News of Friday, 27th November 2026
કોપર વાયરે આપ્યો ‘કરંટ' : તાલુકા પોલીસે વાયર ચોરનારા ૩ને પકડયા
મોટામવામાં વાઇટ હેવન સાઇટ પર ચોરી કરી'તી : પી.આઇ. એસ.આર. મેઘાણી, પીએસઆઇ એમ.એમ. મહારાજ અને ટીમ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા. ર૭ : મોટામવામાં ગુરૂમાર્ગ પર તુલશી ગ્રીન પાસે આવેલા વાઇટ હેવન નામની સાઇટ ઉપરથી રૂા. ૪૧ હજારના કોપર વાયરની ચોરી કરવાના ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાખી ત્રણ તસ્કરોને ઝડપી લઇ રૂા. ૪૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ, મોટામવામાં ગુરૂમાર્ગ પર વાઇટ હેવન નામના બિલ્ડીંગ પાસેથી તસ્કરો રૂા. ૪૧,૬૦૦ ની કિંમતનો કોપર કેબલ ચોરી ગયાની દેવાંગભાઇ પીપળીયા (ઉ.વ.૩ર) રહે. કેવડાવાડીએ ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ તાલુકા પોલીસના પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબારીમાં પીએસઆઇ એમ.એચ. મહારાજ અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. બળભદ્રસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા અને વનરાજભાઇ લાવડીયાને બાતમી મળી હતી કે ત્રણ શકમંદો ચોરીના કોપર વાયર સાથે કણકોટ રોડ પર રઘુકુલવન તરફ જવાના રસ્તે બાઇક સાથે ઉભા છે જેને લઇ ટીમે ત્યાં પહોંચી ત્રણેય શખ્સો હાર્દિક શિવાભાઇ સીપરીયા (રહે. અમરનગર, ચંદ્રેશનગર મેઇન રોડ), બ્રિજેશ સુરેશભાઇ કીયાડા (કેવડાવાડી, કેનાલ રોડ) અને ધર્મેશ રાજેશભાઇ ડાભી (રહે. સમજુ પાર્ક, નવાગામ) ને પકડી રૂા. ૧૩ હજારનો ૧૩ કિલો કોપર વાયર અને બાઇક સહિત રૂા. ૪૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પુછપરછમાં આરોપીઓએ કોપર વાયર અને બાઇક સહિત રૂા.સ ૪૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પુછપરછમાં આરોપીઓએ કોપર વાયર વાઇટહેવન સાઇટ પરથી ચોરી કર્યાની કેફીયત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરાઇ છે. આરોપી હાર્દિક અગાઉ દારૂ અને અપહરણના જયારે બ્રિજેશ દારૂ સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.
આ કામગીરી પોલીસ ઇન્સ. એ.આર. મેઘાણી તથા પો. સબ. ઇન્સ. એમ.એચ. મહારાજ તથા એ.એસ.આઇ. ક્રિપાલસિંહ ઝાલા તથા પો. હેડ કોન્સ. અજયભાઇ ભુંડીયા તથા બ્રિજરાજસિંહ ગોહિલ તથા અક્ષયભાઇ નાથાણી તથા પો. કોન્સ. બળભદ્રસિંહ જાડેજા તથા વનરાજભાઇ લાવડીયા તથા ઉગાભાઇ બાળા તથા જયપાલસિંહ સરવૈયા તથા કરણભાઇ જાદવ તથા કુલદીપસિંહ જાડેજા તથા મુકેશભાઇ ડાંગર કરી હતી.
(2:48 PM IST)










