News of Wednesday, 22nd April 2026
કોર્પોરેશન ચૂંટણીઃ રાજકોટના ખર્ચ નિરિક્ષક અમૃત પરમાર કાલે રાજકોટમાં: તમામ હિસાબો તપાસશેઃ મતગણતરી અંગે તાલીમ પૂર્ણ
કર્મચારીઓ-સ્ટાફ-પોલીસનું બેલેટ દ્વારા મતદાન શરૂ કરી દેવાયું: તંત્ર સાબદુ

રાજકોટ, તા.૨૨: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે રાજકોટમાં ચૂંટણી પ્રક્રિયાને પારદર્શી અને ન્યાયી બનાવવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક અમળત પરમાર આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા પ્રચાર-પ્રસારના ખર્ચ પર અંકુશ રાખવા અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે હેતુથી ખર્ચ નિરીક્ષક ખાસ તપાસ કરશે.નિરીક્ષક દ્વારા વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરની ચકાસણી કરવામાં આવશે.સ્થાનિક વહીવટી તંત્રની વીડિયો સર્વેલન્સ ટીમ અને વીડિયો વ્યૂઈંગ ટીમ સાથે બેઠક યોજીને અત્યાર સુધીના ખર્ચના આંકડા મેળવશે.નિયત મર્યાદા કરતા વધુ ખર્ચ કરનાર ઉમેદવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે પ્રચાર કાર્ય વેગ પકડ્યું છે. જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા નિરીક્ષકની મુલાકાતને લઈને તમામ આનુષંગિક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજીબાજુ ચૂંટણીના દિવસે જે કર્મચારીઓ પોતાની ફરજ પર હોવાને કારણે મતદાન મથક પર જઈ શકે તેમ નથી, તેમના માટે તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટની સુવિધા ઊભી કરવામાં આવી હતી .રાજકોટ કલેક્ટર કચેરી અને નિયત કરાયેલા ફેસિલિટેશન સેન્ટરો પર જપોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરી દેવાયુ છે. જેમાં પોલીસ કર્મીઓ, હોમગાર્ડ્સ, ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા શિક્ષકો અને મહેસૂલી કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહયા છે. દરમિયાન જેના ભાગરૂપે આજે રાજકોટમાં મતગણતરીની પ્રક્રિયામાં જોડાનારા કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મતોની ગણતરી વખતે EVM માંથી ડેટા કેવી રીતે મેળવવો અને ટેબ્યુલેશન શીટમાં તેની એન્ટ્રી કેવી રીતે કરવી તેની પ્રેક્ટિકલ સમજૂતી આપવામાં આવી હતી.ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ અને સિનિયર સિટિઝન્સના પોસ્ટલ બેલેટની ગણતરી માટેના ખાસ નિયમો સમજાવવામાં આવ્યા હતા.ગણતરીના આંકડાઓને ઓનલાઈન પોર્ટલ પર અપડેટ કરવાની પ્રક્રિયા અંગે પણ આઈટી નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું હતું
(3:48 PM IST)










