તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
કૈલાસ માનસરોવર યાત્રાના ખર્ચમાં રૂા.૫૦ હજારથી વધુનો તોતિંગ વધારો, છતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ
શ્રદ્ધા કા દ્વાર હૈ ઉસ પાર, દર્શન કો જાના યહી હૈ પુકાર ; ભારતીય કિચન અને મે મહિનાથી જ યાત્રા શરૂ કરાવવા શિવવંદના ટ્રસ્ટની સફળ રજૂઆત; વધતા ખર્ચ વચ્ચે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ૧૦ હજાર ભક્તો જોડાશે

રાજકોટ : વિશ્વની સૌથી કઠિન ગણાતી કૈલાસ માનસરોવર યાત્રાને લઈને આ વર્ષે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચીની સત્તાવાળાઓ દ્વારા વિવિધ ચાર્જમાં કરવામાં આવેલા વધારાને કારણે ચાલુ વર્ષે યાત્રાના કુલ ખર્ચમાં ગત વર્ષની સરખામણીએ રૂા. ૫૦,૦૦૦ થી વધુનો વધાર્રોં થવાની શકયતા છે. જોકે, ખર્ચમાં વધારો થયો હોવા છતાં શ્રદ્ધાળુઓની આસ્થામાં કોઈ ઓટ આવી ન હોવાનું સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.
રાજકોટના ‘શ્રી શિવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ'ના મેનેજિંગ ટ્રસ્ટી અને ૩૫ વખત કૈલાસ યાત્રાનો અનુભવ ધરાવતા ડો. યશવંત ગોસ્વામી(મો. ૯૪ર૭૪૯પ૧૭પ)એ જણાવ્યું હતું કે, આયોજકો દ્વારા યાત્રા મોડી એટલે કે ૧૬ જૂનથી શરૂ કરવા અને ભારતીય કિચન પર પ્રતિબંધ મૂકવા જેવા યાત્રિક વિરોધી નિર્ણયો લેવાયા હતા. આ નિર્ણયો અંગેની જાણ પણ છેક એપ્રિલ મહિનામાં કરવામાં આવતા અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.
આ અન્યાયી નિર્ણયો વિરુદ્ધ ડો. ગોસ્વામીએ ચાઈનીઝ ગાઈડ, CIPSC અને પ્રતિનિધિ મંડળ સાથે સતત સંપર્ક કરી દસ દિવસ સુધી સઘન પ્રયત્નો કર્યા હતા. જેના પરિણામે ચીની સત્તાવાળાઓએ નમતું જોખ્યું છે અને હવે યાત્રા ‘મે મહિનાથી જ શરૂ' થશે. તેમજ યાત્રિકો પોતાની સાથે ભારતીય કિચન પણ રાખી શકશે.
પરમિટ ચાર્જમાં૧૨૦ યુએસ ડોલરનો વધારો. ગત વર્ષે ડોલરનો ભાવ રૂા. ૮૦ હતો, જે અત્યારે રૂા. ૯૫ સુધી પહોંચ્યો છે. ફ્લાઈટ ટિકિટ અને નેપાળ સાઈડના ખર્ચમાં વધારો થતા આ વર્ષે પ્રત્યેક યાત્રિકન ‘રૂા. ૩ લાખ કે તેથી વધુ' ખર્ચ થવાની સંભાવના છે.
નોંધનીય છે કે, ખર્ચના આંકડા વધવા છતાં શ્રદ્ધાનો વિજય થયો છે. એક અંદાજ મુજબ આ વર્ષે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી ૮ થી ૧૦ હજાર જેટલા યાત્રિકો ભોળાનાથના દર્શનાર્થે જોડાશે. યાત્રા અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ડો. યશવંત ગોસ્વામી (૯૪૨૭૪ ૯૫૧૭૫) નો સંપર્ક કરવા જણાવાયું છે.
(4:04 PM IST)










