તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ભારતના ચૂંટણી કમિશનર તથા વડાપ્રધાનનું મોહરૂ પહેરાવી કોંગ્રેસના દેખાવોઃ SIR પ્રક્રિયા સામે ઉગ્ર વિરોધ વંટોળ
શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનઃ સુત્રોચ્ચાર સામે કલેકટર કચેરી ગજવી.. : ૧૩ કરોડ નામો રદ્ કરાયા તે નાગરિકોની મતાધિકાર ઉપર તરાપ મારવાનુ કામ થયુ છે.. : કોંગ્રેસના કાર્યકરને ચૂંટણી કમિશનરનું મુખોટુ પહેવારી દોરડાથી બાંધી કલેકટર કચેરીએ લઇ જવાતા સન્નાટો

SIR પ્રક્રિયાથી ૧૩ કરોડ નામો રદ કરાયા તેના વિરોધમાં અને મૂખ્ય ચૂંટણી કમિશનરની કાર્યવાહીના વિરોધમાં આજે શહેર કોંગ્રેસે શહેરમાં અને કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવો યોજી મૂખ્ય ચુંટણી કમિશનર અને વડાપ્રધાનના મોહરા પહેરાવી કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૩.૧૮)
રાજકોટ, તા.૨૮: ભારતમાં SIRની પ્રક્રિયાના નામે ૧૩ કરોડ નામો કપાયાના મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ઠેર-ઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા દેશભરમાં આજે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના યુવા કાર્યકરને જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવવામાં આવ્યું હતું અને દોરડાથી બાંધવામાં આવ્યો હતો. જે બાદ તેને પકડીને કલેકટર કચેરીએ લઈ જવામાં આવ્યો હતો.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સમગ્ર દેશની અંદર જે SIRની કામગીરી ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવી, જેમાં ભારતમાં ૧૩ કરોડ નામ દૂર કરવામાં આવ્યા અને ભૂતિયા નામ ચડાવવામાં આવ્યા. જ્યારે આ SIRની કામગીરી થતી હતી, ત્યારે કોંગ્રેસે આનો પણ વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ વિરોધ કર્યો હતો, પરંતુ ત્યારે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકારે કોંગ્રેસની વાતને નકારી કાઢી હતી.
જોકે, જ્ઞાનેશ કુમારની સાથેના બે ચૂંટણી કમિશનરે સ્વીકાર્યું કે અમે ૧૪ વખત જ્ઞાનેશ કુમારને લેખિત ફરિયાદ કરી કે, અમને વિશ્વાસમાં લીધા વિના આ ૧૩ કરોડ નામ કાઢવાનું કામ ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ કરેલું છે. આ વાત જ્યારે બહાર આવી ત્યારે લોકશાહી અને બંધારણમાં જે મુખ્ય મતાધિકાર સમગ્ર ભારત દેશમાં વસતા નાગરિકોને આપેલો છે એ મતાધિકાર ઉપર તરાપ મારવાનું કામ થયું હોવાનું સામે આવ્યું. જેના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે.
વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસની સ્પષ્ટ માગ છે કે તાત્કાલિક ધોરણે જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેવામાં આવે અને જે SIR પ્રક્રિયા થઈ હતી એ ફરીથી ચકાસવામાં આવે. આજે સરદાર પટેલની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી પગપાળા પહોંચી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દેશમાં લોકશાહી અને બંધારણની અંદર મૂળભૂત અધિકારમાં મતાધિકારનો સમાવેશ થાય છે, ત્યારે આપના માધ્યમથી કહું છું કે સમગ્ર દેશની જનતા અને ગુજરાતની જનતા પણ જાગે. ભાજપ સરકારે વોટ ચોરી કરી છે જે એને નહીં કરવા દઈએ. આવેદન દેવામાં અગ્રણીઓ સર્વશ્રી ગાયત્રીબા વાઘેલા, ડો. હેમાંગ વસાવડા, જશવંત સિંહ ભટ્ટી, મહેશ રાજપૂત, તથા અન્યો ખાસ જોડાયા હતા.
(2:57 PM IST)










