ગામમાં કેરીનો રસ અને ઘરનો બીજો સામાન લેવા માટે ગયા હતાં. ખરીદી કરી પરત પોતાના ઘરે જતાં હતાં ત્યારે રાતે સાડા આઠેક વાગ્યા આસપાસ રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા ગામ નજીક આવેલી ખોડીયાર હોટલ પાસે પહોંચ્યા, ત્યારે રાજકોટ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી એક ફોરવ્હીલ કારના ચાલકે એક્ટિવાને જોરદાર અડફેટે લીધું હતું.
અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા સવાર ત્રણેય રોડની સાઈડમાં ફેંકાઇ ગયા હતા અને ત્રણેયને માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ભાવેશભાઇના પિતા ધીરૂભાઈ અને તેમના પત્નિ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર કાર નં. જીજે૦૩એનએફ ૩૦૬૫નો ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મુકીને ભાગી ગયો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે અહિ નીશાબેનને તબિબે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. ભાવેશભાઇ અને તેના પુત્ર કાનાને સારવાર માટે દાખલ કરાયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એચ. એમ. ધરજીયાએ હોસ્પિટલે પહોંચી મૃતક નીશાબેનના સસરા ધીરૂભાઇ રાણાભાઇ બાંભણીયા (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધ્યો હતો અને શોધખોળ હાથ ધરી હતી. બનાવને પગલે બાંભણીયા પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.
(3:12 PM IST)










