<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

અવધ રોડ પર બાંધકામ સાઇટ પર હૃદય બેસી જતાં કોન્‍ટ્રાક્‍ટરનું મૃત્‍યુ

રેલનગર સુંદરમ્‌ સીટીના પંચાવન વર્ષના કમલભાઇ વેગડ ઢળી પડયા બાદ સિવિલ હોસ્‍પિટલમાં મૃત્‍યુઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: હૃદય બેસી જવાથી મૃત્‍યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક બનાવમાં એક પરિવારના મોભીના શ્વાસ થંભી ગયા છે. રેલનગરમાં રહેતાં બાંધકામ કોન્‍ટ્રાક્‍ટર અવધ રોડ પર સાઇટ પર હતાં ત્‍યારે ઢળી પડયા બાદ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર સુંદરમ્‌ સીટીમાં રહેતાં કમલભાઇ હિમતભાઇ વેગડ-કડીયા (ઉ.વ.૫૫) સાંજે સાડા પાંચેક વાગ્‍યે કાલાવડ રોડ અવધ રોડ પર ગોલ ટ્રોય નામે બાંધકામની સાઇટ ચાલુ હોઇ ત્‍યાં કોન્‍ટ્રાક્‍ટર તરીકે નોકરી પર હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર કમલભાઇ ચાર ભાઇમાં બીજા હતાં અને બાંધકામ કોન્‍ટ્રાક્‍ટર તરીકે કામ કરતાં હતાં. સંતાનમાં એક દિકરો છે. હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ થયાનું સગાએ જણાવ્‍યું હતું.

બેભાન હાલતમાં લક્ષ્મીનગરના અશ્વીનભાઇ અને વિરમાયા પ્‍લોટના રામજીભાઇના મૃત્‍યુ

લક્ષ્મીનગર-૬માં રહેતાં અશ્વીનભાઇ રાજુભાઇ વાઘેલા (ઉ.વ.૫૨) તથા વિરમાયા પ્‍લોટ-૪માં રહેતાં રામજીભાઇ મેઘજીભાઇ રાઠોડ (ઉ.વ.૬૬) પોત પોતાના ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેના મૃત્‍યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. અશ્વીનભાઇને સંતાનમાં એક દિકરો છે, પોતે સુથારી કામ કરતાં હતાં. જ્‍યારે રામજીભાઇને એક દિકરી અને બે દિકરા છે. પોતે સિક્‍યુરીટીની નોકરી કરતાં હતાં. બંનેને કેન્‍સરની બિમારી હોવાનું સગાઓએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર અને પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.  

(11:31 AM IST)