<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મામલે કોંગ્રેસ મેદાનેઃ સ્‍વતંત્ર SIT તપાસની માંગ

રજૂ થયેલા બિલો વાસ્‍તવિક છે કે બનાવટી તેની નિષ્‍પક્ષ તપાસ કરવા સહિતના મુદે વિપક્ષની ડેપ્‍યુટી કમિશનર ચેતન નંદાણીને શહેર પ્રમુખ રાજદિપસિંહ જાડેજાની આગેવાનીમાં રજૂઆત

 

 

રજૂઆત : જંગલેશ્વર મેગાડિમોલીશન દરમિયાન થયેલા ખર્ચમાં નિષ્‍પક્ષ, પારદર્શક અને સ્‍વતંત્ર તપાસ કરવા સહિતના મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાની આગેવાનીમાં  વેસ્‍ટ ઝોન કચેરી ખાતે ડેપ્‍યુટી કમિશનર ચેતન નંદાણીને આવેદન પત્ર પાઠવવામાં આવ્‍યું હતું. તૈ વખતની તસ્‍વીર.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૬.૧૪)

રાજકોટ, તા. ૩૦: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા તેમજ પ્રદેશ ના આગેવાનો દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી જંગલેશ્વર મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં સામે આવેલા કથિત ભ્રષ્ટાચાર અંગે સ્‍વતંત્ર, નિષ્‍પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનમાં જણાવવામાં આવ્‍યું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્‍તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા સહિત વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો સામે આવ્‍યા છે, જેના કારણે સમગ્ર શહેરમાં અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. જનતાના પરસેવાના પૈસાનો આ પ્રકારનો ખર્ચ ખરેખર જરૂરી હતો કે નહીં અને રજૂ થયેલા બિલો વાસ્‍તવિક છે કે બનાવટી તેની નિષ્‍પક્ષ તપાસ થવી જરૂરી છે.

કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર મામલાની તપાસ માત્ર મહાનગરપાલિકાની આંતરિક સમિતિ દ્વારા નહીં, પરંતુ સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમ (SIT) અથવા નિવળત્ત ન્‍યાયાધીશના અધ્‍યક્ષસ્‍થાને રચાયેલી સ્‍વતંત્ર તપાસ સમિતિ દ્વારા કરવામાં આવે. સાથે જ ડિમોલિશન દરમિયાન થયેલા તમામ ખર્ચ, બિલો, ટેન્‍ડરો, વર્ક ઓર્ડરો, કોન્‍ટ્રાક્‍ટ અને ચુકવણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે.

કોંગ્રેસે વધુમાં માંગ કરી છે કે તપાસ દરમિયાન જો અધિકારીઓ, કર્મચારીઓ, કોન્‍ટ્રાકટરો અથવા અન્‍ય કોઈ વ્‍યક્‍તિની મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ અથવા ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવે તો તેમની સામે તાત્‍કાલિક ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકારી તિજોરીને થયેલા નુકસાનની વસૂલાત જવાબદાર વ્‍યક્‍તિઓ પાસેથી કરવામાં આવે.

ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે જાહેર નાણાં એ જનતાની અમાનત છે અને તેનો એક-એક રૂપિયો જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્નિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું ઢાંકપીછોડું કર્યા વિના સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરીને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની સ્‍પષ્ટ અને મક્કમ માંગ છે. ડૉ. રાજદીપસિંહ જાડેજા સહિત આ રજુઆતમાં મહેશભાઈ રાજપૂત, હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, વશરામભાઈ સાગઠીયા, અતુલભાઇ રાજાણી, ડી.પી. મકવાણા, સંજય અજુડીરીયા, અર્જુનભાઈ ચૌહાણ, મકબુલ ભાઈ દાઉદાની ઇબ્રાહિમભાઈ સોરા, ગોપાલભાઈ અનડકટ, દિપ્તીબેન સોલંકી, રસીલાબેન ગરૈયા, મનીષાબેન રોજાસરા, સુધાબા વાઘેલા નીતિનભાઈ ભંડેરી, વૈશાલી શિંદે,આદિત્‍ય સિંહ ગોહિલ,મેહુલ મકવાણા, તુષાર નંદાણી વગેરે આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(૬.૧પ)

કોંગ્રેસની મુખ્‍ય માંગણીઓ

*નિવૃત ન્‍યાયાધીશની અધ્‍યક્ષતામાં અથવા SIT દ્વારા સ્‍વતંત્ર તપાસ.

*તમામ બિલો, ટેન્‍ડરો, વર્ક ઓર્ડરો અને પેમેન્‍ટની વિગતો જાહેર કરવી.

* સમગ્ર ખર્ચની ફોરેન્‍સિક ઓડિટ કરાવવી.

* દોષિત અધિકારીઓ, કર્મચારીઓ અને  કોન્‍ટ્રાકટરો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવી.

* સમગ્ર તપાસ અહેવાલ જાહેર કરીને જનતાને સંપૂર્ણ માહિતી આપવી.

(2:45 PM IST)