News of Thursday, 1st October 2026
મહિલાઓ માટે શૌચાલય નિર્માણઃ ફરતા પુસ્તકાલયમાં બે વાહન વધારાશે
સ્ટેન્ડીંગમાં સ્વચ્છતા અને જ્ઞાનના સમન્વયલક્ષી દરખાસ્ત : શનિવારે મહોર લાગશે સર્વેશ્વર ચોકમાં ર૬.૩પ લાખના ખર્ચે આધુનિક પીંક ટોયલેટ બનાવવા તથા ૬૦.૪૦ લાખના ખર્ચે ફરતા પુસ્તકાલય માટે વાહન ખરીદવા કરાશે નિર્ણય : રેલનગર વિસ્તારમાં ર૦.પ૩ લાખના ખર્ચે પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા સહિતની ર૧ દરખાસ્તોનો કરાશે નિર્ણય

રાજકોટ, તા. ૧: મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આગામી શનિવાર, તા. ૩ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૩૦ કલાકે મળનાર પરેશ પીપળીયાની બેઠકમાં વિકાસકામો, વાહન ખરીદી, કર્મચારીઓને આર્થિક સહાય, કોન્ટ્રાક્ટ, દુકાનોની હરાજી અને ધાર્મિક કાર્યક્રમ માટે વિનામૂલ્યે જગ્યા ફાળવવા સહિત કુલ ૨૧ દરખાસ્તો પર ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.
મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી મીટીંગ શનીવારે સવારે ૧૧:૩૦ કલાકે કચેરીના પ્રથમ માળે આવેલ સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ રૂમમાં સ્ટે.ચેરમેન પરેશ પીપળીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.
પુસ્તકાલય માટે વાહન ખરીદી!!
મહાનગરપાલિકાની લાઇબ્રેરી શાખા દ્વારા મહિલાઓ અને બાળકોને ઘરઆંગણે પુસ્તકો ઉપલબ્ધ કરાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં ‘હરતું-ફરતું પુસ્તકાલય' ચલાવવામાં આવે છે. હાલમાં યુનિટ-૧ અને યુનિટ-૨ એમ બે ફરતાં પુસ્તકાલય વાહન કાર્યરત છે. આ વાહનો દ્વારા વેસ્ટ ઝોનના ૩૧, સેન્ટ્રલ ઝોનના ૧૩ અને ઇસ્ટ ઝોનના પાંચ મળી શહેરના કુલ ૪૯ વિસ્તારોમાં પુસ્તકાલયની સેવા પૂરી પાડવામાં આવે છે.
હાલનાં બંને લાઇબ્રેરી વાહન નવેમ્બર-૨૦૨૬માં ૧૫ વર્ષ પૂર્ણ કરશે. સરકારની વ્હીકલ સ્ક્રેપિંગ નીતિ મુજબ ૧૫ વર્ષથી જૂનાં વાહનોનો ઉપયોગ થઈ શકતો ન હોવાથી લાઇબ્રેરી સેવા સતત ચાલુ રાખવા બે નવાં વાહન ખરીદવાની જરૂરિયાત ઊભી થઈ છે.
બે નવાં ફરતાં પુસ્તકાલય વાહન ખરીદવા રૂ. ૫૫.૧૪ લાખનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો. જીઈએમ પોર્ટલ પર ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયામાં એકમાત્ર મે. લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સની ઓફર આવી હતી. એજન્સીએ અંદાજ કરતાં ૭.૨૬ ટકા નીચો રૂ. ૫૦,૪૦,૫૦૦નો ભાવ રજૂ કર્યો છે, જેને મંજૂરી આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે.
‘સવેશ્વર ચોકમાં આધુનિક ‘પિંક ટોઇલેટ'
શહેરના વોર્ડ નં. ૭માં સર્વેશ્વર ચોક ખાતે વોકળા પાસે મહિલાઓ માટે આધુનિક પિંક ટોઇલેટ બ્લોક બનાવવાની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં સામેલ છે. સદરહુ વિસ્તાર કોમર્શિયલ અને ગીચ હોવા છતાં આસપાસ કોઈ જાહેર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ નથી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને ધારાસભ્યની માગણીના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવશે.
