<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

કટારિયા ચોકડીના ડાયવર્ઝન વચ્‍ચે નવરાત્રીનો ટ્રાફિક પડકાર નિવારવા કોંગ્રેસની રજૂઆત

રોહિતસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો ટ્રાફિક DCPને રૂબરૂ મળ્‍યાઃ કટારિયા ચોકડીના ડાયવર્ઝન વચ્‍ચે હજારો વાહનોના સંભવિત ધસારાને લઈ આગોતરા ટ્રાફિક આયોજન, પાર્કિંગ અને વધારાના ટ્રાફિક પોલીસની તૈનાતી અંગે રજૂઆત : કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ પર એકસાથે અંદાજે ૧૦,૦૦૦ ફોર-વ્‍હીલર-ટુ-વ્‍હીલરનો પ્રવાહ રહે તેવી શકયતાઃ ડાયવર્ઝન રૂટ પર પાર્કિંગથી લઈને વન-વે સુધીની વ્‍યવસ્‍થા અત્‍યારથી નક્કી કરવા રજૂઆત

રાજકોટ તા.૮: રાજકોટના કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ પર કટારિયા ચોકડી ખાતે ઓવરબ્રિજનું કામ હાલ પ્રગતિમાં હોવાથી વાહનચાલકો માટે વિવિધ દિશામાં ડાયવર્ઝન આપવામાં આવ્‍યા છે. બીજી તરફ આગામી નવરાત્રી દરમિયાન કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ પર અનેક મોટા નવરાત્રીના આયોજનો યોજાવાના હોવાથી રાત્રિના પીક અવર્સમાં આ ડાયવર્ઝન રૂટ પર વાહનોનું ભારણ ખૂબ વધી શકે છે. આ સમગ્ર પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને રોહિત રાજપૂત અને કોંગ્રેસના યુવા આગેવાનોએ રાજકોટ શહેર ટ્રાફિક વિભાગના DCPને રૂબરૂ મળી આગોતરા ટ્રાફિક આયોજન કરવા રજૂઆત કરી છે.

રૂબરૂ રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્‍યું હતું કે કટારિયા ચોકડીના નિર્માણાધીન ઓવરબ્રિજને કારણે હાલમાં જ ડાયવર્ઝન રૂટ પર વાહનવ્‍યવહાર ચાલી રહ્યો છે. આવા સમયે નવરાત્રી દરમિયાન એકસાથે મોટી સંખ્‍યામાં રાજકોટવાસીઓ પોતાના વાહનો લઈને ગરબા સ્‍થળોએ પહોંચશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એકસાથે પરત ફરશે. પરિણામે ખાસ કરીને રાત્રિના પીક અવર્સમાં ડાયવર્ઝન રૂટ પર ટ્રાફિકની ગતિ ધીમી થવાની અને વિવિધ જંકશન પર વાહનોની લાંબી કતારો સર્જાવાની શકયતા છે. તેથી ટ્રાફિક જામ થયા બાદ વ્‍યવસ્‍થા કરવાને બદલે અત્‍યારથી જ રૂટનું પરીક્ષણ કરીને જરૂરી આયોજન કરવું જરૂરી છે.

રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ પર યોજાનારા તમામ મોટા નવરાત્રીના આયોજનોની ટ્રાફિકની દૃષ્ટિએ ઓળખ કરી દરેક સ્‍થળનું ટ્રાફિક ઓડિટ કરવામાં આવે. ખાસ કરીને આયોજન સ્‍થળે કેટલા વાહનો આવી શકે, વાહનો કયાં પાર્ક થશે, એન્‍ટ્રી અને એક્‍ઝિટ કયા રસ્‍તેથી રહેશે તથા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાહનો કઈ દિશામાં જશે તેની આગોતરી વ્‍યવસ્‍થા નક્કી કરવામાં આવે.

વધુમાં જણાવાયું હતું કે માત્ર નવરાત્રીના આયોજન સ્‍થળો જ નહીં પરંતુ કટારિયા ચોકડીના ડાયવર્ઝન રૂટ પર આવેલા રેસ્‍ટોરન્‍ટ, કાફે, ચાની હોટલો અને અન્‍ય વ્‍યવસાયિક સ્‍થળોની પણ પાર્કિંગ વ્‍યવસ્‍થા તપાસવી જરૂરી છે. રોડ પર વાહનો પાર્ક થવાથી ડાયવર્ઝન રૂટની વાહન ક્ષમતા વધુ ઘટી શકે છે. તેથી આવા વ્‍યવસાયિક એકમોને પણ રોડ પર ર્પાકિંગ ન થાય તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવે.

કોંગ્રેસના યુવા આગેવાનોએ નવરાત્રીના તમામ મોટા આયોજકો સાથે ટ્રાફિક પોલીસની આગોતરી બેઠક યોજવાની પણ માંગ કરી છે. દરેક આયોજકને પોતાના આયોજન સ્‍થળ માટે આવવા અને જવા માટેના ચોક્કસ રૂટ, એન્‍ટ્રી-એક્‍ઝિટ તથા ર્પાકિંગ વ્‍યવસ્‍થા અંગે ખેલૈયાઓ અને મુલાકાતીઓને અગાઉથી સૂચના આપવા જણાવવામાં આવે, જેથી એક જ માર્ગ પર તમામ વાહનોનો ધસારો ન સર્જાય.

