તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
કોર્પોરેશન ચૂંટણીઃ ૬ સ્થળે મતગણત્રી થશેઃ કાઉન્ટીંગ હોલમાં ૧૪ ટેબલો રાખવા આદેશોઃ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા
કાલથી મતગણત્રી સ્ટાફના ઓર્ડરોઃ ૫૦૦થી વધૂના ઓર્ડરો નીકળશેઃ મતગણત્રી સવારે ૮ વાગ્યે ૨૮મીએ ચાલૂ થશે : તમામ મતગણત્રી સ્થળના સ્ટ્રોંગરૂમ ઉપર રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્તઃ જાળીવાળી બેરીકેટ બનાવવાનું શરૂ

રાજકોટ તા.૧૫: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, રાજકોટ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સંસ્થાઓનું મતદાન ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ઈવીએમ મશીનો દ્વારા યોજાશે, જ્યારે મતગણતરી ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ થશે.ત્યારે રાજ્યચુંટણી પંચના આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડના આરઓ-એઆરઓ દ્વારા આજે બપોરબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા મતગણતરી અંગેની તૈયારીનો ધમધમાટ શરૂ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, મતગણતરી માટે એક હોલમાં વધુમાં વધુ ૧૪ ટેબલ રાખવાની સૂચના આપવામાં આવી છે તેમજ દરેક ટેબલ પર ત્રણ કર્મીઓનો સ્ટાફ તૈનાત રહેશે. દરેક જગ્યાએ જાળી વાળા બેરીકેટ તૈયાર કરવામાં આવી રહયા છે, અને જેને લઇ આરઓ-એઆરઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ કાલે મતગણતરી માટેના સ્ટાફના ઓર્ડરો કાઢવામાં આવશે.
આ સિવાય રાજકોટના તમામ છ મતગણતરી સ્થળોએ અલગથી સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવશે.મતદાન પછી ઈવીએમને સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. મતગણતરી દિવસે વીડિયોગ્રાફી અને ઉમેદવારો/એજન્ટ્સની હાજરીમાં પ્રક્રિયા થશે.અને તે માટે પોલીસ અને સીઆરપીએફ જવાનોનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવશે તે માટે કાલથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.
રાજકોટ મ્યુ. કોર્પો.ની ૧૮ વોર્ડની ચૂંટણી માટે વોટીંગ મશીન (ઇવીએમ)ના ડીસ્પેચીંગથી લઇ મતગણતરી માટે છ સેન્ટરો નિયત કરી દેવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં. ૧ થી ૩ની મતગણતરી પાંધી કોલેજ ખાતે યોજાશે. આ ત્રણેય વોર્ડના વોટીંગ મશીનની ડીસ્પેચીંગ અને રીસીવીંગની કામગીરી પાંધી કોલેજ ખાતે થશે.
આવી જ રીતે વોર્ડ નં. ૪ થી ૬ની મતગણતરી ચૌધરી હાઇસ્કૂલ ખાતે થશે. આ ત્રણ વોર્ડના વોટીંગ મશીનની ડીસ્પેચીંગ-રીસીવીંગની કામગીરી પણ ચૌધરી હાઇસ્કૂલ ખાતેથી થશે. જ્યારે વોર્ડ નં. ૭ થી ૯ની મત ગણતરી વિરાણી હાઇસ્કૂલ ખાતે થશે. વોર્ડ નં. ૧૦ થી ૧૨ની મતગણતરી એવીપીટી કોલેજ, વોર્ડ નં.૧૩ થી ૧૫ની મતગણતરી જસાણી હાઇસ્કૂલ (ગોંડલ રોડ) અને વોર્ડ નં. ૧૬ થી ૧૮ની મતગણતરી રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ ખાતે થશે. મત ગણતરી સેન્ટર જ જે તે વોર્ડના વોટીંગ મશીનનું ડીસ્પેચીંગ અને કલેક્શન સેન્ટર રહેશે. ૨૫મીએ બપોરે ર વાગ્યે તમામ પ્રિસાઇડીંગ- પોલીસ ઓફીસરો સહિતનો સ્ટાફ જે તે બૂથ ઉપર રવાના થશે, રાત્રી રોકાણ ત્યાં જ કરશે, સવારે ૬ વાગ્યે મોકપોલ થશે, ૨૬મીએ સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થશે, ૨૮ મીએ મતગણત્રી ક્રમાનુસાર વોર્ડની ગણત્રી કરાશે. દા.ત. વોર્ડ નં.૧ની ગણત્રી પૂર્ણ થયા બાદ વોર્ડ નં.ર અને ત્યારબાદ વોર્ડ નં.૩ની ગણત્રી થશે.(૨
(2:44 PM IST)