આ પિંક ટોઇલેટ આશરે ૧૦૦ ચોરસ મીટર વિસ્તારમાં બનાવાશે. તેમાં માત્ર મહિલાઓ માટે ચેન્જિંગ રૂમ, દિવ્યાંગ મહિલાઓ માટે ખાસ ટોઇલેટ, બેબી ફીડિંગ રૂમ, કેરટેકર રૂમ સહિતની સુવિધાઓ રહેશે. આ સુવિધાનો લાભ યાજ્ઞિક રોડ, જૂનું અને નવું જાગનાથ, સરદારનગર સહિતના આસપાસના વિસ્તારોની મહિલાઓને મળશે.
પિંક ટોઇલેટ માટે રૂ. ૨૪,૫૩,૪૦૦નો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો. ટેન્ડર પ્રક્રિયામાં એકમાત્ર રાહોડ કન્સ્ટ્રક્શન એજન્સીએ અંદાજ કરતાં ૭ ટકા વધુ ભાવ રજૂ કરતાં કુલ રૂ. ૨૬,૩૫,૮૦૪ના ખર્ચે કામ સોંપવાની દરખાસ્ત રજૂ થઈ છે.
રોડ ડિવાઇડર અને સર્કલ પાછળ રૂ. ૪.૧૦ કરોડ
શહેરના સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં આવેલા રોડ ડિવાઇડર, ટ્રાફિક જંક્શનના આઇલેન્ડ અને સર્કલની દ્વિવાર્ષિક જાળવણી પાછળ કુલ રૂ. ૪,૧૦,૩૮,૬૭૦નો ખર્ચ કરવાની દરખાસ્ત રજૂ થઈ છે. સેન્ટ્રલ ઝોનમાં રૂ. ૧,૨૫,૮૪,૦૪૪, ઇસ્ટ ઝોનમાં રૂ. ૧,૩૦,૭૪,૩૧૪ અને વેસ્ટ ઝોનમાં રૂ. ૧,૫૩,૮૦,૩૧૨નો ખર્ચ કરવામાં આવશે.
આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં વોર્ડ નં. ૩માં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહની વર્ષ ૨૦૨૪-૨૫ની ગ્રાન્ટમાંથી જુદી જુદી જગ્યાએ રોડ, સી.સી. તથા અન્ય મેશનરી કામ માટે અંદાજે રૂ. ૧૯.૫૪ લાખનો કોન્ટ્રાક્ટ આપવા અંગે નિર્ણય લેવાશે. આ ઉપરાંત રેલનગરમાં સંતોષનગર મેઇન રોડ પર આંગણવાડીની બાજુના પ્લોટમાં ‘પે એન્ડ યુઝ' ટોઇલેટ રૂ. ૨૦,૫૩,૩૩૦ ખર્ચે બનાવવો.
વોર્ડ નં. ૯માં ભગવતી ગટર ફરિયાદના નિકાલ માટેના કામ પાછળ રૂ. ૨૯,૫૭,૬૭૨ તથા વોર્ડ નં. ૫માં રોડ કામ પાછળ રૂ. ૨૯,૩૫,૬૦૦ ખર્ચ બનાવવા, મહાનગરપાલિકા માટે સ્થાપિત જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મ્યુનિસિપલ કોર્ટને હાલની સ્થિતિએ ચાલુ રાખવા તથા વાર્ષિક અંદાજિત રૂ. ૧.૧૩ કરોડના પગારખર્ચને મંજૂરી આપવા તથા રાજકોટ સ્પોટર્સ પ્રોમશન ફાઉન્ડેશનની મુદત વધુ બે વર્ષ લંબાવવા. પ્રાકૃતિક કૃષિપેદાશોના વેચાણ માટે પ્રમાણિત ખેડૂતોને જગ્યા ફાળવવા સહિતની દરખાસ્ત અંગે નિર્ણય કરવામાં આવશે.
(3:30 PM IST)










