News of Friday, 24th April 2026
રાજકોટના ભવિષ્ય માટે કોંગ્રેસનો ઐતિહાસિક ઢંઢેરોઃ ૭૦ વાર સુધીના મકાનોનો ઘરવેરો માફ કરવા મોટી જાહેરાત
ફ્રી સિટી બસ, આધુનિક શાળાઓ, વાઈ-ફાઈ ઝોન, અને શુદ્ધ પાણીના વચન સાથે ડો.રાજદીપસિંહ જાડેજા દ્વારા કમિટમેન્ટ કોંગ્રેસનું રાજકોટ માટે મેનિફેસ્ટો રજૂ

રાજકોટઃ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિહ જાડેજા(મો.૯૮૨૪૩ ૦૦૦૦૭) એ આગામી ચૂંટણી માટે રાજકોટ માટે - કમિટમેન્ટ કોંગ્રેસનું નામનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ૭૦ વાર સુધીના મકાનો પર ઘરવેરા માફી, નવા વિસ્તારોનો વિકાસ, મહિલાઓ- વડીલો-વિદ્યાર્થીઓ માટે મફત સિટી બસ સેવા, દરેક વોર્ડમાં વાઈ-ફાઈ ઝોન, અને ભૂગર્ભ ગટર તથા પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ જેવા આકર્ષક વચનો આપવામાં આવ્યા છે. આગામી ૨૬ તારીખે પરિવર્તન માટે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ શહેર આજે એક મહત્વપૂર્ણ મંચ પર ઊભું છે ત્યારે આવનારા વર્ષોમાં શહેરની દિશા નક્કી કરવા કોંગ્રેસે કમર કસી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી માત્ર ચૂંટણી નથી, પરંતુ રાજકોટના ભવિષ્યનો માર્ગ નક્કી કરવાની ઐતિહાસિક તક છે. કોંગ્રેસ પાર્ટી શહેરના દરેક વર્ગને સાથે લઈને વિકાસનો નવો અધ્યાય શરૂ કરવા પ્રતિબદ્ધ છે. આ દિશામાં કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ કોંગ્રેસનું રાજકોટ માટે નામનો મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યો છે, જે રાજકોટના સર્વાંગી વિકાસ માટેનો દ્રષ્ટિપૂર્ણ રોડમેપ છે.
ઘરવેરામાં રાહત અને નવા વિસ્તારોનો વિકાસઃ આ મેનિફેસ્ટોમાં નવા સમાવેશ કરાયેલા વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ દૂર કરવા વિશેષ વિકાસ પેકેજની જાહેરાત કરાઈ છે. ૭૦ વાર સુધીના મકાનો પર ઘરવેરો માફ કરવા અને અન્ય રહેણાંક માટે રાહતો આપવાનો મોટો નિર્ણય લેવાયો છે, જેનાથી સામાન્ય અને મધ્યમવર્ગને સીધી રાહત મળશે. આ ઉપરાંત, ડિમોલિશનથી અસરગ્રસ્ત લોકોને આવાસ ફાળવણીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
પાણી અને ગટર વ્યવસ્થાનો કાયમી ઉકેલઃ શહેરમાં ભૂગર્ભ ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થવાની ગંભીર ફરિયાદોનો કાયમી ઉકેલ લાવવા કોંગ્રેસે સંકલ્પ કર્યો છે. પાણી પુરવઠામાં વધારો, સ્વચ્છ વિતરણ અને ગટર તથા પાણી માટે સંપૂર્ણપણે અલગ અને આધુનિક લાઈન સિસ્ટમ ઉભી કરવામાં આવશે.
મફત આરોગ્ય સેવાઓ અને આધુનિક શિક્ષણઃ આરોગ્ય ક્ષેત્રે સિનિયર સિટીઝન્સ માટે વાર્ષિક ફુલ બોડી ચેકઅપ, ડાયાબિટીસ અને બીપીની મફત દવાઓ અપાશે. ૨૪ કલાક અને ૭ દિવસ કાર્યરત રહે તેવા નવા આરોગ્ય કેન્દ્રો શરૂ કરાશે. શિક્ષણમાં દરેક વોર્ડમાં આધુનિક ડિજિટલ શાળાઓ, વાઈ-ફાઈ ઝોન અને ગુણવત્તાસભર કોચિગ સેન્ટરો શરૂ કરવાનું આયોજન છે.
ટ્રાફિક, પરિવહન અને મહિલા સુરક્ષાઃ સિટી બસ સેવાનું વિસ્તરણ કરી સોસાયટીઓ સુધી પહોંચાડવામાં આવશે. મહિલાઓ, વિદ્યાર્થીઓ તથા વરિષ્ઠ નાગરિકો માટે સિટી બસ સેવા તદ્દન મફત રહેશે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા દરેક ઝોનમાં ફ્રી પાર્કિગ અપાશે અને ફૂટપાથોને ચાલવા લાયક બનાવાશે. મહિલાઓના સશક્તિકરણ માટે ફીમેલ જીમ, ફ્રી લાયબ્રેરી મેમ્બરશિપ અને સ્વચ્છ 'પિક ટોયલેટ'ની સુવિધા અપાશે.
યુવાનો, પર્યાવરણ અને કોંગ્રેસનો ઇતિહાસઃ યુવાનો માટે આધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારલક્ષી વાતાવરણ ઉભું કરાશે. શહેરને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવા વિશેષ પગલાં લેવાશે.
ડો.જાડેજાએ યાદ અપાવ્યું હતું કે કોંગ્રેસે ભૂતકાળમાં રાઈટ ટુ ઈન્ફોર્મેશન (આરટીઆઈ), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા), ખાદ્ય સુરક્ષા કાયદો અને શિક્ષણના અધિકાર જેવા ઐતિહાસિક નિર્ણયો આપ્યા છે.
અંતમાં, કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચૂંટણીના હવે માત્ર ૨ દિવસ બાકી છે. જનતાએ કોંગ્રેસ પ્રત્યે જે પ્રેમ અને વિશ્વાસ બતાવ્યો છે તે બદલ આભાર વ્યક્ત કરતા તેમણે અપીલ કરી છે કે તમામ નાગરિકો એકજૂટ થઈને આગામી ૨૬ તારીખે કોંગ્રેસને સમર્થન આપી વિકાસ અને પારદર્શિતાની દિશામાં મતદાન કરે.
(2:13 PM IST)










