<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

વેકેશનમાં ખાનગી શાળાઓની મનમાની સામે કોંગ્રેસનો વિરોધ

રાજકોટની ૧૪થી વધુ ખાનગી શાળાઓ સામે તપાસની માગ : ૧૭ અધિકારીઓને શાળામાં દોડાવતા ડીઇઓ ધોરણ ૧૦-૧૨ સિવાયના વર્ગો શરૂ કરનાર શાળાઓને નોટિસ ફટકારો, એજ્‍યુકેશન ઇન્‍સ્‍પેક્‍ટર મારફતે સ્‍થળ તપાસ કરો : રોહિતસિંહ રાજપૂતની DEO સમક્ષ રજૂઆત

રાજકોટ, તા., ૧૭ : રાજ્‍ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬ના શૈક્ષણિક કેલેન્‍ડર મુજબ તા. ૫થી ૨૫ નવેમ્‍બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્‍યું હોવા છતાં રાજકોટની અનેક ખાનગી શાળાઓ દ્વારા વેકેશન દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ સિવાયના અન્‍ય ધોરણોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવ્‍યું હોવાની ફરિયાદો સામે આવી છે. આ અંગે વિદ્યાર્થી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌરાષ્‍ટ્ર ઝોન પ્રવક્‍તા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી સંબંધિત શાળાઓ સામે તાત્‍કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માગ કરી છે.

રજૂઆતમાં ઉત્‍કર્ષ સ્‍કૂલ, મોદી સ્‍કૂલની બંને શાખાઓ, રાજકુમાર સ્‍કૂલ, વેસ્‍ટવુડ સ્‍કૂલ, અંબિકા વિદ્યાલય (યુનિવર્સિટી રોડ), વિઝડમ સ્‍કૂલ, મહાત્‍મા ગાંધી સ્‍કૂલ, કલરવ સ્‍કૂલ, સત્‍યપ્રકાશ સ્‍કૂલ, સરસ્‍વતી સ્‍કૂલ, ક્રિષ્‍ના સ્‍કૂલની બંને શાખાઓ, ધોળકિયા સ્‍કૂલ, ભૂષણ સ્‍કૂલ અને સ્‍કૂલ ઓફ સાયન્‍સ સહિતની શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ સિવાયના વર્ગો શરૂ રાખવામાં આવ્‍યા હોવાની વિગતો રજૂ કરવામાં આવી છે.

આ અંગે ડીઇઓ શ્રી દિક્ષિત પટેલે જણાવ્‍યું છે કે, ફરીયાદને પગલે ૧૭ અધિકારીઓ  દ્વારા વિવિધ ખાનગી શાળામાં તપાસ કરવામાં આવી છે.

રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ માગ કરી છે કે ઉપરોક્‍ત તમામ શાળાઓને તાત્‍કાલિક કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવે, એજ્‍યુકેશન ઇન્‍સ્‍પેક્‍ટર મારફતે સ્‍થળ તપાસ કરાવવામાં આવે અને ધોરણ ૧૦ તથા ૧૨ સિવાયના વર્ગો શરૂ રાખનારી શાળાઓ સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે. તેમજ તા. ૨૫ નવેમ્‍બર સુધી સરકારી શૈક્ષણિક કેલેન્‍ડર મુજબ વેકેશનનો સંપૂર્ણ અમલ કરાવવામાં આવે.

(3:34 PM IST)