તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વિઝીટર્સ ગેલેરીનું નિર્માણઃ તુષાર સુમેરા
લોકોને સમગ્ર શુધ્ધીકરણ પ્રક્રીયાનો વ્યાપક પરિચય મળી શકશેઃ મ્યુ.કમિશનરની સ્થળ મુલાકાત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની સાથે જ પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા અંગે જનજાગળતિ અને શૈક્ષણિક અભિગમને પ્રોત્સાહન આપવા માટે વિવિધ નવીન પહેલ કરવામાં આવી રહી છે. આ જ દિશામાં રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ હસ્તકના રૈયાધાર સ્થિત ૧૦૦ MLD ક્ષમતાવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંકુલમાં નિર્માણાધીન વિઝિટર્સ ગેલરી (Planet H2O)નું કામ પ્રગતિ હેઠળ છે. ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવનાર છે.આ સંદર્ભે આજ તા.૨૨ના રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા નિર્માણાધીન વિઝિટર્સ ગેલરીની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી તેમજ ગેલરીને વધુ આધુનિક, માહિતીસભર અને શૈક્ષણિક દૃષ્ટિએ ઉપયોગી બનાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.મ્યુનિસિપલ કમિશને જણાવ્યું હતું કે રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતે દર વર્ષે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રના તાલીમાર્થીઓ આવે છે. આ તમામ મુલાકાતીઓને પાણીના શુદ્ધિકરણની સંપૂર્ણ પ્રક્રિયા સરળ અને વૈજ્ઞાનિક રીતે સમજાય તેમજ શહેરને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા પાછળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીનો વ્યાપક પરિચય મળી રહે તે હેતુથી Planet H2Oનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ મુલાકાત દરમિયાન વોટર મેનેજમેન્ટ યુનિટના એડી. સિટી એન્જિનિયર કે.પી. દેથરીયા, પી.એ. (ટેક.) ટુ કમિશનર એચ.એસ. દવે, વોટર મેનેજમેન્ટ યુનિટના નાયબ કાર્યપાલક ઇજનેર વી.એચ. ઉમટ, નાયબ કાર્યપાલક ઇજનેરજે.એ. ઝાલા તેમજ એડી. આસિસ્ટન્ટ એન્જિનિયરશ્રી એ.એમ. કંઝારિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નિર્માણાધીન કામગીરી અંગે જરૂરી માહિતી પ્રસ્તુત કરી હતી.
(3:19 PM IST)