રજૂઆતમાં ખાસ કરીને કટારિયા ચોકડી, મુંજકા ચોકડી, પરસાણા ચોક, કોટેચા ચોક, કે.કે.વી. હોલ, સ્‍પીડવેલ ચોક સહિતના ટ્રાફિક સંવેદનશીલ વિસ્‍તારોમાં નવરાત્રીના રાત્રિના પીક અવર્સ દરમિયાન વધારાના ટ્રાફિક પોલીસ જવાનો તથા ટ્રાફિક બ્રિગેડિયરોની ખાસ ડ્‍યુટી ગોઠવવાની માંગ કરવામાં આવી છે. આ વિસ્‍તારોમાં ટ્રાફિકના પ્રવાહ પ્રમાણે સ્‍થળ પર જ નિર્ણય લઈ વાહનવ્‍યવહારને સતત ગતિમાન રાખવાની વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

ટ્રાફિક વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા નવરાત્રી પહેલાં સમગ્ર ડાયવર્ઝન રૂટનું સ્‍થળ પર રૂટ પરીક્ષણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જ્‍યાં જરૂરી જણાય ત્‍યાં બેરીકેટિંગ, દિશા દર્શાવતા સાઇનેજ, સ્‍ટોપ પોઈન્‍ટ તથા અન્‍ય ટ્રાફિક નિયંત્રણની વ્‍યવસ્‍થા કરવામાં આવે. કોઈ ચોક્કસ સમયે વાહનોનો ધસારો એક દિશામાં વધુ હોય તો પરિસ્‍થિતિ અનુસાર આવક-જાવક માટે વન-વે અથવા નિયંત્રિત ટ્રાફિક વ્‍યવસ્‍થા અમલમાં મૂકવા અંગે આગોતરી જાહેરાત કરવામાં આવે.

કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ પર યોજાનારા મોટા આયોજનો અંગે જણાવાયું હતું કે નવમ - સરાઝા હોટેલ, રાસ વિલા - ડ્રાઇવ ઇન સિનેમા, MGM - સીઝન્‍સ હોટેલ, તાલ - મોમેન્‍ટ્‍સ પાર્ટી પ્‍લોટ, કાલરાત્રી - ફિનિક્‍સની સામે કાલાવડ રોડ, UD - રિંગ રોડ-૨, નવરાત - વિશ્વા પાર્ટી પ્‍લોટ મુંજકા, UV - રિંગ રોડ-૨, ખોડલધામ - રિંગ રોડ-૨ અને AGM - રિંગ રોડ-૨ સહિતના મોટા આયોજનો યોજાનાર છે. આ ઉપરાંત પણ અનેક નાના-મોટા કાર્યક્રમો યોજાવાના હોવાથી સમગ્ર વિસ્‍તારનું સંકલિત ટ્રાફિક આયોજન જરૂરી છે.

વધુમાં જણાવાયું હતું કે નવરાત્રી દરમિયાન ટ્રાફિક વ્‍યવસ્‍થા માત્ર પોલીસની જવાબદારી ન રહે પરંતુ આયોજકો અને નાગરિકોની પણ સહભાગિતા જરૂરી છે. તેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજકો સાથે સંકલન કરીને એક ખાસ ટ્રાફિક અવેરનેસ અભિયાન હાથ ધરવામાં આવે અને નવરાત્રી પહેલાં પત્રકાર પરિષદ યોજી રાજકોટવાસીઓને નિયત ર્પાકિંગમાં વાહન પાર્ક કરવા, ડાયવર્ઝનનું પાલન કરવા, વૈકલ્‍પિક માર્ગોનો ઉપયોગ કરવા તથા ટ્રાફિક પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવે.

રોહિત રાજપૂત અને કોંગ્રેસના યુવા આગેવાનોએ અંતમાં જણાવ્‍યું હતું કે, નવરાત્રી રાજકોટ માટે ઉત્‍સવનો સમય છે અને લાખો લોકો આ તહેવારમાં ભાગ લે છે. આ વર્ષે કટારિયા ચોકડીનું ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન રૂટ પર વધનારા ટ્રાફિકને ધ્‍યાનમાં રાખીને ‘ટ્રાફિક જામ થયા પછીની વ્‍યવસ્‍થા' નહીં પરંતુ ‘ટ્રાફિક જામ થાય જ નહીં તેવું આગોતરું આયોજન' કરવું જરૂરી છે. રાજકોટવાસીઓને નવરાત્રી દરમિયાન કોઈ મુશ્‍કેલી ન પડે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા અત્‍યારથી જ સમગ્ર રૂટનું પરીક્ષણ કરી અસરકારક વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી અમારી માંગ છે.

(3:42 PM IST)